ગુજરાત યુનિ. કર્મચારીઓના સાતમા પગારના ફીક્સેશન માટે અધિકારીઓએ 2 લાખ પડાવ્યા

તા.3 નવેમ્બર, અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ યુનિવર્સિટીનો વહીવટ દલાતરવાડી જેવો કરી નાંખ્યો છે તેનો વધુ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. થોડા સમય પહેલા યુનિવર્સિટીના કર્મચારીઓને સાતમુ પગારપંચ આપવાનુ નક્કી કરાયુ હતુ. સરકારના નિર્ણયનો યુનિવર્સિટીએ અમલ કરીને દરેક કર્મચારીઓને સાતમા પગારપંચ લાગુ થયા પછી પગારમાં કેટલો વધારો થાય છે તેની ગણતરી કરીને ડીફરન્સ અને નવો પગાર ફીક્સ કરવાનો હોય છે. આ કામ રૂટીન કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવતુ હોય છે. આના માટે કોઇ વધારાના કલાકો કે નિષ્ણાતો બહારથી લાવવાના હોતા નથી. નવાઇની વાત એ કે કર્મચારીઓના ફીક્સેશન ની કામગીરી કરતાં 20 અધિકારી-કર્મચારીઓએ વધારાના બે લાખ રૂપિયા મહેનતાણા પેટે લઇ લીધા હતા. કુલપતિએ  વિવાદ અને પોતાની સામે નારાજગી ઉભી ન થાય તે માટે આ પ્રમાણે વધારાના રૂપિયા ચુકવવાની મંજુરી પણ આપી દીધી હતી.

એક ગુજરાતી કહેવત રીંગણા લઉ બે ચાર લો ને દસ..બાર.. યુનિવર્સિટીતંત્રને 100 ટકા બંધબેસતી લાગુ પડે છે. રાજય સરકારે યુનિવર્સિટીના કર્મચારીઓને સાતમા પગારપંચની મંજુરી આપી દીધી છે. નિયમ પ્રમાણે નવુ પગારપંચ લાગુ થાય ત્યારે જે તે તંત્રએ નવા પગારપંચ પ્રમાણે દરેક કર્મચારી-અધિકારીઓના પગાર કેટલા થાય છે તેની ગણતરી અને ફીક્સેશન કરવાનુ હોય છે. એસ્ટાબ્લીશમેન્ટ વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે અને એકાઉન્ટ વિભાગ દ્વારા તેને મંજુરી આપવામાં આવતી હોય છે.યુનિવર્સિટીમાં પણ આ બે વિભાગ દ્વારા દરેક કર્મચારીઓ અને અધિકારીઓના નવા પગારફીકસેશનની કામગીરી કરી હતી. આ કામગીરી કર્યા બાદ અંદાજે બે લાખ રૂપિયાનુ બીલ તૈયાર કરવામાં આવ્યુ હતુ. જેમાં રજિસ્ટ્રારથી લઇને રોલવાલા કોમ્પ્યુટરના અધિકારી ઉપરાંત એકાઉન્ટ વિભાગના અધિકારી, એસ્ટાબ્લીશમેન્ટ વિભાગના અધિકારીઓએ 5 હજારથી લઇને 15 હજાર રૂપિયા સુધીની રકમ આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી.  આ દરખાસ્તમાં રજિસ્ટ્રારને પણ 15 હજાર રૂપિયા વધારાના ચુકવવા તેવી જોગવાઇ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ કે આ દરખાસ્ત એસ્ટાબ્લીશમેન્ટ અને એકાઉન્ટન્ટ વિભાગે રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરી અને રજિસ્ટ્રારે પોતાને પણ 15 હજાર રૂપિયા વધારાના મળવાના હોવાથી તાકીદે મંજુરી આપી દીધી હતી. આ દરખાસ્તમાં રજિસ્ટ્રાર પી.એમ.પટેલને 15 હજાર, કોમ્પ્યુટર રોલવાલા કે જેમની કોઇ કામગીરી નથી તેના અધિકારી બી.એસ અગ્રવાલ, વી.એમ.પઢિયાર, આર.પી.ડામોર, વિવાદાસ્પદ ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ કે.કે.ઠાકર, વી.સી. ઓઝા આ તમામે 15 હજાર રૂપિયા વધારાના લઇ લીધા હતા. બાકીના પાંચ અધિકારી-કર્મચારીઓને 10-10 હજાર રૂપિયા અને અન્ય કર્મચારીઓને 7-7 હજાર રૂપિયા વધારાના ચુકવી દેવામાં આવ્યા હતા. આ દરખાસ્ત પર લાભાર્થીએવા રજિસ્ટ્રારે પોતે જ સહી કરીને મંજુરી આપી દીધી હતી. જેનો અર્થ એ થયો કે  રજિસ્ટ્રારે પોતે જ પોતાને પગાર ઉપરાંત  વધારાના 15 હજાર રૂપિયા આપવાની દરખાસ્ત પોતે જ સહી કરીને મંજુર કરી દીધી હતી. રજિસ્ટ્રારે પોતે જ રીંગણા લઉ બે ચાર લો ને 10-12 જેવો ઘાટ ઘડયો હતો. આ મુદ્દે અન્ય કર્મચારીઓમાં ભારે આક્રોશ ઉભો થયો છે.

યુનિવર્સિટીમાં નોકરીના ભાગ રૂપે કરવાના કામ માટે અલગથી ભથ્થાઓ…….

ગુજરાત યુનિવર્સિટીમાં કેવા પ્રકારના લાલીયાવાડી ચાલે છે તેના અનેક કિસ્સાઓ બહાર આવી ચુક્યા છે. યુનિવર્સિટીના સૂત્રો કહે છે એસ્ટાબ્લીશમેન્ટ વિભાગની જવાબદારી કર્મચારીઓના પગાર નક્કી કરવા, નિવૃત્ત થતા કર્મચારીઓના હિસાબ કરવા વગેરેની છે. આ વિભાગ જે કામ કરે તેને એકાઉન્ટ  વિભાગ મંજુરી આપે છે. સાતમા પગારપંચના ફીક્સેશનની કામગીરી કરવી તે આ વિભાગના અધિકારીઓની ફરજ છે. નોકરીના ભાગરૂપે આ કામગીરી કરવાની હોય છે. છતાંપણ આ કામગીરી કરવા બદલ અધિકારીઓએ વધારાના 15 હજાર રૂપિયા વસુલ્યા છે. રજિસ્ટ્રારની કોઇ કામગીરી ન હોવાછતાં જે દરખાસ્ત કરવામાં આવી તેની મંજુરી રજિસ્ટ્રારની સહી હોય તો જ થતી હોવાથી રજિસ્ટ્રારને પણ 15 હજાર રૂપિયા પકડાવી દેવામાં આવ્યા હતા.કર્મચારીઓ કહે છે ખરેખર રજિસ્ટ્રારે આ દરખાસ્ત નામંજુર કરવાના બદલે પોતાને પણ રૂપિયા મળતાં હોવાથી ચૂપચાપ સહી કરી દીધી અને બે લાખ રૂપિયા જેટલી રકમ વધારાની યુનિવર્સિટીની તિજોરીમાંથી હડપ કરી લીધી હતી. કુલપતિએ પણ આ કર્મચારી-અધિકારીઓ નારાજ ન થાય અને પોતાની સામે કોઇ વિરોધ ન થાય તે માટે આ પ્રકારના બેફામ અને ગેરકાયદે ખર્ચને ચુપચાપ મંજુરી આપી દેવામાં આવે છે.