ગુજરાતમાં બે વર્ષમાં પોલીસ મથકમાં 133ના મોત થયા 

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથ (પોલીસ સ્ટેશનમાં મોતના) કુલ 133 બનાવો બન્યા છે અને 25 પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી દ્વારા લેખિતમાં આપવામાં આવી છે.

વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા વિધાનસભામાં પ્રશ્નોતરી સમય દરમિયાન સવાલ કર્યો હતો. જે અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપએ લેખિતમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, તા. 30-04-2019ની સ્થિતિએ રાજયમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ 133 કસ્ટોડિયલ ડેથના બનાવો બન્યા છે.

પોલીસ મથકમાં થતા મોતના મામલે એક પીએસઆઈ, એક હેડ કોન્સ્ટેબલ, એક કોન્સ્ટેબલની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. ત્રણ હેડ કોન્સ્ટેબલને રોકડા દંડની શિક્ષા કરાઇ છે, એક એએસઆઈને એક ઇજાફો બે વર્ષ માટે ભવિષ્યની અસર સાથે અટકાવવાની તેમજ એક કોન્સ્ટેબલને એક ઇજાફો ત્રણ વર્ષ માટે ભવિષ્યની અસર સાથે અટકાવવાની, એક એએસઆઈને ઠપકો આપવાની, એક પીઆઈ, ચાર એએસઆઈ અને ત્રણ હેડ કોન્સ્ટેબલને તહોમતનામું આપ્યું છે, બે પીએસઆઈ,એક એએસઆઈ, ત્રણ કોન્સ્ટેબલને ચાર્જશીટ આપી છે જ્યારે બે જીઆરડી (ગ્રામ રક્ષક દળ)ને ફરજ મુક્ત કરાયા છે.

આ કિસ્સામાં મૃતકોના વારસદારોને રૂપિયા 23,50,000 નું વળતર ચૂકવાયું છે તેમ પણ તેમણે જણાવ્યુ હતું.