કચ્છમાં ફળોની-બાગાયતી ખેતીમાં થોડા સમયથી પરદેશી, પણ હવે સાવ દેશી બનવા તરફ અગ્રેસર ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન ઘરઆંગણે થઈ રહ્યું છે. દાડમના બાંધેલી કોથળીવાળા નાના છોડ જે રીતે ભુજથી નખત્રાણા અને ભુજથી અંજાર તરફ જતાં રસ્તાની બંને તરફ જોવા મળે છે, એ પ્રમાણે જ ગાંધીધામથી ભચાઉ તરફ જતાં મીઠીરોહર પાસે લગભગ 40 એકર જમીન ઉપર સિમેન્ટના થાંભલા ઉપર રોપાયેલા છોડ જોવા મળી રહ્યા છે, જે ડ્રેગન ફ્રૂટના છે.કચ્છ સહિત ભારતમાં કેટલાક સ્થળોમાં પ્રારંભિક કક્ષાએ ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થવાનું શરૂ કર્યું છે. જે દશ-પંદર એકર જમીન ઉપર થાય છે. પરંતુ ગાંધીધામના ઉદ્યોગપતિ અને વેપારી અગ્રણી મયંક સિંધવીએ પોતાની પડતર જમીનમાં ડ્રેગન ફ્રૂટના છોડ રોપવાનું વિચાર્યું.`કચ્છમિત્ર’ સાથે વિગતવાર વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ધંધા વ્યવસાયમાં તો સેટ થઈ ગયા બાદ, ફ્રેન્ડઝ ગ્રુપમાં ગોઠવાયા બાદ કશુંક નવું કરવા તથા કચ્છ જેવા રણ વિસ્તારમાં ક્યા ફળ થઈ શકે તેની તપાસ કરતાં લેટિન અમેરિકન જેવા વિસ્તારમાં થતા ડ્રેગન ફ્રૂટ ઉપર પસંદગી ઉતારી, કેમ કે તે વધુ ટીડીએસ ધરાવતા હાર્ડ વોટરમાં પણ થઈ શકે અને સારું ઉત્પાદન આપે એવા ડ્રેગન ફ્રૂટની ખાસિયત એ છે કે ટપક પદ્ધતિથી પાણીમાં પણ સર્વાઈવલ કરી શકે છે. શ્રી સિંધવીએ જણાવ્યું હતું કે એક ખાડો ક્યારો આઠથી 12નો હોય છે, એટલે આવા ક્યારાની ઉપર થાંભલે ડ્રેગન ફ્રૂટને ઉઘાડવામાં આવે છે, સાથોસાથ એ ક્યારામાં ઓછી ઊંચાઈ ધરાવતા બાયપ્રોડક્ટ તરીકે વોટર મિલન કે સ્વીટકોર્ન લગાવવામાં આવે છે. ઓછી માવજત માંગતા ડ્રેગન ફ્રૂટને દિવસમાં એક વખત ટપક પદ્ધતિથી પાણી આપવાનું હોય છે. જ્યારે શિયાળામાં ત્રણ-ચાર દિવસે તેને પાણી આપવાની જરૂર રહે છે. બાય પ્રોડક્ટ તરીકે લગાવેલા અન્ય ફળ-ઝાડ માટે અલગ પાણની લાઈન બનાવી તેમને ઉછેરવામાં આવે છે. કેટલાક આંતર પાક તરીકે `વેટીવેર’ નામનું ઘાસ પણ લગાવે છે.