23 એપ્રિલે મતદાન યોજાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ છે. હાલ ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર આગળ ચાલી રહી છે. ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક લાખ કરતા વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. આ સિવાય ભાજપ રાજકોટ, ભાવનગર અને છોટાઉદેપુર બેઠક પર પણ એક લાખ કરતા વધુ મતે આગળ છે. જ્યારે દાહોદ, અમરેલી અને જૂનાગઢ બેઠક પર 5 હજાર મતના અંતરથી રસાકસી ચાલી રહી છે.
ભાજપે તેના 26 સાંસદમાંથી 10ની ટિકિટ કાપી છે, જ્યારે 16ને રિપીટ કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે 8 વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે, જ્યારે ભાજપે મંત્રી પરબત પટેલ સહિત ચાર ધારાસભ્યોને ટિકિટ આપી છે.
ગુજરાતમાં ભાજપે 25 ટકા મહિલાને તો કોંગ્રેસે માત્ર એક મહિલાને ટિકિટ આપી
ભાજપે 26 બેઠકોમાંથી 33 ટકાને બદલે માત્ર 25 ટકા એટલે કે 6 મહિલાઓને ટિકિટ આપી છે. ભારતીબેન શિયાળ (ભાવનગર), પૂનમ માડમ(જામનગર), રંજનબેન ભટ્ટ(વડોદરા), દર્શના જરદોશ(સુરત), ગીતાબેન રાઠવા(છોટા ઉદેપુર),શારદાબેન પટેલ( મહેસાણા). બીજી બાજુ કોંગ્રેસે સમ ખાવા પુરતી માત્ર એક મહિલા ગીતા પટેલ(અમદાવાદ પૂર્વ)ને ટિકિટ આપી છે.
ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર(ગ્રામ્ય) અને માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી
લોકસભા ચૂંટણીની સાથે સાથે માણાવદર, જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને ઉંઝા વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણી પણ મતગણતરી ચાલી રહી છે. આ ચાર વિધાનસભા બેઠકો પર ભાજપે બે પાટીદાર, એક આહિર અને એક કોળીને તથા કોંગ્રેસે ચાર પાટીદારને ટિકિટ આપી છે. જેમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, રાઘવજી પટેલ, આશા પટેલ અને પરસોત્તમ સાબરિયાને ટિકિટ આપી છે. જ્યારે જામનગર ગ્રામ્ય બેઠક પરથી વલ્લભ ધારવિયાની ટિકિટ કાપી છે.