ફોર્બ્સના 100 ભારતીય ધનવાનોની યાદીમાં ગૌતમ અદાણીએ 11 અબજ ડૉલર સાથે દસમું સ્થાન ધરાવે છે. દુનિયાના જાણીતા ગુજરાતી વ્યાપારી ગૌતમ અદાણીના ગ્રુપ સામે ગુજરાત, ભારત અને વિદેશમાં સતત વિરોધ થતો આવ્યો છે. આટલો વિરોધ અગાઉ ક્યારેય ગુજરાતના ઉદ્યોગપતિનો થયો નથી. મોદી અદાણી ભાઈ ભાઈના નારા સાથે વિપક્ષ કોંગ્રેસ પણ અનેક વખત વિરોધ દર્શાવી ચુકી છે. મોદી સરકાર અદાણીની સરકારના નારા સાથે કોંગ્રેસે અનેક વખત મોદી અને અદાણીને ચૂંટણી મુદ્દો બનાવીને ઘેર્યા છે. વિદેશમાં પણ અદાણીની મુશ્કેલીઓ વધી રહી છે. ઓસ્ટ્રેલિયામાં અદાણીનો કોલસા પ્રોજેક્ટ ચૂંટણી મુદ્દો બન્યો છે. પ્રદુષણ સામે લડતી અનેક સ્વૈચ્છીક સંસ્થાઓએ કોલસા પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. હજારો લોકોએ પ્રદર્શન કરીને પ્રોજેક્ટ અટકાવવા માંગ કરી છે. ચૂંટણીમાં ઉભા 7 અપક્ષ ઉમેદવારો પણ આ મુદ્દો ઉછાળીને અદાણીનો વિરોધ કરી રહ્યાં છે.
અદાણીએ ઓસ્ટ્રેલિયામાં 2010માં ક્વિન્સલેન્ડમાં કોલસાની ખાણો ખરીદી હતી અને ચાલુ માસમાં ફેડરલ ચૂંટણી થવાની છે. 7 અપક્ષ ઉમેદવારોએ દાવો કર્યો છે કે જો તેઓ ચૂંટણીમાં જીત મેળવશે તો અદાણીનો પ્રોજેક્ટ બંધ કરાવવા આંદોલન કરશે. તેમનું કહેવું છે કે, અદાણીના કોલસા પ્રોજેક્ટને કારણે ગ્લોબલ વોર્મિંગ વધશે અને દેશમાં પ્રદુષણની માત્રામાં વધારો થશે. જેથી આ પ્રોજેક્ટ બંધ થવો જોઇએ. ખાણને મંજૂરી મળી જાય તો તે ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી કોલસાની ખાણ હશે.
પર્યાવરણ અને નાણાકીય મુદ્દાના કારણે આ યોજનામાં સતત મોડું થઈ રહ્યું છે. ક્વિન્સલેન્ડમાં અમલી થનારી આ યોજનાથી ગ્રેટ બેરિયર રિફને ભારે નુકસાન થશે. એટલું જ નહીં, ક્વિન્સલેન્ડ સ્ટેટ ગ્લોબલ વૉર્મિંગમાં પણ ફાળો આપતું થઈ જશે.
આ દરમિયાન ક્વિન્સલેન્ડ કોલસાની ખાણના વિરોધીઓએ 45 સ્થળે ‘સ્ટોપ અદાણી’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ આયોજિત કરનારી એક્ટિવિસ્ટ બ્લેર પાલેસે કહ્યું હતું કે, આ ફક્ત ક્વિન્સલેન્ડનો નહીં, અમારો રાષ્ટ્રીય મુદ્દો બની રહ્યો છે. સરકારે અમારા ટેક્સના પૈસામાંથી ખાણ માટે લોન ફાળવી છે. અડધું ઓસ્ટ્રેલિયા આ ખાણ યોજનાનો વિરોધ કરી રહ્યું છે. ‘સ્ટોપ અદાણી’ ઈસ્યૂ બેઝ અભિયાન છે. ઓસ્ટ્રેલિયાએ ક્લાઇમેટ ચેન્જને લગતા પેરિસ એગ્રિમેન્ટ પર સહી કરી છે ત્યારે દુનિયા ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટી કોલસાની ખાણ બાંધવાનું આ ગાંડપણ જોઈ રહી છે.
અદાણી એન્ટરપ્રાઈઝે જણાવ્યું હતું કે, આ યોજનાથી અબજો ડૉલરની રોયલ્ટી અને ટેક્સની આવક થશે, રોજગારીનું સર્જન થશે તેમજ ભારતમાં પણ સરળતાથી કોલસો નિકાસ થશે તો ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પહોંચાડી શકાશે.
અદાણીએ રેલવે લાઈન નાંખવા નોર્થન ઓસ્ટ્રેલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી (એનએઆઈએફ) પાસેથી 70.40 કરોડ ડૉલરની લોન લીધી છે.
જ્યારથી ક્વિન્સલેન્ડમાં કોલસાની ખાણ ખરીદી છે ત્યારથી અદાણીનો વિરોધ થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ચૂંટણીઓ નજીક છે ત્યારે પર્યાવરણના મુદ્દાને ધ્યાનમાં રાખી અદાણી સામેનો વિરોધ તેજ થઇ રહ્યો છે. વડાપ્રધાન સ્કોટ મોરિસન જે કાર્યક્રમમાં હાજર હતા ત્યાં જ સ્ટોપ અદાણીનું બેનર લઇને બે મહિલાએ સ્ટેજ પર વિરોધ નોંધાવ્યો હતો.