સ્વાભાવિક રીતે આપણને સવાલ થાય કે, આ છોડને લગાવ્યા અને માવજત માટે શું કરવું પડે ? ઉદ્યોગપતિ વેપારી છતાં ખેડૂત તરીકે આગળ વધતાં મયંકભાઈએ જણાવ્યું હતું કે, કચ્છ જેવા વિસ્તાર જ્યાં ક્ષારયુક્ત ભારે પાણી વધારે ટીડીએસ ધરાવે છે, તે જમીન પણ આ ફળઝાડને વિસ્તારવા માફક આવે છે. `થોર’ કક્ષાની શ્રેણીમાં આવતા આ છોડને 3500થી 4000 ટીડીએસમાં પણ ગ્રોથ પકડવામાં વાંધો નથી આવતો. ભારતમાં હજુ થોર કક્ષામાં આવતા ડ્રેગન ફ્રૂટ પ્રારંભિક અવસ્થામાં છે, અને તેમાં પણ કચ્છભરમાં તેના ઉત્પાદન અને ફાયદા અંગે લોકોમાં ખાસ કરીને ખેડૂતમાં જાગૃતતા હજુ જોઈએ તેટલી તેટલી આવી નથી પણ જેમ-જેમ ડ્રેગન ફ્રૂટનો પ્રચાર અને પ્રસાર વધશે, ત્યારે ખેડૂતો માટે આવકના, કમાણીના સાધનમાં અગ્રેસર રહેશે એવી આશા આ યુવાનના પ્રયાસોથી બંધાઈ છે.મીઠીરોહર પાસે આવેલા સિંધવી ફાર્મમાં બે ફૂટ જમીનમાં લગાવેલા અને પાંચ ફૂટ ઊંચા થાંભલા ઉપર આ ફળ છોડ ઊભો રહે છે. ડ્રેગન ફ્રૂટની ખેતી જુલાઈમાં શરૂ થાય છે અને મધ્ય ડિસેમ્બર સુધીમાં રહે છે. લગભગ સાડા પાંચ મહિનાના આ ગાળા દરમ્યાન જ આપણા દેશમાં મહત્તમ તહેવારો રક્ષાબંધન જન્માષ્ટમી, ઈદ, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દિવાળી, નાતાલ જેવા તહેવારો આવતા હોવાથી દરેક લોકો હોંશભેર તેનો ઉપયોગ કરે છે.સરેરાશ ત્રીસ વર્ષનું આયુષ્ય ધરાવતા ડ્રેગન ફ્રૂટની ખાસિયત એ છે કે જેમ-જેમ તેની ઉંમર વધે તેમ તેના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. જો સમયસર તેના ફળ તારવી લેવામાં આવે તો ત્રણથી ચાર વખત તેના ફળ ઉતારી શકાય છે. તેના છોડમાં જ્યારે લાગેલી કળીમાં ધીરે ધીરે ભરાવો થાય તેમ તેના રંગમાં ફેરફાર થાય છે. જેવા લાગેલા ફળનો રંગ બદલીને લાલ થાય, તે સાથે કાપી લેવાનું હોય છે. એક ડ્રેગન ફ્રૂટનું વજન 350 ગ્રામથી 800 ગ્રામ સુધીનું હોય છે, અર્થાત એક કિલોમાં લગભગ ત્રણેક ડ્રેગન ફ્રૂટ આવે છે.
40 એકર જમીન પર ખેતી
મીઠી રોહર ખાતે, સિંધવી ફાર્મમાં શરૂઆત વીસ એકર જમીનથી કરીને 2015 બાદ હવે તે 40 એકર પર પહોંચી છે 25 જૂન 2015માં આ પ્રોજેક્ટની શરૂઆત કરી. વીસ એકર જમીનમાંથી ડ્રેગન ફ્રૂટ મળવાની શરૂઆત અઢાર માસ બાદ શરૂ થઈ. એક એકરમાં સાડા ચારસો થાંભલા આવેલા છે અને પ્રથમ વર્ષ પૂરું થતાં એક થાંભલે 5થી 7 કિલો ગ્રામ ડ્રેગન ફ્રૂટ મળે છે, જે એકર દીઠ લગભગ 2200થી 3000 કિ.ગ્રામ જેટલા થાય.ત્રીજા વર્ષથી ચોથા વર્ષ દરમ્યાન એક થાંભલે વીસથી ત્રીસ કિલોગ્રામ થાય જે એકરમાં લગભગ નવ હજારથી સાડા તેર હજાર કિલોગ્રામ મળે જેની વર્તમાન બજાર કિંમત મુજબ ઓછામાં ઓછા નવ લાખથી તેર લાખ રૂપિયાથી વધુ હોય છે.
