ગુજરાત ભાજપના કૌભાંડી નેતાને સસ્પેન્ડ કેમ ન કર્યા

મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહિલ અને મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલની સામે રૂ.20 કરોડના કૌભાંડમાં કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા સામે ભ્રષ્ટાચાર ગુનાની FIR કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યની તો ધરપકડ કરી છે પણ ભાજપના નેતાઓને પોલીસે ન પકડતાં અદાલતે તેમને ભાગેડુ જાહેર કર્યા છે. અદાલતે ભાગેડુ જાહેર કર્યા હોવા છતાં ભાજપના આ બન્ને નેતાઓને પક્ષમાંથી આજ સુધી સસ્પેન્ડ કર્યા નથી કે કારણદર્શક નોટિસ પણ આપી નથી. ગાંધીનગર ખાતે રાજ્યની ભાજપ કચેરીએ આ અંગે ફરિયાદ પણ થઈ છે કે, ભાજપના બન્ને નેતાઓ મોરબી, હળવદ અને સુરેન્દ્રનગરમાં ખુલ્લેઆમ ફરે છે. પોલીસની નજર સામે ફરે છે. ભાજપનું દિલ્હીમાં સંમેલન હતું ત્યારે પણ તેઓ ભાજપના રાષ્ટ્રીય નેતા અમિત શાહની હાજરીમાં તેઓ દેખાયા હતા. તેમ છતાં તેમની સામે ગુજરાત ભાજપના નેતા જીતેન્દ્ર વાઘાણી કે ભીખુભાઈ દલસાણીયાએ પગલાં ભર્યા નથી. તેની પાછળનું કારણ એ છે કે, ભાજપના પૂર્વ પંચાયત પ્રધાન જયંતી કવાડીયાના ખાસ ટેકેદાર છે. તેથી જયંતી કવાડીયા ગુનેગારોને બચાવી રહ્યાં છે. હવે તો ડીવાયએસપી બન્નો જોશીએ પણ જાહેર કર્યું છે કે, જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહિલ સામે પુરતા પુરાવા મળશે એટલે સિંચાઈ કૌભાંડમાં ધરપકડ કરીશું. હવે તો પોલીસ તંત્ર પણ ભાજપના નેતા જયંતી કવાડીયાના ઈશારે ચાલતું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે અદાલતે તેમને ભાગેડુ જાહેર કર્યા છે ત્યારે તેની ધરપકડ તુરંત થવી જોઈતી હતી. પણ પોલીસે તેમને છુટોદૌર આપી દીધો છે. જ્યારે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રઘુ ગડાએ ભાજપના કાર્યકરોને કહી દીધું છે કે, ઘનશ્યામ ઝાલા અને બીજા સામે પોલીસ ફરિયાદ થઈ છે. પણ પોલીસ તેમને પકડે પછી અમે સસ્પેન્ડ કરીશું. આમ ભાજપ હવે ભ્રષ્ટાચારીને છાવરી રહ્યો હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે ગંભીરતાથી રજૂઆત કરવામાં આવશે કે છેલ્લાં સાડા ચાર વર્ષમાં પહેલા જેવો ભાજપ હવે રહ્યો નથી. તે ભ્રષ્ટાચારી નેતાઓને બચાવી રહ્યો છે.

ભાજપ સરકારના પૂર્વ પંચાયત પ્રધાન અને તલાટી કૌભાંડમાં તેમની કચેરીનું નામ બહાર આવ્યું હતું અને જેમાં તેમના અંગત મદદનીશની સંડોવણી બહાર આવી હતી તે જયંતી કાવડીયાના ખાસ વ્યક્તિ છે. તેથી સમગ્ર મોરબી અને સુરેનદ્રનગર જિલ્લા ભાજપ પોતાના ગુનેગાર નેતાઓને બચાવવા મેદાને પડ્યો છે. ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય ધ્રર્મેન્દ્ર પટેલ, હળવદ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ કોળી તથા બીજા રાજકીય અને બિનરાજકીય લોકોના નામ એફઆઈઆરમાં રજૂ કરવામાં આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગેંગ ભ્રષ્ટ્ચારમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

માત્ર ભાજપ જ નહીં પણ કોંગ્રેસના નેતાઓ પણ પોતાના ધારાસભ્ય જેલમાં હોવા છતાં તેમનો બચાવ કરી રહ્યાં છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જાહેરમાં આ ભ્રષ્ટાચારના આરોપી ધારાસભ્યને બચાવવા મેદાન આવ્યા હતા. ઉપવાસ કર્યા હતા.

રૂપાણી સરકારને લખેલો પત્ર એ મોટો પુરાવો

મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ એમ ગોહિલે રૂપાણી સરકારના સિંચાઈ રાજ્ય પ્રધાન પરબત પટેલને પત્ર લખ્યો હતો કે, હળવદ તાલુકાની નાની સિંચાઈ યોજનામાં 309 કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે. કામ કર્યા વગર નાણાં ચૂકવી દેવામાં આવ્યા હતા. 5 દિવસમાં તપાસ કરો, જો નહીં કરો તો જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે મારે મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેસવું પડશે. અધિકારી સામે પગલાં ભરો નહીંતર આપણી સરકારને એક નવી ભ્રષ્ટાચારની નોબતનો સામનો ન કરવો પડે તે માટે આપને જાણ કરું છું. તેમણે 12 જૂલાઈ 2018મા આ પત્ર લખ્યો અને દોઢ મહિના પછી તેમણે બીજો પત્ર લખ્યો હતો. 30 સપ્ટેમ્બર 2018ના દિવસે મોરબીના કાર્યપાલક ઈજનેરને ભાજપના લેટર હેડ પર પત્ર લખીને કહ્યું કે ના આવો કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. તેથી મેં જે પ્રધાનને પત્ર લખેલો તે દફતરે કરી દેવામાં આવે. આમ ભ્રષ્ટાચાર માટે આ બન્ને પત્રો જ મોટા પુરાવા છે. તેમ છતાં મોરબી ભાજપના નેતાઓ અને ગુજરાત ભાજપના નેતાઓ પોતાના ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલાં હોદ્દેદારોને બચાવી રહ્યા છે. આ કામમાં 20 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યા બાદ અધિકારી કાનાણી હાલ જેલમાં છે. જેને છોડાવવા માટે ભાજપના મંત્રીએ કાળું કર્યું હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવે છે. એક ભ્રષ્ટાચાર થયો હોવાનું કહીને પછી ભ્રષ્ટાચાર થયો ન હોવાનું તેઓ કહે છે. જે ભાજપના નેતાઓની ભ્રષ્ટાચારમાં કેવી સંડોવણી છે તે બતાવે છે. જિલ્લા પંચાયતમાં ભાજપના પૂર્વ પ્રધાનના ખાસ કહેવાતાં અધિકારી દ્વારા આ ભ્રષ્ટાચાર થયો હતો. 51 કામોમાં કુલ રૂા.1.12 કરોડનો ભ્રષ્ટાચાર તેમાં થયો હતો.