ગુજરાતનો પ્રાગ્-ઐતિહાસિક માનવી
પહેલાં એમ મનાતું કે દખ્ખણમાંથી પ્રાગ્-ઐતિહાસિક આદિમાનવ પશ્ચિમને ઉત્તર ભારતમાં વસવાટ માટે આવ્યો હશે, પરંતુ સાંકળિયાએ પાષાણયુગનાં થયેલાં છેલ્લાં સંશોધનોને આધારે એવું અનુમાન કર્યું છે કે ગુજરાતનો આદિમાનવ વિદેશથી આવીને વસ્યો છે. દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં આદિમાનવનો જન્મ થયો એમ ઘણા વિદ્વાનોનું માનવું છે તો ત્યાંથી અને ખાસ કરીને પૂર્વ આફ્રિકામાંથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આદિમાનવ આવ્યો હશે (૧૭ થી રર લાખ વર્ષ પહેલાં). આમ નિગ્રો કે નિગ્રિટો જાતિ અહીં આવીને વસનારી સૌથી પહેલી વિદેશી જાતિ ગણાય છે.
ત્યાર બાદ મળેલાં લાંઘણજનાં લઘુપાષાણયુગનાં માનવ-હાડપિંજરોનો અભ્યાસ થયો છે. આ માનવનાં શારીરિક લક્ષણોમાં મોટું લાંબુ માથું, ઠીક ઠીક ઊંચાઇ સાથે ઊપસેલાંં ભવાં, સહેજ બહાર આવતો નીચલો હોઠ અને કદાચ ચીબુ નાક નોંધપાત્ર છે. આ લક્ષણો સિલોનના વેદ્દાને ભૂમધ્ય સમુદ્રના આદિવાસીઓમાં જોવા મળે છે. આમ ગુજરાતની વસ્તીમાં આટલા જૂના સમયમાં માનવવંશ મિશ્રણ થયેલું હતું એમ જણાય છે.