ગુજરાતમાં આતંકી હુમલાના એલર્ટમાં કચ્છમાંથી પાકિસ્તાન વાત કરતા બેની અટકાયત

પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ગાંધીનગરના ઈન્ટેલીજન્સ બ્યુરોને એક ફેક્સ મળ્યો હતો અને આ ફેક્સમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી આતંકી સંગઠન ગુજરાતમાં મોટા આતંકી હુમલાને અંજામ આપી શકે છે. આ ઉપરાંત આ ફેક્સમાં એક સ્યુસાઈડ બોમ્બર, એક મહિલા સહિત ત્રણ લોકોના નામ લખવામાં આવ્યા હતા. આ વાતને ગંભીરતાથી લઇને ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને ગુજરાતના ધાર્મિક સ્થળો, કચ્છ અને સચિવાલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ એલર્ટ વચ્ચે કચ્છ SOG દ્વારા નખત્રાણાથી પાકિસ્તાનમાં કોઈ સાથે ટેલિફોનિક વાત કરતા બે યુવકોની અટકાયત કરવામાં આવી છે.

આ મામલે સુત્રોના જણાવ્યા અનુસાર હાલ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં જે રીતે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે. તેને લઈને દરેક સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝીણામાં ઝીણી તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન નખત્રાણાના બે યુવકો પાકિસ્તાન સાથે વાતચીત કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે સ્થાનિક પોલીસ દ્વારા આ યુવકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જોકે, પોલીસની પૂછપરછમાં કોઈ શંકાસ્પદ માહિતી બહાર આવી નથી.

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં રહેતા મોટાભાગના લોકો એવા છે કે, જેમનું પરિવાર પાકિસ્તાનમાં રહે છે અને તેઓ અવાર-નવાર પરિવાર સાથે વાતચીત કરતા હોય છે. ત્યારે જે પણ લોકો પાકિસ્તાનમાં રહેતા પોતાના સંબંધીઓ સાથે વાતચીત કરતા સુરક્ષા એજન્સીની રડારમાં આવે છે. તેવા યુવકોની સુરક્ષાના ધોરણે અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે