ગુજરાતમાં લોકશાહીનો મૃત્યુ ઘંટ, પોલીસનો વધતો દૂર ઉપયોગ – કોંગ્રેસ

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્‍યું હતું કે, આજે ગુજરાતમાં લોકશાહી મરી પરવારી છે. કાર્યપાલિકા ઉપર સરકારની લગામ નથી.
લોકોની વધતી સમસ્‍યાઓ જ્‍યારે આંદોલનના અવાજ તરીકે ઉભરે ત્‍યારે પોલીસ તંત્રનો સતત દુરુપયોગ
કરવામાં આવી રહ્‌યો છે. આવી સમસ્‍યાઓને વાચા આપવા માટે વિધાનપાલિકા કે જે લોકશાહીનું મંદિર છે, પરંતુ
કમનસીબે ભાજપના રાજમાં વિધાનસભાના સત્ર અને તેના દિવસો સતત ઘટી રહ્‌યા છે. ૧૮-૧૯ સપ્ટેમ્બર બે
દિવસ માટે માત્ર સંવિધાનિક ફોરમાલીટી પૂરી કરવા માટે વિધાનસભાનું ટૂંકું સત્ર બોલાવવામાં આવ્‍યું છે. પૂર્વે
માન. મુખ્‍યમંત્રીશ્રીને પત્ર લખી ગુજરાતના વિવિધ વર્ગની સમસ્‍યાઓને વાચા આપવા માટે અમે વિશેષ સત્રની
માંગણી કરી હતી, જેને આ તાનાશાહી સરકારે બહુમતીના જોરે અહંકારના મદમાં ફગાવી દીધી. હવે સંવિધાનિક
જવાબદારી પૂર્ણ કરવા માટે જ્‍યારે સત્ર બોલાવવું જરૂરી હતું ત્‍યારે માત્ર બે દિવસનું સત્ર બોલાવીને ભાજપ
લોકશાહીની મશ્‍કરી કરવાનો પ્રયાસ કરી રહી છે. વિધાનસભા પાસે સરકારી કામ એ સરકારનો અધિકાર છે, પરંતુ
બિનસરકારી કામકાજ એ વિધાનસભા સત્રના નક્કી કરેલ દિવસો ઉપર નિર્ભર હોય છે. તારાંકિત પ્રશ્નોત્તરી, ખાનગી
મેમ્‍બર બિલ અને વિવિધ વિધાનસભાના નિયમો તળે પ્રતિદિન લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે ચૂંટાયેલ પદાધિકારીને
મળેલ અધિકારને અવરોધવા માટે ગુજરાતમાં વિધાનસભાના સત્રના દિવસો ઘટાડવા માટે ભાજપ સરકાર સતત
પ્રયત્‍ન કરી રહી છે.
વિધાનસભા સત્રના બે દિવસો પૈકી દિવંગત આત્‍માઓને શોકાંજલિ અર્પીને પહેલો દિવસ સીમિત થવાની
સંભાવનાઓ છે ત્‍યારે ચોમાસુ સત્રમાં – દિવસ એક, સમસ્‍યા અનેક – ત્‍યારે સામાન્‍ય માણસની વેદનાઓને
વાચા આપવા માટે આ દિવસો પૂરતા નથી. ભૂતકાળની પરંપરાઓને પુનઃ જીવિત કરી લોકોની સમસ્‍યાઓ અને
અપેક્ષાઓને સરકાર સુધી પહોંચાડવા માટે એના પર તંદુરસ્‍ત ચર્ચાઓ થાય તે માટે વિધાનસભા સત્રના દિવસો
કાયમી ધોરણે વધારવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની હંમેશા લાગણી અને માંગણી રહી છે. શિક્ષણમાં વધતી
માફિયાગીરી, રોજગારીના ઘટતા અવસરો, ખેતી અને ખેડૂતની અવગણના લઈને ઉભી થયેલ સમસ્‍યાઓ સહિત
વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા માટે માન. મુખ્‍યમંત્રીશ્રીને સંબોધીને વિરોધપક્ષે કરેલ રજૂઆત એ તમામ
મુદ્દાઓની તંદુરસ્‍તીથી વિધાનસભામાં ચર્ચા થાય અને એવા સળગતા પ્રશ્નો અને સમસ્‍યાઓનું સંવાદના
માધ્‍યમથી સુખદ નિરાકરણ લાવવા વિધાનસભાના દિવસો વધારવા કોંગ્રેસ પક્ષની લાગણી અને માંગણી છે.