આવક અને માંગ
ત્રીસ વર્ષનું આયુષ્ય ધરાવતા આ ફળ-છોડની માંગ હંમેશાં રહેવાની છે. કારણ કે ભારતમાં વર્ષે ડ્રેગન ફ્રૂટની માંગ 25 હજાર મેટ્રિક ટનની સામે દેશમાં ઉત્પાદન પંદરસો ટન છે. વિયેતનામ, શ્રીલંકા અને થાઈલેન્ડથી મંગાવવામાં આવે છે, તેથી વિદેશી હૂંડિયામણ ખર્ચાય છે. જો ઘરઆંગણે તેનું ઉત્પાદન થાય તો સારું વળતર મળે અને હૂંડિયામણ પણ બચી જાય. સૌથી ઓછી માનવશક્તિથી સારું વળતર મળી શકે છે. 40 એકરના ખેતરમાં હાલ પાંચ માણસો કામ કરે છે અને વાર્ષિક વીજળીનું બિલ વીસ હજાર રૂપિયા જેટલું તો આવે છે. આમ પાણી લાઈટ અને માણસોના પગાર ઉમેરતાં દસ લાખ રૂપિયા જેટલું ખર્ચ આવે. પાંચ લાખ રૂપિયાનું રોકાણથી જો ડ્રેગન ફ્રુટ લગાવવામાં આવે તો ત્રીજા વર્ષથી જ સાડા તેર લાખ રૂપિયા જેટલું વધતું વળતર મળે છે.તમારા ભાવિ પ્લાન શા છે, તેના જવાબમાં જણાવ્યું કે ખેડૂતો પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રૂટ લગાવે અને તેમની ઈચ્છા હોય તો પોતાના સિંધવી ફાર્મ દ્વારા ખરીદવાની તૈયારી રહેશે કારણકે 25 હજાર મેટ્રીક ટન સામે ત્રેવીસ હજાર ટનની ખાધ રહે છે.
40 ટકા સબસાડી
નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા 40 ટકા જેટલી સબસિડી આપવામાં આવે છે, અને લોકો ડ્રેગન ફ્રૂટ તરફ આગળ વધે તેવા પ્રસારની શરૂઆત થઈ છે.
ધરમપુરમાં ખેતી
સુરતના કેમિકલ એન્જિનિયરે ધરમપુરના ઓઝરપાડામાં હેલ્થ બેનીફિટ અને વિટામિન, મિનરલ્સ અને હાઈ ન્યુટ્રીશન વેલ્યુ ધરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી કરી 15થી17 વર્ષની આવક સુનિશ્ચિત કરી છે. એક વાર ડ્રેગન ફ્રુટની રોપણી કરી નિયમિત પિયત કરવાથી લાંબા ગાળા સુધી ઉત્પાદન મળે છે. કાંટાવાળા થોર ઉપર કાંટા રહિત આવતા ફળની સારી એવી આવક મળી શકે છે.
ચાર મહિનાની સિઝનમાં મહિનામાં એક ટનથી વધુ ઉત્પાદન
વિદેશી ફ્રુટ ગણાતા અને પિતાયા તરીકે ઓળખાતા ડ્રેગન ફ્રુટની માંગ માર્કેટમાં વધી રહી છે. એન્જિનિયર ચેતન ગુણવંતભાઈ દેસાઈ આમ તો ટેક્સટાઇલ મિલોમાં કેમિકલ સપ્લાય કરે છે. સાથે આધુનિક અને કંઈક અલગ ખેતી કરવામાં પણ રસ ધરાવે છે. શિક્ષિત અને વાંચનના રસિયા ચેતન દેસાઈને ડેંગ્યુના દર્દીના ઘટેલા પ્લેટલેશને એક દિવસમાં વધારવા દુબઇથી ડ્રેગનફ્રુટ મંગાવ્યા હોવાની સ્ટોરી વાંચી ડ્રેગન ફ્રુટની ખેતીનો વિચાર આવ્યા બાદ ભારતમાં ક્યાં અને કેવી રીતે ડ્રેગન ફ્રુટની ખેતી માટે ઇન્ટરનેટ પર રિસર્ચ કર્યું હતું.
