ગુજરાત વિદ્યાપીઠમાં પહેલી વખત વિદ્યાર્થીઓની ચૂંટણી કરાવવા માંગ

અમદાવાદ, તા.૦૩

ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતી અનિયમિતતાઓ અને ગેરરીતિ અંગે વિદ્યાર્થીઓ કયારેય કોઇ ફરિયાદ કે અવાજ ઉઠાવતાં નથી. જો કોઇ ફરિયાદ કરવા પ્રયાસ કરે તો પણ તેને ચૂપ કરી દેવામાં આવે છે. પરંતુ હાલમાં એકસાથે ૧૦૦થી વધારે વિદ્યાર્થીઓએ કુલસચિવ અને કુલનાયકને આવેદનપત્ર આપીને વિદ્યાપીઠમા ચાલતી અનિયમિતતા અને ગેરરીતિ અંગે ફરિયાદો કરી હતી. આગામી સમયમાં આ ફરિયાદોનું નિવારણ ન આવે તો ગાંધીજીની વિદ્યાપીઠમાં જ ગાંધીચિન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી વિદ્યાર્થીસેના દ્વારા આપવામાં આવી છે.

વિદ્યાપીઠમાં આજસુધી એબીવીપી કે એનએસયુઆઇ પૈકી કોઇએ વિદ્યાર્થી પ્રશ્નોને વાચા આપવા પ્રયાસ કર્યો નથી. કારણ કે વિદ્યાપીઠમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ સત્તાધીશોના ડરના કારણે કોઇ ફરિયાદ પણ કરતાં નથી. તાજેતરમાં વિદ્યાર્થીસેના દ્વારા આ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પહેલી વખત પોતાની સહીઓ સાથે જુદા જુદા પ્રશ્નોની રજૂઆત પણ વિદ્યાર્થીસેના સમક્ષ કરી હતી. સેના દ્વારા આ તમામ પ્રશ્નોની યાદી તૈયાર કરીને કુલનાયકને સોંપવામાં આવી છે. આ પ્રશ્નોમાં વિદ્યાપીઠમાં છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થી પ્રતિનિધિઓની ચૂંટણી લોકશાહી ઢબે કરવામાં આવતી નથી. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે લિંગદો કમિટીની સૂચન પ્રમાણે તાકીદે વિદ્યાર્થી પ્રતિનિધિઓની ચૂંટણી કરવાની માંગણી કરવામાં આવી છે. આ સિવાય ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં મચ્છરોના ઉપદ્રવ વધી ગયા હોવાના કારણે ડેન્ગ્યુ જેવી મહામારી ફેલાવવાનો ડર ઉભો થયો છે. કેમ્પસમાં કોઇ મહામારી ઉભી થાય તો વિદ્યાર્થીઓને ઇમરજન્સીમાં પ્રાથમિક સારવાર આપી શકાય તેવી પણ કોઇ વ્યવસ્થા નથી. એક મેડિકલ ઓફીસર સાથે તાકીદે પ્રાથમિક સારવાર મળે તેવી વ્યવસ્થાની માંગણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વિદ્યાપીઠમાં યુથ ફેસ્ટીવલનુ આયોજન કરવાની માંગણી પણ કરવામાં આવી છે. થોડા સમય પહેલા એમએસડબલ્યુમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો પરંતુ આ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં બેદરકારી દાખવનારા પ્રોફેસરો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તાકીદે આ જવાબદારો સામે પગલાં લેવાની પણ માંગણી કરવામાં આવી છે. વિદ્યાપીઠના ભોજનાલયમાં બહારના વ્યક્તિઓ જમવા માટે આવે છે. આ તત્વોએ પ્રવેશ પણ લીધો નથી અને ફી પણ ભરી નથી છતાં તેમને પ્રવેશ અને જમવાનુ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ લોકોનો વિરોધ કરે તો તેમને ચીમકી આપવામાં આવે છે. આ પ્રકારની પ્રથા તાકીદે બંધ કરવાની માંગણી પણ સેના દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ તમામ માંગણીઓ પુરી ન થાય તો વિદ્યાપીઠમાં ગાંધી ચિન્ધ્યાં માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.