ટૂંકા દિવસો માટે બોલાવવામાં આવતા વિધાનસભા સત્રમાં સત્તામાં બેઠેલા લોકો દ્વારા વિધાનસભાની
કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો થાય અને લોકોની સમસ્‍યાઓને વાચા આપવા માટે મળેલ અવસરનો સરકાર દ્વારા
વ્‍યય કરવા માટેનો સતત સરકાર દ્વારા જ પ્રયાસ થઈ રહ્‌યો છે. આવી ગંભીર સ્‍થિતિ વચ્‍ચે સામાન્‍ય માણસ
એની અપેક્ષાઓની પૂર્તિ માટે સરકારની નિષ્‍ફળતાઓને ઉજાગર કરવા માટે કે એના બંધારણીય અધિકારોના રક્ષણ
માટે ન્‍યાયપાલિકાનો આશરો લે તો પણ વર્ષો વીતે લોકોને ન્‍યાય ન મળે એવી વ્‍યવસ્‍થાના ભાગસ્‍વરૂપ
સરકાર દ્વારા લાખો પડતર કેસોનો નિકાલ કરવા માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવામાં આવતી નથી. લોકશાહી
વ્‍યવસ્‍થાને ભરી પીનારી આ ભાજપ સરકાર હવે લોકોના રોષને ખાળવા માટે પોલીસ તંત્રનો સતત દુરુપયોગ
કરી રહી છે. એનો ભોગ પહેલાં સામાન્‍ય પ્રજા બની, પછી સરકારની નિષ્‍ફળતાઓને ઉજાગર કરતી સ્‍વૈચ્‍છિક
સંસ્‍થાઓ અને સંગઠનો બન્‍યા, ત્રીજા તબક્કે ટીકાકારો અને રાજકીય વિરોધીઓ બન્‍યા, હવે ચોથા તબક્કામાં
આમ જનતાની સમસ્‍યાઓને અવાજ સ્‍વરૂપે સતત પ્રગટ કરવાનો પ્રયત્‍ન કરી રહેલ પત્રકારો પણ સરકારના
ગુસ્‍સાનો ભોગ બની રહ્‌યા છે.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પરમ દિવસે સામાન્ય જનતાનો અવાજ બનવાનો પ્રયત્‍ન
કરી રહેલ પત્રકારબંધુઓ પર પણ ગુજરાત પોલીસે બેશરમીથી હુમલો કર્યો અને તેના કેમેરામાં કંડારાયેલી
તાનાશાહીને લોકો વચ્‍ચે ઉજાગર થતી રોકવા માટે પત્રકારોના કેમેરા છીનવી લેવાની કલંકિત ઘટનાને સમગ્ર
કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. પત્રકાર જગતના અધિકારો ઉપર તરાપ મારી મીડીયાનું મોઢું બંધ કરવાનું ભાજપનું
આ ષડયંત્રનો અમે વિરોધ કરીએ છીએ. લોકશાહી વ્‍યવસ્‍થામાં સત્‍યને બોલવા અને ઉજાગર કરવાનો અધિકાર,
બંધારણીય અધિકારોના રક્ષણ કરવાનો અધિકાર, સરકારી નીતિ-રીતિ સામે અસહમતિ પ્રગટ કરવાનો અધિકારનું
રક્ષણ કરવા માટે ‘હવે લડશે ગુજરાત, ડરશે નહીં, વારંવાર લડશે ગુજરાત' એ સંકલ્‍પ સાથે સમાજના દર્પણ
સમાન મીડીયાના મિત્રો નિર્ભય રીતે લોકશાહીને બચાવવાનો સંઘર્ષ કરી રહ્‌યા છે, એને અમે સંપૂર્ણ ટેકો આપીએ
છીએ. આપની સમસ્‍યા, આપનું દર્દ, આપની ઉપરનો વાર એ લોકશાહી ઉપર કુઠારાઘાત છે એમ માની કોંગ્રેસ
પક્ષ આપના વતી પણ લડવાનું નેતૃત્‍વ લેશે એવો મીડીયાના મિત્રોને અમે સંપૂર્ણ ભરોસો આપીએ છીએ.
