ગુજરાતમાં મોબાઈલ ફોન ઘટી રહ્યાં છે, ડેટા વપરાશ વધે છે

રિલાયન્સ જિયોના ગુજરાતમાં 2 કરોડ ફોન, બજારહિસ્સો 29 ટકા 

 ભારતીય ટેલીકોમ નિયમનકારી સત્તામંડળ (ટ્રાઇ)નાં ટેલીકોમ સબસ્ક્રિપ્શનનાં ડેટા મુજબ, 30 એપ્રિલ, 2019નાં રોજ ગુજરાતમાં ટેલિકોમ કંપનીઓના ગ્રાહકોની સંખ્યામાં 6.14 લાખનો ઘટાડો નોંધાયો હતો.

સર્કલમાં માત્ર જિયો અને બી.એસ.એન.એલ.ના ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો હતો. રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર, 2016માં ટેલીકોમ સેવાઓનો પ્રારંભ કર્યા બાદ એપ્રિલ, 2019નાં અંત સુધીમાં ટેલીકોમ ઓપરેટરે ગુજરાતમાં 2 કરોડ ગ્રાહકોના આંકડાને પાર કરી દીધો છે. 2019માં ગુજરાતમાં તેના ટેલીકોમ સબસ્ક્રાઇબરની સંખ્યામાં 5.67 લાખનો અત્યાર સુધીનો સૌથી વધુ વધારો નોંધાવ્યો હતો. 2 કરોડ ગ્રાહકો થઈ ગયા છે. બી.એસ.એન.એલ.ના ગ્રાહકોની સંખ્યામાં આ જ મહિનામાં 50,000નો વધારો થયો હતો.

જોકે અગ્રણી ટેલીકોમ કંપની વોડાફોન-આઇડિયાએ સતત નકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ એપ્રિલમાં 3.5 લાખ નંબર ગુમાવ્યા છે અને એનાં સબસ્ક્રાઇબરોની સંખ્યા ઘટીને 3.12 કરોડ થઈ છે. એ જ રીતે ભારતી એરટેલના સબસ્ક્રાઇબરોની સંખ્યામાં ઘટાડો જળવાઈ રહ્યો હતો.

એના પરથી જણાય છે કે, ઉદ્યોગ ધીમે ધીમે સ્થિર થઈ રહ્યો છે. અગાઉના મહિનામાં ટેલિકોમ ઉદ્યોગે ગુજરાતમાં 18 લાખથી વધારે સબસ્ક્રાઇબરો ગુમાવ્યા હતાં, પણ ચાલુ મહિને 6.14 લાખ સબસ્ક્રાઇબરો ગુમાવ્યા છે. ફેબ્રુઆરી,2019માં ગુજરાતમાં અત્યાર સુધીનાં સૌથી વધુ 7.11 કરોડ મોબાઇલ સબસ્ક્રાઇરો જોવા મળ્યાં હતાં. ત્યારબાદ અત્યાર સુધી બે મહિનામાં સર્કલમાં 24 લાખથી વધારે સબસ્ક્રાઇબરનો ઘટાડો થયો છે.

રિલાયન્સ જિયોએ એપ્રિલમાં લગભગ 3 ટકાની વૃદ્ધિ હાંસલ કર્યા પછી ઓપરેટરનો ગ્રાહકનાં બજારનો હિસ્સો વધીને આશરે 29 ટકા થયો છે. થોડા મહિના અગાઉ ગુજરાતમાં 50 ટકા બજારહિસ્સો ધરાવતી વોડાફોન-આઇડિયાનો બજારહિસ્સો એપ્રિલમાં ઘટીને 45 ટકા થયો હતો.

ટ્રાઇનાં રિપોર્ટ મુજબ, રાષ્ટ્રીય સ્તરે 55.22 કરોડ વાયરલેસ બ્રોડબેન્ડ યુઝર છે, જેમાંથી જિયોનાં યુઝર આશરે 31.48 કરોડ છે, જે 55 ટકા છે. એનો અર્થ એ થયો કે, ભારતમાં દરેક બીજો વાયલેસ બ્રોડબેન્ડ ગ્રાહક રિલાયન્સ જિયોની સેવાઓનો ઉપયોગ કરે છે.