ગુજરાતનો ઉદ્યોગને વર્ષોથી ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડના રૂા. 2500 કરોડ મળ્યા નથી

અમદાવાદ અને સુરત સહિતના ગુજરાતના જુદા જુદાં વિસ્તારના ટેક્સટાઈલ યુનિટોને મળતા ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડના રૂા. 2500 કરોડ વરસોથી ચૂકવાયા જ નથી. મંદીની ઝપટમાં સપડાયેલા ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ પછી રોકડની અછતથી પીડાઈ રહેલા ટેકસ્ટાઈલ ઉદ્યોગની વારંવારની માગણી છતાંય સરકારના પેટનું પાણીય હાલતું નથી. ટેક્સાઈલ મેન્યુફેક્ચરર્સનો આ આક્રોશ કેન્દ્રના ટેક્સટાઈલ સચિવ રવિ કપૂરની શુક્રવારની અમદાવાદની મુલાકાત દરમિયાન ઠલવાયો હતો. કાપડના મેન્યુફેક્ચરર્સ અને વેપારીઓના આ આક્રોશને કળી ગયેલા રવિ કપૂરે તેમના વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને તત્કાળ પગલાં લેવા આદેશ કર્યો હતો. તેમની તમામ ફરિયાદોનો નિકાલ લાવી દેવાની વેપારી આલમને ખાતરી પણ આપી હતી.

અમદાવાદ ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિયેશનના સેક્રેટરી નરેશ શર્માનું કહેવું છે કે અમદાવાદ ખાતેના 350 જેટલા પ્રોસેસર્સમાંથી મોટાભાગનાઓની લોન ટફ સ્કીમ હેઠળ મદદ મેળવવા પાત્ર લોની તરીકે એપ્રુવ કરવામાં આવી હતી. તેમ છતાંય તેમને ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડ હેઠળ મળવા પાત્ર સહાય મળી જ નથી. આજે આ વાતને દસથી અગિયાર વર્ષ થવા આવ્યા છતાંય તેમને નાણાં રીલીઝ કરવામાં આવતા જ નથી. અમદાવાદના એકમોના ટફ યોજના હેઠળ મળવા પાત્ર રૂા.1000 કરોડથી વધુ સલવાયેલા છે. ટફની જુદી જુદી સ્કીમ હેઠળ સુરતના 10000 મેન્યુફેક્ચરર્સના રૂા. 1300 કરોડથી વધુ સલવાયેલા પડ્યા છે. આ મુદ્દે રવિ કપૂરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રફીક મેમણે રવિ કપૂરને વિગતવાર આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છેે કે 10,000 જેટલા મેન્યુફેક્ચરર્સના રૂા.1300 કરોડ ફસાયેલા છે. એમ-ટફ, આર-ટફ અને આરઆર-ટફના નામથી ઓળખાતી જુદી જુદી જૂની સ્કીમમાં મળવાપાત્ર નાણાં મળ્યા જ નથી.

તેમનું કહેવું છે કે એ-ટફની યોજના હેઠળ મશીનની ખરીદી કરી ત્યારે ઇન્વોઈસમાં મશીન નંબર લખવામાં આવ્યો નહોતો. પરંતુ મશીન સપ્લાય કરનારાએ ત્યારબાદ તેણે મશીનના નંબર નાખી આપીને પ્રમાણિત કરેલી નકલ આપી હોવા છતાંય તે મશીનરી પેટે મળવાને પાત્ર સહાય તેમને આજ સુધી મળી જ નથી. આ પ્રકારના 800થી વધુ કેસ છે અને તેમના રૂા.200 કરોડ ફસાયેલા પડ્યા છે. ઇન્સ્પેક્શન ટીમ 3500 મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થળ તપાસ કરી ગઈ હોવા છતાંય તેમાંથી માંડ દોઢસોથી બસો એકમોની ટફ હેઠળની સહાય છૂટી કરવામાં આવી છે. જિયોટેગ મશીના ફોટોગ્રાફ પણ રજૂ કરી દેવામાં આવ્યા હોવા છતાંય ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રના 500 જેટલા એકમોને તેમને 150 કરોડની ફાળવણી કરવામાં આવી નથી. જોઈન્ટ ઇન્સ્પેક્શન ટીમ આ એકમોની મુલાકાત લઈ આવી છે. તેમ છતાંંય તેમના નાણાં રીલીઝ કરવામાં આવતા નથી. ટફ યોજના હેઠળ જ 2014-15ની સાલમાં બેન્કમાંથી ટર્મલોન મંજૂર કરાવનારા મેન્યુફેક્ચરર્સને પણ ટફ યોજના હેઠળ મળવા પાત્ર સહાય મળી જ નથી. આ પ્રકારના 300 વેપારીઓના રૂા.50 કરોલ સલવાયેલા છે.

ટફના લાભ મેળવવા માટે ઓનલાઈન પેપર રજૂ કરી દેવામાં આવે ત્યારબાદ પ્રાદેશિક કચેરી દ્વારા ફિઝિકલ ફાઈલ જે તે વિભાગ સુધી પહોંચાડવામાં લાંબો સમય લેવામાં આવી રહ્યો છે. આ વિલંબ વેપારીઓની હાલાકીમાં વધારો કરી રહ્યો છે.

