ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જ મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા પાર્કિંગનાં ચાર્જ ન ઉઘરાવવા મામલે મહત્વનો ચૂકાદો આપ્યો હોવા છતાં શહેરનાં કેટલાંક મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા આજે પણ આ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. અને આટલું ઓછું હોય એમ અમપા અને પોલીસ દ્વારા આવા મોલ મલ્ટીપ્લેક્સ સામે પગલાં ભરવાનો કોર્ટનો આદેશ હોવા છતાં પણ સત્તાધીશો દ્વારા પણ કોર્ટનાં આદેશની રીતસરની અવગણના કરવામાં આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં મોલ-મલ્ટીપ્લેક્સ દ્વારા ચાર્જ ઉઘરાવવાના મામલે હાઈકોર્ટ દ્વારા મહત્વ ચૂકાદો આપવામાં આવ્યો હતો. પાર્કિંગ ચાર્જ વસુલ કરવા અંગે ચૂકાદો આપ્યો હતો કે, મોલ-મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ વસૂલ નહિ કરી શકે અને રાજ્યમાં આવેલા કોઈ પણ મોલ-મલ્ટીપ્લેક્સ દ્વારા પાર્કિંગ ચાર્જ લેવામાં આવશે તો તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મોલ-મલ્ટીપ્લેક્સના સંચાલકો વિરુદ્ધ કોર્પોરેશન અને પોલીસ કાર્યવાહી કરી શકશે. હાઈકોર્ટના આદેશ બાદ પણ રાણીપ ખાતે આવેલા આર્વેદ ટ્રાંસક્યુબ પ્લાઝા (બસ ટર્મિનલ)ના બેઝમેન્ટમાં પાર્કિંગ ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે.
10 જૂલાઈ 2019માં મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો દ્વારા વસૂલાતા પાર્કિંગ ચાર્જ સામે હાઇકોર્ટની ખંડપીઠે મહત્વનો નિર્ણય આપ્યો છે. ચુકાદા મુજબ, મોલ અને મલ્ટિપ્લેક્સ હવેથી નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારના પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહીં. તેમજ પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટિપ્લેક્સની સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.
મહત્વનું છે કે મોલ અને મલ્ટિપ્લેકસમાં અગાઉ આડેધડ પાર્કિંગ ચાર્જ વસૂલ કરાતો હોવાની વાત સામે આવી હતી. જે મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટિપ્પણી કરતા ગત નવેમ્બર મહિનામાં જણાવાયું છે કે મોલ અને મલ્ટિપ્લેક્સનાં સંચાલકોને પાર્કિંગ ચાર્જ વસૂલવાની કોઇ સત્તા નથી.
મોલ બંધ કરાવવા અંગે કોર્ટ કોઈ આદેશ કરે તે પહેલા સંચાલકો સમજી જાય. તો એ પહેલા હાઈકોર્ટે મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકોને વચગાળાની રાહત આપી હતી. કોર્ટે પ્રથમ કલાક ફ્રી બાદ ચાર્જ વસુલ કરવાની પરવાનગી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ બાદ ટુ-વ્હીલરના 20 રૂપિયા અને ફોર વ્હીલરના 30 રૂપિયા ચાર્જ વસુલ કરી શકાશે.
હાઈકોર્ટના આ ચુકાદા બાદ મોક-મલ્ટિપ્લેક્સોના સંચાલકોએ કોર્ટમાં અપીલ કરી હતી. તેમણે સિંગલ જજના હુકમને ડિવિઝન બેન્ચ સામે પડકાર્યો હતો. તેમણે રજૂઆત કરી કે પ્રથમ કલાક ફ્રી પાર્કિંગની સુવિધા આપવાના કોર્ટના આદેશ પહેલા તેમને સાંભળવામાં આવ્યા નથી. આ હુકમ રદ્દ કરવામાં આવે.