ગઈકાલે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ સમગ્ર દેશમાં વધતી મોંઘવારી અને આમ આદમીના
પરસેવાની કમાણીને પેટ્રોલપંપ પર લુંટાતી રોકવા ભારત બંધનું એલાન આપ્‍યું હતું એને રાજ્‍યના વિવિધ
સામાજીક અને રાજકીય સંગઠનો, વ્‍યાપારી અને ઔદ્યોગિક સંગઠનો, ધાર્મિક સંગઠનો અને ગુજરાતના સામાન્‍ય
માણસે આંધળું સમર્થન આપ્‍યું છે એનો કોંગ્રેસ પક્ષ ઋણ સ્‍વીકાર કરે છે અને બંધ દરમ્‍યાન સત્‍યને લોકો વચ્‍ચે
લઈ જવા માટે આપ મિત્રોએ જે આપની કલમ અને કેમેરાને મુક્‍ત મને વાચા આપી તે માટે આપ સહુનો
હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
ગઈકાલે ગુજરાત બંધના એલાન દરમ્‍યાન વિશ્વમાં ઐતિહાસિક સપાટીએ સમગ્ર ભારતમાં વળોટી ગયેલા
ડોલરના ભાવ, પેટ્રોલ-ડીઝલના ભાવ અને તેને કારણે વધેલી મોંઘવારીથી સામાન્‍ય માણસનો રોષ ખાળવા માટે
ગુજરાત સરકારે ગુજરાત બંધ, ભારત બંધનું સમર્થન કરતાં વિવિધ સંગઠનના પ્રતિનિધિઓને દંડાના જોરે
દબાવવાનો પ્રયાસ કર્યો તેને વખોડી કાઢીએ છીએ. લોકોના રોષને ખાળવા અને સરકારની નિષ્‍ફળતાઓને
છુપાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરતી પોલીસને પપેટ બનાવીને ગુજરાતના દરેક ગામની ગલીએ
વિરોધીઓને ખાળવા માટે પોલીસના દંડાનો ભય દેખાડવા જે ગુજરાત સરકારે વ્‍યવસ્‍થા ઉભી કરી હતી, આવી જ
પોલીસ તંત્રની વ્‍યવસ્‍થા જો ગુજરાતમાં કાયમ બને તો ગુજરાતની મા-બહેન દીકરીની આબરૂ ન લુંટાય, તેની

સલામતી વધે, તેના પર અત્‍યાચારો ન થાય, ચોરી-લુંટના બનાવો રોકી શકાય અને કાયદો-વ્‍યવસ્‍થાની
ગુજરાતમાં કથળેલ સ્‍થિતિ સુધારવા માટે ગુજરાત માટે પર્યાપ્‍ત પોલીસનું સંખ્‍યાબળ છે એવો અમને અહેસાસ
થયો છે. કમનસીબે ભાજપની સરકાર પોલીસ તંત્રને પ્રજાની રક્ષામાં રોકવાના બદલે સરકારી સૂચનાઓનું પાલન
કરવા માટે એમને નિષ્‍ઠાપૂર્વકની સેવા કરતા રોકી રહી છે. ખાખી વરદીમાં કહ્‌યાગરા લોકો સરકારની સૂચનાઓનું
આંધળું સમર્થન કરતાં કાયદાની મર્યાદા ઓળંગી આમ આદમીના અવાજને રૂંધવાનો પ્રયાસ કરી રહ્‌યા છે એવા
બધા જ મિત્રોને હું વિનંતી કરું છું કે આ દેશમાં ઈતિહાસ સાક્ષી છે. રૂપ ક્‍યારેય કોઈનું થયું નથી, રૂપિયો ક્‍યારેય
કોઈનો થયો નથી અને રાજ પણ ક્‍યારેય કોઈનું થયું નથી. આજે નહીં તો કાલે આવતીકાલ અમારી છે. આ વાતને
