ગુજરાતમાંથી 6600 કરોડ ડોલરની નિકાસ થઈ

વર્ષ – 2017-18 માં ભારતની કુલ નિકાસ 303.37 બિલિયન ડોલરની થઈ હતી, જેમાંથી માત્ર ગુજરાતમાંથી જ 6600 કરોચ ડોલરથી વધુ કોમોડિટીની નિકાસ કરવામાં આવી હતી, જે કુલ રાષ્ટ્રીય નિકાસમાં 22% જેટલો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ગુજરાતમાંથી મુખ્યત્વે અમેરિકા, યુએઈ, સિંગાપોર, ચીન, હોંગકોંગ, તુર્કી, નેધરલેન્ડ્સ અને સાઉદી અરેબિયા સહિતનાં અનેક દેશોમાં રસાયણો, રત્નો, જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, પ્લાસ્ટિક અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે.

વેપાર અને નિકાસને વેગ આપવા નિકાસની તકો વિશે વિગતવાર વિચાર-વિમર્શ કરી ભારતને ટ્રિલિયન ડોલરનું નિકાસ અર્થતંત્ર બનાવવાના લક્ષ્ય સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2019માં વેપાર અને નિકાસ વિષયક સેમિનાર યોજાશે.

દેશની કુલ રાષ્ટ્રીય નિકાસમાં ગુજરાત 22% હિસ્સો ધરાવે છે. ગુજરાત નિકાસ ક્ષેત્રે ભારતમાં અગ્રેસર છે. નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019ના માધ્યમથી ભારતના વેપાર અને નિકાસને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ‘ટ્રેડ એન્ડ એક્સપોર્ટ્સ – મેકીંગ ઈન્ડિયા અ ટ્રિલિયન ડોલર એક્સપોર્ટ્સ ઈકોનોમી’ વિષયક પર તારીખ 19 જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે સેમિનાર યોજાશે.

B 2 B બેઠકો, આફ્રિકા ડે, ગુજરાત સ્પ્રિન્ટ ટુ 2022 સહિત વિવિધ વિષય પર ભાર મૂકવામાં આવ્યો છે જે વેપાર અને નિકાસ માટે ભારતને ટ્રીલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના મહત્વનું કદમ સાબિત થશે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 10 અબજ અમેરિકન ડોલરનું વિદેશી મૂડી રોકાણ પ્રાપ્ત થયું છે.

એપ્રિલ 2000 થી માર્ચ 2018 સુધીમાં ગુજરાતને એકત્રિત 18.7 અબજ અમેરિકન ડોલર (USD18.7 billion) નું વિદેશી મૂડી રોકાણ પ્રાપ્ત થયું છે, જે એપ્રિલ 2000 થી માર્ચ 2018 સુધીમાં ભારતમાં થયેલા કુલ એફડીઆઈના 5% જેટલું છે. વર્ષ 2013-14 થી 2017-18 સુધીમાં એટલે કે છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં 10 અબજ અમેરિકન ડોલર (US$10 billion) વિદેશી મૂડી રોકાણ પ્રાપ્ત થયું છે.

ડીએમઆઈસીમાં 36 ટકા હિસ્સા સાથે દેશના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાતના યોગદાન અંગે માહિતી આપતાં ધોલેરા એસઆઇઆરના સીઇઓ જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે ‘મેઈક ઈન ઈન્ડિયા’ને સફળ બનાવવામાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાતે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં સતત ટોપ – 3 ક્રમમાં રહ્યું છે જ્યારે સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે ઉત્તમ રેન્કીંગ બદલ શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. રાજ્ય સરકારના સતત પ્રયત્નો સુનિશ્ચિત કરે છે કે, એક સક્ષમ ઇકોસિસ્ટમ નવા રોકાણો ફળદાયી સાબિત થાય છે.

21 મી ડિસેમ્બર 2018 ના રોજ મુંબઈ ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા એક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડેને અંદાજિત 19 રોકાણ ઇરાદાઓ અને ઇવેન્ટમાં વ્યૂહાત્મક ભાગીદારી માટે હિસ્સેદારોએ રસ દર્શાવ્યો હતો.

ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા વિચારોનું આદાનપ્રદાન કરવા માટે આ ક્ષેત્રના રોકાણકારોને ખાસ આમંત્રણ આપ્યું હતું. જેમાં ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, પ્રાઇવેટ જેટી, ફેસિલિટીઝ ફોર કન્ટેનર ઓન બર્જીસ, ફ્રી ટ્રેડ, વેરહાઉસિંગ ઝોન (લોજિસ્ટીક પાર્ક), એલપીજી ટર્મિનલ, ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટીઝ , મિકેનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન ઓફ પોર્ટ ફેસિલિટીઝ, શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર યાર્ડ્સ, મરિન ટુરિઝમ – ક્રુઝ ટુરિઝમ, મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, ટેક્નોલોજી અપગ્રેડેશન, રો-રો/રો-પેક્સ સર્વિસીસ, ગુજરાત મેરિટાઇમ ક્લસ્ટર એન્ડ ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી વગેરે જેવા વિષયોનો સમાવેશ થયો હતો. અત્યાર સુધીમાં અંદાજિત રૂપિયા 38,000 કરોડ જેટલી માતબર રકમ પોર્ટ સેક્ટરના વિકાસ માટે ફાળવવામાં આવી છે. આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં 100 કરતા પણ વધુ રોકાણોના ઈરાદાઓ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે કરાર થશે.