ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણીના જાહેરનામા પછી 111 કિલો ડ્રગ્સ ચૂંટણી પંચ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતુ, અંદાજીત આ ડ્રગ્સની કિંમત 500 કરોડથી વધારે થાય છે. આ ઉપરાંત 2.8 લાખ લીટર દારૂ પણ સીઝ કર્યો છે. તમામ રાજ્યોમાંથી ચૂંટણી પંચ દ્વારા 511.84 કરોડની રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ પર પ્રતિબંધ છે. દેશના કોઈપણ રાજ્યમાંથી આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ચૂંટણી દરમિયાન ઝડપાયો નથી.
લોકસભા 2019ની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ સ્ટેટેસ્ટિક સર્વેલન્સ અને અલગ-અલગ તપાસ એજન્સીઓ દ્વારા અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાંથી 11,00 વાહનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 1.55 કરોડની બેનામી રોકડ રકમને સીઝ કરવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે, ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પણ ચૂંટણીના જાહેરનામા પછી પોલીસ અને ચૂંટણી પંચની કાર્યવાહી દરમિયાન દારૂનો મોટો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા અધિકારીને અચારસંહિતા ભંગની આઠ ફરિયાદ મળી છે અને ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી એપ્લિકેશન cVIGILથી આચારસંહિતા ભંગની 68 ફરિયાદ મળી હતી, આ તમામ ફરિયાદોનો નિકાલ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી પ્રતિબંધિત ડ્રગ્સનો મોટો જથ્થો પકડવામાં આવ્યો છે.