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ઝીરો ટકા ડ્યૂટીએ બાંગલાદેશથી કરાતી ટેક્સટાઈલની આયાત પર ક્વોન્ટિટી રિસ્ટ્રિક્શન લગાવો

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની જોગવાઈ હેઠળ બાંગલાદેશથી રેડીમેડ ગારમેન્ટની આાયત કરવામાં આવતી હોવાથી ભારતીય ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સનું વેચાણ ઘટી ગયું છે. તેમનું વેચાણ હજીય ઘટતું રહેશે તો તેમને માટે અસ્તિત્વ ટકાવવું કઠિન બની જશે એવી ફરિયાદ કેન્દ્રિય ટેક્સટાઈલ સચિવ રવિ કપૂરને સુરતના ગારમેન્ટ મેન્યુફેક્ચરર સચિન શાહે કરી છે. જીએસટીનો અમલ થયો તે પછી બેઝિક ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીરો થઈ જતાં ભારતના ઉત્પાદકોની તુલનાએ બાંગલાદેશથી આયાત કરવામાં આવતા ગારમેન્ટ સહિતના ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ 15થી 20 ટકા સસ્તા થઈ ગયા છે. પરિણામે ભારતીય ઉત્પાદકોએ સ્પર્ધાત્મકતા ગુમાવી દીધી છે. આ સ્થિતિમાં બાંગલાદેશથી કરવામાં આવતી આયાત સતત વધી રહી છે. તેમાંથી બહાર આવવા માટે કાઉન્ટર વેઈલિંગ ડ્યૂટી નાખી શકાય છે. તેમ જ તેમને ત્યાંથી કરાતી આયાતની ક્વોન્ટિટીની મર્યાદા બાંધી આપીને ક્વોન્ટિટી રિસ્ટ્રીક્શન લાવી શકાય છે. તેમ થશે તો જ ભારતીય મેન્યુફેક્ચરર્સ ટકી શકશે અન્યથા તેમને વાવટો સંકેલી લેવાની નોબત આવશે. આ રિસ્ટ્રીક્શન ટેક્સટાઈલના હબ ગણાતા વેસ્ટર્ન સી પોર્ટથી આયાત કરવા પર પણ લાદી શકાય છે. તેમ થવાથી તેમના આયાત ઉપરાંત દક્ષિણ કે અન્ય વિસ્તારના પોર્ટ પરથી વેસ્ટર્ન રિજ્યનમાં મોકલવા માટેનો ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધી જશે. તેમ થતાં તેમની કોસ્ટ ઊંચી જશે અને  ભારતીય ઉત્પાદકોને તેમની સામે સ્પર્ધા કરવાની તક મળશે. તેમ કરવાથી ભારતના ઉત્પાદકોને લેવલ પ્લેયિંગ ફિલ્ડ મળી રહેશે. બીજી તરફ મોટા રિટેઈલર્સ અને ઓનલાઈન સપ્લાયર્સ પણ બાંગલાદેશની ટેક્સટાઈલ ખરીદીને ભારતમાં ડમ્પ કરી રહ્યા છે. તેની મોટી અસર ભારતના ઉત્પાદકોના કામકાજ પર પડી રહી છે. તેમના માલની ખપત 30 ટકા જેટલી ઘટી ગઈ છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં લઈને પાણી ફરી વળે તે પહેલા પાળ બાંધી લેવાની જરૂર છે, કારણ કે કૃષિ પછી સૌથી વધુ રોજગારી આપતું સેક્ટર ટેક્સટાઈલ છે.

જાન્યુઆરીથી નિકાસકારોને રિબેટ આપતી નવી યોજનાનો અમલ કરવામાં આવશે

વિશ્વ વ્યાપાર સંઘના કરારોને પરિણામે ભારત ડ્યૂટી ડ્રો બેક અને મર્કન્ડાઈઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા (એમ.ઈ.આઈ.એસ.)ના લાભ આપી ન શકતી હોવાથી આગામી પહેલી જાન્યુઆરી સુધીમાં કેન્દ્ર સરકાર રિબેટ ઓનલ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ લેવ્વીઝની નવી સ્કીમ બહાર પાડીને ટેક્સટાઈલના વેપારીઓને આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઊભી થઈ રહેલી સ્પર્ધાનો સામનો કરવામાં મદદ કરવાનું પગલું લેશે એવી જાહેરાત કેન્દ્રિય ટેક્સટાઈલ સચિવ રવિ કપૂરે છઠ્ઠી સપ્ટેમ્બરે અમદાવાદની હોટેલ હ્યાટમાં યોજવામાં આવેલા ટેક્સટાઈલ સેક્ટરના અધિકારીઓ અને મેન્યુફેક્ચરર્સ વચ્ચેના ઇન્ટરેક્ટિવ સેમિનાર દરમિયાન કરી છે. તેને પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ટેક્સટાઈલ મેન્યુફેક્ચરર્સના ઉત્પાદકોની સ્પર્ધાત્મકતા વધશે. ડ્યૂટી ડ્રો બેકની યોજના હેઠળ સરકાર તરફતી નિકાસની વેલ્યના દસથી અગિયાર ટકા જેટલી રકમ ઇન્સેન્ટિવ તરીકે આપવામાં આવતી હોવાનું ટેક્સટાઈલ સેક્ટરની મહિલા અગ્રણી મીના કાવિયાનું કહેવું છે. આ લાભ મળતા ટેક્સાઈટ એક્સપોર્ટર્સને પ્રોત્સાહન મળશે એમ તેમણ જણાવ્યું હતું. આ ઇન્ટરેક્ટિવ સેમિનાર દરમિયાન જ રાજીવ કપૂરે એપ્રિલ 2020 સુધીમાં નવી ટેક્સટાઈલ પોલીસી પણ અમલમાં લાવી દેવાની જાહેરાત કરી હતી. તેના થકી ટેક્સટાઈલના એકમોને ખાસ્સા લાભ મળી રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.