પુલિંદ જાતિનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ અને મહાભારતમાં જોવા મળે છે એવી જ રીતે અશોકના ગિરનારના ધર્મલેખોમાં અંધ્રો, ભોજકો, રાષ્ટ્રિકો અને પુલિંદો ઉપર અશોકનું શાસન હતું એવો ઉલ્લેખ આવે છે. આમાંની પુલિંદ જાતિ દક્ષિણમાંથી અહીં આવેલી જણાય છે. લાટ પ્રદેશની સીમા પર, નર્મદાના કાંઠાના પ્રદેશમાં, કચ્છના અખાતને ઈશાન ખૂણે ને બનાસકાંઠામાં વ્યાપેલી આ પુલિંદ જાતિ એ આ વિભાગના ભીલોના પૂર્વજો હશે.
નિષાદ પ્રજા પણ જૂતી છે. વાજસનેયી યજુઃસંહિતાનો ભાષ્યકાર મહીધર એને ‘ભિલ્લ’ કહે છે. કાત્યાયન-શ્રૌતસૂત્રમાં નિષાદ સ્થપતિનો ઉલ્લેખ છે ને મહાભારતમાંથી નિષાદોનું સરસ્વતી-પ્રદેશમાં રાષ્ટ્ર હતું એમ જાણવા મળે છે. નિષાદનો અંશ હાલ સાબરકાંઠામાં વસતા ભીલ લોકોમાં હશે એન અનુમાન કરી શકાય.
નિષધ નામે આર્યેતર પ્રજા પણ ગુજરાતમાં હતી એમ જોવા મળે છે. બ્રહ્માંડ, વાયુ ને વામન પુરાણ પ્રમાણે વિંધ્યપ્રદેશની હારમાળાના પ્રદેશમાં નિષધ રહેતા. મહાભારત જણાવે છે કે નિષધોની રાજધાની ગિરિપૃષ્ઠ (આજનું વાગડ પ્રદેશનું ડુંગરપુર) હતી, તો વાગડના પાલવાસી ભીલોને કટારાની ભીલો નિષધ હોય. અહીં ‘નિષધ’ શબ્દ ભ્રમથી પ્રાયઃ ‘નિષદ’ શબ્દને બદલે પ્રયોજાયો લાગે છે.
શબર જાતિને મહાભારત ‘દક્ષિણાપથવાસી’ તરીકે ઓળખાવે છે ને તોલોમીએ જણાવેલ સુરિઅસ જાતિ એ જ શબરો એમ કે.કા. શાસ્ત્રી સૂચવે છે. આ જાતિ ગુજરાતની સરહદ પર ર૦૦૦ વર્ષ પૂર્વે હતી; એ સાબરકાંઠાની સરહદની વન્ય જાતિઓમાં ભળી ગઈ હોય.
એક સમયે ભીલો પશ્ચિમ ભારતના મોટા ભાગમાં ફેલાયેલા હશે. ગુજરાતના જૂનામાં જૂના પરંપરાગત રાજા એ ભીલ-કોળી છે. આસાવલ-આશાપલ્લી (અમદાવાદનું પ્રાચીન સ્વરૂપ)નો સ્થાપક આશો ભીલ કહેવાય છે. વળી અણહિલ્લ ભરવાડે વનરાજ ચાવડાને રાજ્ય મેળવવામાં મદદ કરી હતી ને એના નામ પરથી વનરાજે અણહિલ્લપાટકની સ્થાપના કરી એ અણહિલ્લ પણ ભીલ રાજવી હોવો જોઇયે.
રાષ્ટ્રિકો પણ એક સમયે ‘સુ’ પ્રજાની જેમ સૌરાષ્ટ્રમાં હશે અને પાછળથી ત્યાંથી ખસીને અપરાંતમાં રાષ્ટ્રકૂટોના રૂપમાં રાજત્વ પામ્યા હશે એમ અનુમાન કરવામાં આવે છે. એઓ પણ આદિમ જાતિ જણાય છે અને મૂળ આહિર જાતિના હોય એમ કે.કા. શાસ્ત્રી માને છે.
મૂળમાં આર્યેતર હોય ને પાછળથી આર્યોમાં સંપૂર્ણપણે ભળી ગઈ હોય એવી જાતિઓ, જેવી કે હૈહયો, શબરો, કારૂષો, બર્બરો, આભીરો વગેરેના ઉલ્લેખ પણ પુરાણોમાં જોવા મળે છે. આમ પૌરાણિક સાહિત્યમાંથી પણ ગુજરાતમાં વસ્તી અનેક આદિમ જાતિઓના તેમજ આર્યવંશોના ઉલ્લેખ મળે છે.