ગુજરાત બ્રહ્મભટ્ટ યુવા સંગઠનના મેનેજિંગ ટ્રસ્ટી સામે 1.16 કરોડની છેતરપિંડીની ફરિયાદ

અમદાવાદ, તા. 6

ગુજરાત બ્રહ્મભટ્ટ યુવા સંગઠનના મેનેજિંગ ટ્રસ્ટી સમાજ દ્વારા સંગઠનના મુખપત્રના આજીવન લવાજમ નામે તેમજ વિશેષ અંકના દાતા પેટે શુભેચ્છકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ મુખપત્રને બંધ કરીને તેનો હિસાબ ન આપી રૂ. 1.16 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવાઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કૃષ્ણનગર ખાતે શિવ એપાર્ટમેન્ટમાં રહેતા રસિકભાઈ વિઠ્ઠલભાઈ બ્રહ્મભટ્ટે વાડજ પોલીસમાં મથકમાં તેમના સમાજના ગુજરાત બ્રહ્મભટ્ટ યુવા સંગઠન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ટ્રસ્ટના મુખપત્ર ‘યુવા પરિવાર’ના સ્થાપક તંત્રી, મુદ્રક અને પ્રકાશક વિભાકર હસમુખરાય બ્રહ્મભટ્ટે સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં રસિકભાઈએ જણાવ્યુ હતું કે, સમાજના યુવા સંગઠનના મેનેજિંગ ટ્રસ્ટી વિભાકર હસમુખરાય બ્રહ્મભટ્ટે ટ્રસ્ટનું મુખપત્ર ‘યુવા પરિવાર’ને વર્ષ 2006માં શરૂ કર્યું હતું. આ મુખપત્ર માટે વિભાકરે ‘યુવા પરિવાર’ના આજીવન લવાજમ માટે રૂ. 1000 ઉઘરાવીને 5000 જેટલા સમાજના સભ્યોને ગ્રાહકો બનાવ્યા હતા. ત્યાર બાદ આજીવન લવાજમના રૂ. 2000 કરીને આશરે 200 જેટલા ગ્રાહકો બનાવ્યા હતા. આમ કરીને તેણે લવાજમ પેટે સમાજના સભ્યો પાસેથી 54 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. તેમના એક ગ્રાહક તરીકે ફરિયાદી રસિકભાઈ પણ હતા.

આ ઉપરાંત વિભાકરે યુવા પરિવારના માસિક દાતા-દંપતિઓના ફોટા સાથેનો વિશેષ અંક વર્ષ મે-2104માં પ્રસિદ્ધ કર્યો હતો. જે અંગે પુસ્તક દાતા અને દંપતિ દીઠ રૂ. 1.25 લાખ લેખે 39 શુભેચ્છક દાતા-દંપતિઓના નામ આ વિશેષ અંકમાં છપાવ્યા હતા. જે અંગે તેણે  રૂ. 62.50 લાખની રકમ ઉઘરાવી હતી. આમ કરીને તેણે કુલ રૂપિયા 1,16,50,000 ની રકમ ઉઘરાવી હતી. આ પછી જૂન-2018થી વિભાકરે મુખપત્ર બંધ કરી દીધું હતું. જો કે તેણે આ ઉઘરાવેલા નાણાં અંગેનો કોઈ જ હિસાબ આપ્યો નથી અને આ નાણાં પોતાના અંગત હિત માટે વાપરીને કુલ રૂ. 1.16 કરોડની છેતરપિંડી કરી છે. આ અંગે વાડજ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.