ગુજરાતમાં 10 લાખ લોકોને સોરાયસીસની બિમારી

કામના તણાવ અને બિનઆરોગ્યપ્રદ ભોજન વગેરેને કારણે ત્વચા સંબંધિત બિમારીઓનો સામનો કરી રહ્યાં છે.  સોરાયસીસ પણ આ પ્રકારની જ એક બિમારી છે. ઓટો ઇમ્યૂન ડિસઓર્ડર છે. પદ્ધતિસર ઇલાજ અને ધીરજ રાખવામાં આવે તો આ બિમારીથી છુટકારો મેળવી શકાય છે.

નેશનલ સોરાયસીસ ફાઉન્ડેશન (યુએસએ)ના મત અનુસાર વૈશ્વિક સ્તરે ૧૨૫ મિલિયન લોકો સોરાયસીસથી પીડીત છે. ભારતમાં એકથી ચાર ટકા વચ્ચે લોકોને આ બિમારી છે. ગુજરાતમાં 10 લાખ જેટલાં આવા રોગીઓ હશે.

શરીર ઉપર લાલ ચકામા અને તેના ઉપર સફેદ રંગની ઉપલી ત્વચા, ત્વચામાં તિરાડ પડવી, પાણી જેવું દ્રવ્ય બહાર આવવું, ખંજવાળ અને બળતરા તેના લક્ષણ છે. જે મોટાભાગે કોણી, ઘુંટણ અથવા માથાની ત્વચાને પ્રભાવિત કરે છે. પશ્ચિમનું તબીબી વિજ્ઞાન હજી સુધી સોરાયસીસના કારણ નિશ્ચિત કરી શક્યું નથી.

આયુર્વેદ પ્રમામે વાયુ, કફ અને પિત્તમાંથી શરીરમાં કફનો બગાડ થાય, તેની વૃદ્ધિ કે વિકૃતિ થાય ત્યારે તેની અસરથી સોરાયસિસ થઇ શકે છે. જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને સોરાયસીસને કાબુમાં રાખી શકાય છે.

સામાન્ય વ્યક્તિમાં જૂની કોશિકાઓને બદલવામાં અને નવી કોશિકાઓનું નિર્માણ થવામાં અંદાજે ૨૮ દિવસનો સમય લાગે છે, પરંતુ સોરાયસીસમાં ત્વચા માત્ર ૪-૫ દિવસમાં નવી કોશિકાઓનું ઉત્પાદન કરે છે. આ વધારાની કોશિકાઓનો ભરાવો શરૂ થઇ જાય છે અને વધારાની કોશિકાઓ લાલ, શુષ્ક અને ખંજવાળનું કારણ બને છે.

ગરમ અથવા એકદમ ઠંડા પાણીથી સ્નાન કરવાનું ટાળવું હિતાવહ છે. ખોરાકમાં રોજ સીંગ, અખરોટ કે બદામ લઇ શકાય, પરંતુ દૂધ-દહીં, માખણ, કેળા, સીતાફળ, પેરુ કે મેંદાની ચીજોથી દૂર રહેવું જોઇએ.

આ બિમારી ઉથલો મારી શકે છે. જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર અને બિનઆરોગ્યપ્રદ ખાણી-પીણી ટાળવાથી ચોક્કસ રાહત મળી શકે છે. કોઇ વ્યક્તિને સોરાયસિસ હોય તો તેનો મતલબ તેની ઇમ્યૂન સિસ્ટમ નબળી બની છે. જીવનશૈલીમાં જરૂરી ફેરફાર અને કાળજી સાથે દવાઓ લેવાથી સોરાયસીસ મટી શકે છે.