ગુજરાતને લૂંટતા 83 ખાણમાફિયાઓ સામે ફરિયાદોમાં કોઈને જેલ નહીં

રાજ્યના છ જિલ્લામાં ખાણ માફિયાઓ સામે 83 ફરિયાદો થઇ છે. સૌથી વધુ 35 ફરિયાદો કચ્છમાં થયેલી છે. બીજાક્રમે સૌથી વધુ ફરિયાદો ગીર સોમનાથ જિલ્લામાં છે. વિભાગે માત્ર દંડની કાર્યવાહી કરી છે, કેટલાકને દંડમાં હપ્તા બાંધી આપ્યા છે. ગાંધીનગર અને અમદાવામાં સાબરમતી નદીની રેતી કાઢવાનું એક મોટું કૌભાંડ ચાલે છે છતાં વિભાગની નજર સામે બિન્દાસ રેતી કાઢવાના કામો થઇ રહ્યાં છે. 

ગાંધીનગર- કર્ણાટકમાં જ નહીં ગુજરાત પણ ખાણ-ખનીજ માફિયાઓ સક્રિય છે તેનો બોલતો પુરાવો રાજ્યમાં બનેલા 83 કેસો છે. આ કેસોમાં ખનીજ માફિયા તત્વોએ ગુજરાતમાં ગેરકાયદે ખોદકામ કરીને ખનીજ મેળવી લીધા છે. સરકારે મોટા ભાગના કેસોમાં દંડના પગલાં લીધા છે પરંતુ કોઇ ખાણ માફિયાની લીઝ રદ કરી નથી કે તેને બ્લેકલીસ્ટ કર્યો નથી.

ગુજરાતમાં અમરેલી, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છમાં ગેરકાયદે ખાણ-ખનીજનું ખનન થયું છે. 

રાજ્યમાં અમિત જેઠવાનું મર્ડર થવા પાછળનું કારણ ખાણ-ખનીજ માફિયા તત્વો છે જે ભાજપમાં રહીને ગેરકાયદે ખનન કરે છે. ખાણ ખનીજ વિભાગના જણાવ્યા પ્રમાણે એક વર્ષમાં વિભાગને મળેલી 83 ફરિયાદોમાં પગલાં લેવામાં આવ્યા છે. કર્ણાટક જ નહીં, ગુજરાતમાં પણ ખાણ-ખનીજ માફિયાઓ સક્રિય છે, કચ્છમાં 35 ફરિયાદો થઈ છે. છતાં પગલાં લેવાતા નથી. 

ખાણ-ખનીજનું ગેરકાયદે ખનન કરતાં ત્રણ માફિયાઓને માત્ર દંડ કરવામાં આવ્યો છે. બે માફિયાઓને આશ્ચર્યજનક રીતે દંડની રકમના હપ્તા કરી આપવામાં આવ્યા છે. રાજ્યમાં એસ્સાર જેવા ઉદ્યોગજૂથોને જેમ દંડના 36 હપ્તા કરી આપવામાં આવે છે તેમ ખાણ માફિયાઓને પણ હપ્તા કરી આપવામાં આવે છે.

વિભાગે સાત કિસ્સામાં દંડની વસૂલાતનો આદેશ કર્યો છે. ત્રણ કિસ્સમાં અપીલ થયેલી છે. 11 કિસ્સામાં વસૂલાતની કાર્યવાહી ચાલુ છે. એક કિસ્સામાં વિભાગે નોટીસ આપી છે. એક કિસ્સામાં એટીઆર બંધ કરી દેવામાં આવ્યું છે. બીજા કિસ્સામાં ખાણકામ બંધ કરાવી દેવામાં આવ્યું છે. 23 કિસ્સા એવા છે કે જેમાં ફરિયાદ થવા છતાં કોઇ ગેરરીતિ ધ્યાને આવી નથી. માત્ર એક ફરિયાદ ખોટી સાબિત થઇ છે.

ખાણ-ખનીજની જેમ તેની વ્યાખ્યામાં આવતી નદીની રેતીમાં ચોરી કરવાના અસંખ્ય કિસ્સા વિભાગના ધ્યાનમાં આવ્યા છે પરંતુ તેમાં મેળાપિંપણામાં રહીને સોદાબાજી કરી દેવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ગેરકાયેદે રેતીનું ખનન કરતાં માફિયાઓને કોઇનો ડર રહ્યો નથી, કેમ કે તેમની પરમીટને કોઇ વાંઘો આવતો નથી. ગાંધીનગર જિલ્લામાં તો પરમીટ વિના રેતી કાઢવાનું સૌથી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે છતાં સરકારના ડ્રોન મશીનોના રડારમાં આવતું નથી.