ગુજરાતમાં સૌપ્રથમ વખત આફ્રિકન બબૂન વાનર રાજકોટ ઝૂમાં આવશે

રાજકોટ,તા.17

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ આફ્રિકન ‘બબુન’ વાનર આવશે. પ્રદ્યુમન પાર્ક ઝૂમાંથી એક સિંહ યુગલ અને એક વાઘને પંજાબના છતબીર ઝૂ ખાતે મોકલવામાં આવશે અને તેના બદલામાં નવા 30 જેટલા પ્રાણી-પંખીઓ રાજકોટ ઝૂ ખાતે લાવવામાં આવશે. ટૂંક સમયમાં નવા પ્રાણીઓ અને પંખીઓ પ્રદર્શન માટે મુકાશે. આ માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ પર લીલીઝંડી આપી દીધી છે. વધુ માહિતી આપતાં  મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાંથી એક સિંહ-સિંહણની જોડી, એક સફેદ વાઘ અને એક જંગલ કેટ પંજાબના છતબીર ઝૂને મોકલવામાં આવશે અને તેના બદલામાં ત્યાંથી આફ્રિકન પ્રજાતિના હમદ્રયાસ બબૂન વાનર યુગલની એક જોડી, એક હિમાલયન રિંછ, જંગલ કેટની એક જોડી સહિતના પ્રાણીઓ તદ્ ઉપરાંત રોઝ રિંગ પેરાકિટ, એલેઝાન્ડ્રીરન પેરાકિટ, પેઈન્ટેડ સ્ટ્રોપક, કોમ્બડક અને ઝિબ્રા ફ્રિન્ચ સહિતના પક્ષીઓ મળી કુલ 40 જેટલા પ્રાણીઓ અને પંખીઓ રાજકોટ ઝૂમાં લાવવામાં આવશે. ગુજરાત રાજ્યના એક પણ ઝૂમાં હાલ સુધી આફ્રિકન પ્રજાતિના વિદેશી વાનર બબૂનને પ્રદર્શિત કરવામાં આવેલ નથી આથી વિદેશી વાનરને પ્રદર્શિત કરનાર રાજકોટ ઝૂ પ્રથમ બની રહેશે.

વિદેશી વાનર બબુન ખુબ જ કદાવર હોય છે અને તેના માટે પાંજરું બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે જે 20થી 25 દિવસમાં પૂર્ણ થશે. પાંજરુ બનાવવાનું કામ પૂર્ણ થયે પંજાબથી ઉપરોકત મુજબના પ્રાણીઓ અને પંખીઓ રાજકોટ લાવવામાં આવશે.
ઉપરોકત પ્રાણીઓ અને પંખીઓ રાજકોટ લાવવામાં આવ્યા બાદ રાજકોટ ઝૂમાં 53 પ્રજાતિના કુલ 408 પ્રાણીઓ અને પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત થશે.