1960માં મુંબઈ રાજ્યથી ગુજરાત અલગ થયું ત્યારે અમરેલીના ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમણે થોડા વર્ષોમાં જ અમરેલીને જીલ્લાનો દરજજો મળ્યો હતો. તેમણે લોકોનું આરોગ્ય સુધરે તે માટે અમરેલીને હાલની સિવિલ હોસ્પિટલ મળી હતી. શિક્ષણ ક્ષેત્રે અમરેલી વિદ્યાસભા નીચે કોલેજો સાથે વિશાળ કેમ્પસ પણ સરકારે કરી આપ્યું હતું. અમરેલીનું એરપોર્ટ પણ તે સમયે બન્યું હતું.
પરંતુ ત્યાર બાદ 60 વર્ષ સુધી અમરેલી અછૂત બની ગયું છે. અમરેલીનો સરકારી વિકાસ અટકી ગયો છે. અમરેલીને ખેતી આધારિત વિસ્તાર બનાવી દેવાયો છે. અહીં સ્વરોજગારી માટે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. રાજુલા અને જાફરાબાદ વિસ્તારને બાદ કરતાં કોઈ ઉદ્યોગો નથી. હવે તે ગુજરાતના જે પછાત જિલ્લા છે તે પૈકીનો એક જિલ્લો બની ગયો છે. અમરેલીમાં લોકો આવવાનું ટાળે છે. સારાં, હોંશિયાર અધિકારીઓ હવે કચ્છ જવા માટે તૈયાર થાય છે પણ અમરેલીમાં નોકરી માટે આવવા તૈયાર નથી.
સામાજિક રીતે પણ અમરેલી અછૂત બની ગયો છે. અહીં બહારના લોકો દીકરી આપતાં નથી. બહારના સામાન્ય લોકો અહીં કાયમી રીતે રહેવા આવતાં નથી. છેલ્લાં 28 વર્ષથી ભાજપની સરકારો હોવા છતાં અમરેલી માટે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ભાજપના અમરેલીના ત્રણ મોટા નેતાઓ ચૂંટાઈને રાજ્ય તથા દેશ કક્ષાએ ગયા છે પણ તેઓ અહીં ધ્યાન આપતાં નથી.
50 વર્ષમાં અમરેલીમાં જે કંઈ નવું થયું છે તે સ્થાનિક લોકો બહાર હિજરત કરીને ગયા તેમણે પોતાના વતન માટે પૈસા આપ્યા છે અને કામો કર્યા છે. બહારથી અબજો રૂપિયાનું દાન આવ્યું છે. જેમાં શિક્ષણ, સિંચાઈ, ખેતી, ડેરી, હીરા ઉદ્યોગ જેવી બાબતો વિકસી છે. અહીં પીવાનું ફ્લોરાઈડ યુક્ત પાણી એટલું ખતરનાક હતું કે લોકો બહાર હિજરત કરી ગયા હતા. ખેતીમાં કંઈ થતું ન હોવાથી તેઓ મોટા શહેરોમાં કામધંધા માટે સ્થળાંતર કરી ગયા હતા. તેઓ બહાર જઈને અબજોપતિ થયા છે. તેમણે અમરેલીને આપ્યું છે પણ સરકારે કંઈ આપ્યું નથી. જો તેઓ ન હોત તો 615 ગામ તો ખતમ થઈ ગયા હોત.
જો બહારથી લોકોએ અહીં સગવડો ઊભી કરી આપી ન હોત તો આદિવાસી વિસ્તાર કરતાં ખરાબ હાલત હોત અને લોકો અમરેલી જિલ્લા બહાર નિકળી ગયા હોત. જો ચેક ડેમ કે તળાવ શ્રીમંત લોકોએ બનાવી આપ્યા ન હોત તો અમરેલીમાં લાખો લોકોએ હિજરત કરી હોત. હીરાનો ઉદ્યોગે ખેતીના વ્યવસાયને મોટો ટેકો કર્યો છે જેને કારણે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારની જનતા ટકી રહી છે. આમ હિજરત કરીને બહાર ગયેલા લોકોએ અમરેલીને બચાવી લીધું છે આવું ભારતમાં ક્યાંય થયું નથી કે બહાર ગયેલા લોકોએ પોતાના મૂળ વતનને સમાજિક, આર્થિક અને રાજકીય રીતે બચાવી લીધો હોય. પણ તે અમરેલીમાં થયું છે. તેમ ડો.કાનાબારે જણાવ્યું હતું.
મગફળી, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં મશહુર છે અને આ જિલ્લામાં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. પણ સ્થાનિક લોકોને તેનાથી કોઈ ફાયદો થયો નથી.
ઈતિહાસ
અમરેલીમાં વડોદરાના મરાઠી રાજા ગાયકવાડનું રાજ હતું ત્યારે તેમણે અમરેલીને અન્યાય કર્યો હતો. અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. 1730માં દામાજી રાવ ગાયકવાડે અમરેલી પર હુમલો કર્યો હતો. ત્રણ શાસક પાસેથી સત્તા આંચકી અને દામજી રાવે ખંડણી નાંખી હતી. મરાઠાઓએ લશ્કરી થાણા સ્થાપ્યા હતા.
અગાઉ છાભરિયા તરીકે ઓળખતા દામનગર અને છ ગામોને લાઠીના લાખાજીએ પોતાની પુત્રીના દામાજીરાવ ગાયકવાડ સાથેના લગ્ન કરાવીને દહેજમાં આપ્યા હતા. ત્યારે માંડ દરબારોએ સત્તા ટકારી રાખી હતી. ત્યાર બાદ સ્વામિનારાયણ સંપ્રદાયે અહીં પોતાનો વ્યાપ વધાર્યો પણ સામાજિક અને આર્થિક રીતે આ વિસ્તારને આગળ લાવવા માટે કોઈ નક્કર કામ કર્યું નથી. મંદિરોમાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. જો તેટલું રોકાણ ડેમ બનાવવા થયું હોત તો લોકોનો ઉદ્ધાર થયો હોત.