દેણદાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના રૂ.60 હજાર કરોડના જંગી લેણાં અદાણી, તાતા અને એસ્સારના પાવર પ્રોજેક્ટોમાં સલવાઈ ગયા છે. આ પ્રોજેક્ટો જાણીબૂજીને ખોટમાં ચલાવવામાં આવતાં હોઈ એસબીઆઈની લોનો જોખમમાં છે. અદાણી પાવર લિમિટેડે રૂ.28 હજાર કરોડનો જંગી એકત્રિત ખોટ બતાવી છે, તાતાએ તેના મુન્દ્રા ખાતેના અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટમાં રૂ.15 હજાર કરોડની એકત્રિત ખોટ બતાવી છે, જ્યારે એસ્સાર પાવર લિમિટેડ એ રૂ.6500 કરોડની એકત્રિત ખોટ દર્શાવી છે.
અદાણી-એસ્સારના લીધે કરોડોનું ભારણ, સરકાર બેફિકર
અદાણીએ તથા એસ્સારે પીપીએનો ભંગ કરી ૩ હજાર મેગાવોટ વીજ સપ્લાય ગુજરાત સરકારને બંધ કરી દેતાં ગુજરાતના વીજવપરાશકારો ઉપર રોજનું રૂ.૧૦ કરોડનું ભારણ આવી રહ્યું છે. અદાણીએ ગુજરાતમાં વીજકટોકટી પેદા કરી છે, જેના કારણે ટૂંકા ગાળા માટે વીજ સપ્લાયરો યુનિટ દીઠ રૂ.૫.૫૦થી રૂ.૬નો ભાવ ઠોકી રહ્યાં છે. જ્યારે પાવર એક્સ્ચેન્જ ઓફ ઈન્ડિયા તથા અન્ય ટ્રેડર્સ યુનિટદીઠ રૂ.૪.૫૦થી રૂ.૫નો ભાવ વસૂલી રહ્યાં છે. વીજનિષ્ણાંત કે.કે.બજાજ કહે છે કે, અદાણી અને એસ્સારના કારણે ગુજરાતને કરોડો રૂપિયાનું જંગી નુકસાન થઈ રહ્યું હોવા છતાં ગુજરાત સરકારને તથા ‘જર્ક’ને વિવાદ ઉકેલવામાં કોઈ રસ ના હોય તેવું વર્તન થઈ રહ્યું છે.