ગુજરાતમાં ઓછા પીયુસી કેન્દ્રોને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી

અમદાવાદ,તા:૨૩ નવા વાહન કાયદાના અમલ માટે 1100ના લક્ષ્ય સામે 160 PUC સેન્ટર ખૂલ્યાં નવો મોટર કાયદો અમલમાં તો લાવી દીધો, પરંતુ તેનાથી પીયુસી સેન્ટર્સ પર વાહનચાલકોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પીયુસી સેન્ટર ઓછાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં 2.53 કરોડ વાહનોની સામે માત્ર 967 પીયુસી સેન્ટર્સ હોવાથી આ સમસ્યા ખૂબ મોટી બની છે. લોકોની આ હાલાકીને જોતાં 1100 નવાં પીયુસી સેન્ટરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ તેની સામે માત્ર 160 નવા પીયુસી સેન્ટર ખોલવામાં આવ્યાં છે. કહીએ તો સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતનું સૂરસુરિયું થઈ ગયું છે.

સરકાર દ્વારા આ જાહેરાત બાદ પણ પીયુસી સેન્ટર્સની સંખ્યા જોઈતા પ્રમાણમાં વધારવામાં આવી નથી, આ સ્થિતિમાં 31 ઓક્ટોબર સુધીમાં બાકીનાં પીયુસી સેન્ટર ઊભાં નહીં થાય તો લોકોને ફરીથી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવશે તે નક્કી વાત છે, કારણ કે અમદાવાદના કુલ 43 લાખ વાહનો પૈકી ૩૫ લાખ વાહનો પાસે પીયુસી નથી, જેના માટે હાલમાં માત્ર 108 પીયુસી સેન્ટર જ છે. જે દિવસના 12 કલાક ચાલે તો બધાં વાહનોના પીયુસી સર્ટિ કાઢવા માટે 61 દિવસની જરૂર પડશે.