ગુજરાતી રંગભુમિના કલાકારોનો પ્રિય એવો પ્રેમાભાઈ હોલ જાહેર પાર્કીંગ બની જશે

અમદાવાદ,તા.૧૨
શહેરના ઐતિહાસિક ભદ્રના કીલ્લા પાસે આવેલો અને ગુજરાતી રંગભુમિના કલાકારોનો પ્રિય એવો પ્રેમાભાઈ હોલ આવનારા દિવસોમાં જાહેર પાર્કીંગમાં ફેરવાઈ જશે.આ હોલ રૂપિયા ૧૫ કરોડની રકમ ચુકવી ગુજરાત વિદ્યાસભા પાસેથી લેવા માટે શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહીતી અનુસાર,શહેરના કોટ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ભદ્રના કીલ્લા પાસે ૨૭૪૪ ચોરસમીટર જગ્યામાં પ્રેમાભાઈ હોલ આવેલો છે.ગુજરાત વિદ્યાસભા સંચાલિત આ હોલ છેલ્લા ઘણાં વર્ષોથી બંધ હાલતમાં છે.પરંતુ આ હોલ પર ભજવાયેલા નાટકો દ્વારા ગુજરાતી રંગભુમિ અને ગુજરાતી ફિલ્મોને ઘણા બધા પ્રતિભાવંત કલાકારો મળી શકયા હતા.આજ પ્રેમાભાઈ હોલમાં નાટકો ભજવી સ્વ.પ્રવિણ જાષી,સરીતા જાષી,અરવિંદ જાષી સહીતના અનેક કલાકારોએ ખુબ લોકપ્રિયતા મેળવી હતી.કાળક્રમે હીન્દી ફિલ્મોના આક્રમણ સામે ટકકર ઝીલી ન શકતા ગુજરાતી રંગભુમિ મરણ પથારી સુધી પહોંચી ગઈ હતી.

પ્રેમાભાઈ હોલની આ જગ્યા લેવા અંગે અમપા દ્વારા છેલ્લા આઠ વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા છે.આઠ એપ્રિલ-૨૦૧૦ના રોજ અમપાના બોર્ડમાં પણ બીપીએમસી એકટની કલમ-૭૭ મુજબ ગુજરાત વિદ્યાસભા પાસેથી રૂપિયા દસ કરોડમાં આ હોલની જગ્યા વેચાણ કરાર કરી માલિકી હકક મેળવ્યા બાદ મેળવવા અંગે ઠરાવ પસાર કરાયો હતો.પરંતુ એ સમયે ગુજરાત વિદ્યાસભાના સંચાલકોએ તેમને દસ કરોડની રકમ મંજુર ન હોવાનુ કહેતા વાટાધાટો પડી ભાંગી હતી.બાદમાં નવેસરથી પ્રયાસો શરૂ કરાયા હતા.જેમાં શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરને કરાર કરી ટાઈટલ કલીયર થયા બાદ બાકીની રકમ ચુકવવાની સત્તા આપવા અંગેની દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી છે.