ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ગમે તે ઘડીએ મોટા પાયે ફેરબદલ થવાની શક્યતા છે. સીએમઓએ સંકેત આપ્યા છે કે રાજ્યના જિલ્લાઓમાં કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ સચિવાલયના સિનિયર અધિકારીઓની સામૂહિક બદલીઓ થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના નથી પરંતુ જિલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ બ્યુરોક્રેસીમાં મોટા ફેરબદલ કરશે. પ્રથમ તબક્કે તેઓ જિલ્લા વહીવટી તંત્રમાં અધિકારીઓની બદલીઓ કરશે, ત્યારપછી રાજ્યોના મહાનગરોમાં ફેરબદલ કરશે.
રાજ્યમાં સિનિયર ઓફિસરોની બદલીઓ પણ સામૂહિક થવાની છે, કેમ કે રાજ્યના સાત આઇએએસ અધિકારીઓ ડેપ્યુટેશન પર ગયા હોવાથી તેમના વિભાગના વધારાના હવાલા બીજા ઓફિસરોને આપવામાં આવેલા છે. એ ઉપરાંત રાજ્યના ગૃહ અને ઉદ્યોગ વિભાગ મહત્વની જગ્યા હોવા છતાં વધારાના હવાલા આપવામાં આવેલા છે. એક વિભાગનો હવાલો મુખ્યમંત્રીના અગ્રસચિવ એમકે દાસ પાસે છે જ્યારે બીજા વિભાગનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પાસે છે. સૂત્રો કહે છે કે પંકજકુમારને ગૃહનો હવાલો સોંપીને મહેસૂલ વિભાગના નવા અધિકારીની નિયુક્તિ થશે.
સચિવાલયના સૂત્રો કહે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીને 7મી ઓગષ્ટે ત્રણ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તેઓ લોકોપયોગી મહત્વની પાંચ જાહેરાત કરવાના છે. આ કાર્યક્રમ પછી બદલીઓ થઇ શકે છે. રાજ્ય સરકારનો વહીવટ જ્યાંથી થાય છે તે સચિવાલયમાં પણ મોટાપાયે બદલીઓ થશે. એ સાથે રાજ્યના બોર્ડ-કોર્પોરેશનમાં મેનેજીંગ ડિરેક્ટર તેમજ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ થશે.
મુખ્યમંત્રી વહીવટી તંત્રની બદલીઓ પછી જિલ્લા તેમજ વિવિધ એજન્સીઓના પોલીસ અધિકારીઓની બદલી કરવાના હોવાની સંભાવના છે. ઓગષ્ટના અંતમાં પોલીસ વિભાગમાં પણ મોટાપાયે બદલીઓ થવાની છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલિસ ઉપરાંત પોલીસ ભવન અને વિવિધ એજન્સીઓમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ફેરબદલ થવાની સંભાવના નકારી શકાતી નથી.