રોપા મહારાષ્ટ્રથી લાવ્યા
મહારાષ્ટ્રમાં ડ્રેગન ફ્રુટની ખેતીની માહિતી મળતા બે, ત્રણ વાર ત્યાં જઈ અભ્યાસ કરી ધરમપુરના ઓઝરપાડામાં મિત્રની પડતર સવા ત્રણ એકર જમીનમાં ધરમપુરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી માટે અનુકૂળ વાતાવરણ સહિતની તપાસને અંતે બે વર્ષ અગાઉ ડ્રેગન ફ્રુટના રોપા મહારાષ્ટ્રથી લાવી ખેતીની શરૂઆત કરી હતી. ખાસ ડિઝાઇનવાળા 7 ફૂટના સિમેન્ટના મજબૂત 850 પોલ બનાવડાવી એક પોલ પર 4 ડ્રેગન ફ્રૂટનાં રોપા પ્રમાણે 3400 રોપા ચઢાવી પ્રોજેકટ નાખ્યો હતો. ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ખાતરની ખાસ જરૂર નથી પડતી. માત્ર નિયમિત રીતે એક છોડ દીઠ એક લીટર પાણી નિયમિત આપવું પડે છે.
ધરમપુરના નાલંદા ટ્રસ્ટના નિલેશ રાઠોડ દ્વારા દ્વિપ સિસ્ટમ અને સોલાર પેનલ લગાવી હતી. તેમણે સિમેન્ટ પોલ, ડ્રેગન ફ્રુટ રોપા, દ્વિપ સિસ્ટમ, સોલાર પેનલ, મજૂરી સહિતના ખર્ચ મળી રૂપિયા 15 લાખના રોકાણ બાદ 17 વર્ષના અંતે ખર્ચ બાદ કરતા સારું માર્કેટ રહેતા કુલ 80 થી 90 લાખનો ફાયદો થશે એમ જણાવ્યું હતું. જ્યારે સારી માવજત અને દેખભાળ લેવાતા ડ્રેગન ફ્રુટ ત્રણ વર્ષ બાદ રોકેલા નાણાં પરત કમાવી આપે છે.
પ્રતિ વર્ષ 6 ટન પાક મળવાની આશા
ખેતરમાં એકવાર રોપ્યા બાદ 18 મહિના બાદ 300 કિલો ડ્રેગન ફ્રુટનું પ્રથમ ઉત્પાદન મેળવ્યું હતું. રૂ. 200 પ્રતિ કિલો પ્રમાણે મોટા ભાગનો માલ સુરતમાં વેચાયો હતો. કેરીની સિઝનની જેમ ડ્રેગન ફ્રૂટની વરસાદમાં આવતી ચાર મહિનાની સિઝનમાં મહિનામાં એક ટન (1000 કિલો )બીજો પાક મળશે અને સારો એવો ફાયદો હવે દેખાશે. ત્રીજા વર્ષે 4થી 5 ટન અને ત્યાર બાદ પ્રતિ વર્ષ 6 ટન પાક સહિત સતત બીજા 13 વર્ષ સુધી મળશે એમ જણાવી એક વાર ખેતીમાં રોકાણ બાદ 17 વર્ષ સુધી સારો એવો નફો મળશે.
ડ્રેગન ફ્રૂટનાં ફાયદા
રોગ પ્રતિકરાત્મક શક્તિ, વા, હૃદય સંબંધિત રોગ, બોડી મેટા બોલિઝમ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગસ, કેન્સરને અટકાવે છે. પાચન શક્તિ, વિટામિન રહેલા છે. ડાયાબિટીસ, અસ્થામાં સહિતના રોગમાં ફાયદાકારક એવા આ ફળમાં રહેલું વિટામિન-સી અને લાયકોપિન નામક રંજક દ્રવ્ય પ્રોસ્ટેટ કેન્સરને અટકાવે છે. ડ્રેગન ફ્રુટમાં પ્રોટીન , વિટામીન-સી , રીબોક્લીન , ઓમેગા-થ્રી જેવા તત્વો રહેલા છે. સાથે આરોગ્યની દૃષ્ટી એ કેન્સર,સ્વાઈન ફ્લુ,કૉલેસ્ટોરેલ,એઈડ્સ, ડેન્ગ્યુ,બ્લડસુગર લેવલ,વેઈટલૉસ,રક્તકણો -શ્વેતકણો ની માત્રા જાળવે છે.