યાદ રાખી કાયદાનું આપ પાલન કરો એમાં કોંગ્રેસ પક્ષ સહકાર આપશે પણ કાયદાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરી
આમ આદમીના અવાજને રૂંધવાનો પ્રયાસ કર્યો તો વિવિધ સમસ્‍યાથી પીડાતા ગુજરાતીઓ એની સરકાર પ્રત્‍યેની
અસહમતિ આવતા દિવસમાં આંદોલન તરીકે ઉભરશે અને સામાન્‍ય માણસના આંદોલનથી રાજ્‍યમાં ઉભી થનાર
અશાંતિ માટે માત્રને માત્ર ભાજપ સરકાર જ જવાબદાર હશે. આ લોકશાહી તંત્રમાં કોંગ્રેસ પક્ષ કાર્યપાલિકા,
વિધાનપાલિકા અને ન્‍યાયપાલિકાનું સમ્‍માન કરે છે અને બંધારણના દાયરામાં સામાન્‍ય માણસના અધિકારોનું
રક્ષણ કરવા માટે અસહમતિના અધિકારને અવાજ તરીકે ઉઠાવવા માટે સંકલ્‍પ કરે છે.
પહેલાથી લઈ છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ પક્ષનું સ્‍ટેન્‍ડ ખૂબ ક્‍લીયર-સ્‍પષ્‍ટ-પારદર્શી અને લોકહિતમાં
વ્‍યાજબી પણ છે. ગુલામીની જંજીરમાં જકડાયેલા ભારતમાં રાજ્‍યના પનોતા પુત્ર પૂ. મહાત્‍મા ગાંધીજીએ ઉપવાસ
નામના અમોઘ શસ્‍ત્રનો સામાન્‍ય માણસને અધિકાર આપ્‍યો હતો. પૂ. બાપુના કહેવા મુજબ, ઉપવાસ નામનું
શસ્‍ત્ર એ સૂતેલી સરકારને જગાડવાનો રામબાણ ઈલાજ છે, પરંતુ ઉપવાસ એ જીવનનો અંત લાવવા માટેનો
પ્રયાસ ન બને એના માટે આપણે સહુએ સામુહિક પ્રયાસ કરવો જોઈએ. આજે ગુજરાતમાં ભાજપના ગૃહકંકાસને
ઢાંકવા માટે પત્રકારો ઉપર પોલીસ દ્વારા હિંસક હુમલો કરાવીને માન. ગૃહ મંત્રીશ્રી સમગ્ર ગુજરાતમાં નાહકનો
ગોકીરો કરાવી રહ્‌યા છે. જગતના તાતના કલ્‍યાણ માટે ગરીબ યુવાનોને પૂરતા સરકારી અવસર અને ખેડૂતોની
દેવામાફી સહિતના મુદ્દે અન્‍નના દાણાનો ત્‍યાગ કરીને ઉપવાસ આગળ ધપી રહ્‌યા છે, જેને આજે અઢારમો
દિવસ છે ત્‍યારે સીધો સવાલ થાય છે કે, શું ઉપવાસ આંદોલનના અઢાર દિવસ પછી પારણા લટકાવીને બાપુએ
બાળહત્‍યાની સોપારી લીધી છે ? સમગ્ર વિપક્ષે માન. મુખ્‍યમંત્રીશ્રીને આવેદન આપીને આંદોલનકારીઓ સાથે આ
સંવેદનાહીન અને અહંકારી સરકાર સીધો સંવાદ સ્‍થાપિત કરે, તેની સમસ્‍યાઓને સાંભળે-સમજે અને તેનું
સકારાત્‍મક નિરાકરણ આવે તેવી વિનંતી કરવા છતાં ગુજરાતમાં વર્ગવિગ્રહ કરવાના બદઈરાદાથી અશાંતિનું
આંધણ મૂકવાનું સરકાર શું કામ ષડ્‍યંત્ર કરી રહી છે ? એનો ભાજપ સરકાર જવાબ આપે તેવી અપેક્ષા રાખીએ
છીએ.