અમદાવાદ,તા:૪
ગુજરાતની અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની શ્રમિક મહિલાઓ માટે હવે જીવન સહેલું બની રહ્યું છે. આ મહિલાઓ ઘરકામની સાથેસાથે રોજગારી પર પણ પૂરતો સમય આપી શકે છે. આ મહિલાઓને જ ધ્યાને રાખી ગ્રાસરૂટ ઈનોવેશન નેટવર્કના સિનિયર મેનેજરે એક નવું સૂર્યકૂકર બનાવ્યું છે, જે માત્ર 100 રૂપિયામાં આ મહિલાઓને મળી રહેશે. આ કૂકરનો ઉપયોગ કરીને આદિવાસી મહિલાઓ બપોરે જમવાના સમયે જ જમવાનું બનાવી શકે છે
આવી સામાન્ય મહિલાઓ રૂ.5000 સુધીની રકમ ખર્ચી સૂર્યકૂકર ખરીદી શકતી નથી, અથવા જો ચૂલો સળગાવવાનો હોય તો લાકડાં કે છાણાં એકત્ર કરવામાં મોટો સમય વેડફાતો હતો અને ધુમાડાના કારણે મહિલાઓનું સ્વાસ્થ્ય પણ જોખમાતું હતું. આ બધી વિટંબણાઓને ધ્યાને રાખી અલઝુબેર સૈયદે આ નવું સૂર્યકૂકર બનાવ્યું છે.
રાજ્યભરનાં ગામડેગામ ફરી ચૂકેલા અલઝુબેર જણાવે છે કે, રાજ્યના 50 ટકા પરિવારમાં હજુપણ રસોઈ બનાવવા લાકડાં કે છાણાંનો જ ઉપયોગ થાય છે, જેના ધુમાડાથી મહિલાઓનું સ્વાસ્થ્ય જોખમાય છે.