અમદાવાદ, તા.૧૧
ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં મળેલી સિન્ડીકેટની બેઠકમાં ગુજરાત કોલેજના પ્રોફેસર કે જેઓએ ખોટી રીતે ઉત્તરવહી ચકાસણી કરીને પોતાની પુત્રીના નામે ગેરકાયદે રૂપિયા લીધા હતા. તેને બ્લેકલીસ્ટ કરીને પરીક્ષાની કામગીરી ન સોંપવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં આ પ્રોફેસરને કોઇપણ પ્રકારની નાણાંકીય બાબતો હોય ત્યાં કોઇપણ પ્રકારની કામગીરી ન સોંપવી તેવી ભલામણ સરકારને કરવાનુ નક્કી કરાયુ છે. વાસ્તવિક્તા એ છે કે યુનિવર્સિટીએ જે પ્રોફેસર પર આ પ્રકારની નિયંત્રણો લાદ્યા છે તે પ્રોફેસરને સરકાર એટલે કે કેસીજીએ મહત્વની જવાબદારીઓ સોંપી દીધી છે.
યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકારી ગુજરાત કોલેજમાં પ્રોફેસર આર.કે.શાહ ફરજ બજાવે છે. આ પ્રોફેસરને કોમર્સની પરીક્ષા બાદ ઉત્તરવહી ચકાસણીમાં ભારે ગરબડી કરી હતી. પોતે જેટલી ઉત્તરવહી ચકાસી હતી તેના કરતાં વધારે ઉત્તરવહીના રૂપિયા લઇ લીધા હતા. આટલુ ઓછુ હોય તેમ પોતાની પુત્રી કે જેને પરીક્ષા સાથે કોઇ સીધો સંબંધ નથી તેના નામ ઉત્તરવહીઓ ચકાસવા માટે લઇ લીધી હતી અને તેના રૂપિયા પણ પોતે લઇ લીધા હતા. યુનિવર્સિટીએ જે પ્રોફેસરે ઉત્તરવહી ચકાસી હોય તેના નામનો મહેનતાણાનો ચેક બનાવતી હોવાથી પ્રો.આર.કે.શાહની પુત્રીના નામનો ચેક આપ્યો હતો. પોતાની પુત્રીના નામનો ચેક વટાવી શકે તેમ ન હોવાથી આ પ્રોફેસરે યુનિવર્સિટીમાં લેખિતમાં રજૂઆત કરીને ચેક પોતાના નામે ટ્રાન્સફર કરવા દરખાસ્ત કરી હતી. આ સમયે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ હતુ. આ કૌભાંડની તપાસ માટે કમિટીની રચના પણ કરવામાં આવી હતી. આ કમિટીએ આપેલા અહેવાલને તાજેતરમાં મળેલી સિન્ડીકેટની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના આધારે એવુ નક્કી કરાયુ હતુ કે હવેપછી આ પ્રોફેસરને કોઇપણ પ્રકારની પરીક્ષાની કામગીરી સોંપવી નહી. એટલુ જ નહી ભવિષ્યમાં જયાં કોઇ નાણાંકીય બાબતો હોય તેવી કામગીરી આ પ્રોફેસરને સોંપવ નહી. આ અહેવાલ સરકારને પણ મોકલી આપવાનું નક્કી કરાયુ છે. યુનિવર્સિટીના સૂત્રો કહે છે હજુસુધી આ રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો છે કે નહી તે નક્કી નથી. હાયર એજ્યુકેશન ડીપાર્ટમેન્ટના કેટલાક ઉચ્ચ અધિકારીઓ આ પ્રોફેસરને છાવરતાં હોવાથી તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પણ સરકાર પક્ષે આ પ્રોફેસરને કેસીજી-નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતમાં મહત્વની જવાબદારી ઓએસડી તરીકે સોંપી દેવામાં આવી છે. યુનિવર્સિટીએ આ પ્રકારનો નિર્ણય કર્યા પછી પણ સરકાર દ્વારા આ પ્રોફેસર પાસેથી નાણાંકીય સહિતની જવાબદારી પરત લેવા અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.