અમદાવાદ, તા.૦૧
કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તરે પેદા થતાં કુદરતી ગેસના મિલિયન મેટ્રિક બ્રિટીશ થર્મલ યુનિટ-એમએમબીટીયુના ભાવમાં કેન્દ્ર સરકારે 12.5 ટકાનો ઘટાડો કર્યો છે. પરિણામે ગુજરાત અને મુંબઈમાં ગેસનો સપ્લાય આપતી કંપનીઓએ પણ તેમના સીએનજી-કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પીએનજી-પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં સમ પ્રમાણમાં ઘટાડો કરવાની ફરજ પડશે. કેન્દ્ર સરકારે પહેલી ઓક્ટોબર 2019થી 31મી માર્ચ 2020 સુધીના છ માસના ગાળા માટે આ ભાવ ઘટાડો જાહેર કર્યો છે. કુદરતી ગેસના મિલિયન મેટ્રિક બ્રિટીશ થર્મલ યુનિટદીઠ ઘટાડો કરીને 3.23 અમેરિકી ડોલર સુધી લાવી દેવામાં આવ્યો છે.
દેશમાં વાયુ પ્રદુષણ વધી ગયું છે અને સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવા માટે સક્રિય બની છે તેથી પણ આ ઘટાડો કરવામાં આવ્યો હોવાનું મામવામાં આવી રહ્યો છે. બીજું ગુજરાતમાં સિરામિક ઉદ્યોગને કુદરતી ગેસનો ઉપયોગ કરવાની જ ફરજ પડી હોવાથી આ નિર્ણયને પરિણામે તેમના સારી એવી રાહત મળવાની સંભાવના છે. રાસાયણિક ખાતરની ઉત્પાદન કિંમતમાં, સિરામિક પ્રોડક્ટ્સની પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો થશે. વેપાર ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા પર પોઝિટીવ અસર જોવા મળશે.
કેન્દ્ર સરકારે આ ઘટાડાની જાહેરાત કરી છે. ગેસ કાઢવો મુશ્કેલ હોય તેવા વિસ્તારમાંથી ગેસ કાઢવામાં આવે તો તેના એમએમબીટીયુના ભાવ 8.43 અમેરિકી ડોલર નક્કી કરી આપવામાં આવ્યા છે. જે અગાઉ નક્કી કરી આપવામાં આવેલા ભાવ કરતાં 9.5 ટકા નીચા છે. આમ તેનો નવો ભાવ 8.43 અમેરિકી ડોલર થાય છે. સીએનજી અને પીએનજીની હીટ વેલ્યુને આધારે તેના ભાવ નક્કી કરવામાં આવે છે.
કુદરતી ગેસનો ભાવ ઘટાડવામાં આવ્યો હોવાથી તેની મદદથી પેદા કરવામાં આવતા રાસાયણિક ખાતર, ઓટોમોબાઈલ્સ ના પૂરજાઓના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે. આ જ રીતે સીએનજીનો ઉપયોગ કરીને વાહન ચલાવનારાઓને તથા ઘરના રસોડામાં પાઈપ્ડ નેચરલ ગેસ-પીએનજીનો ઉપયોગ કરનારાઓને રાહત મળશે. તેની સીધી અસર ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ તથા ઓઈલ ઇન્ડિયા લિમિટેડની આવક પર પણ પડશે.
ક્રૂડ ઓઈલના ભાવમાં અનિશ્ચિતતા જોવા મળતી હોવાથી ભારત સરકારને તેની આયાત કરવા માટે કરવા માટે કરવા પડી રહેલા ખર્ચમાં જંગી વધઘટ આવી જતી હોવાથી ક્રૂડ ઓઈલની આયાતને ડિમોટ કરવાનો ઇરાદો ભારત સરકાર ધરાવે છે. તેથી પણ આ દિશામાં તેણે પગલાં લેવા માંડ્યા છે. બીજું, ક્રૂડનો પેટાળમાંનો જથ્થો ઓછો થઈ રહ્યો છે. તેના જથ્થો વાપરવાની સમયમર્યાદા ઘટી રહી છે. તેથી પણ તેના અન્ય વિકલ્પનો વિચાર કરવાનો સમય આવી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા 2014માં નક્કી કરવામાં આવેલી નવી ગેસ પોલીસી હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે 2014ની ગેસ નીતિ હેઠળ ભાવ ઘટાડ્યા તેને પરિણામે મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન એકમોની પ્રોડક્શન કોસ્ટમાં 5થી 6 ટકાનો ઘટાડો થવાની સંભાવના જોવામાં આવી રહી છે. પરિણામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની સ્પર્ધાત્મકતામાં વધારો જોવા મળશે. આમ આ પગલું લઈને વેપાર ઉદ્યોગોને મંદીના માહોલમાં સ્પર્ધા કરવાની તક પણ ઊભી કરવી આપવામાં આવી છે. નેચરલ ગેસના ભાવ ઘટી જતાં તેમણે નવા ઉત્પાદનો કરવા માટે વધુ મૂડી નાખવી પડશે નહિ. તેનાથી રાસાયણિક ખાતરના ભાવ પણ નીચા જશે. તેની સીધી અસર હેઠળ રાસાયણિક ખાતર પર આપવી પડનારી સબસિડીમાં પણ સમાન પ્રમાણમાં ઘટાડો જોવા મળશે.