ગુજરાત વિધાનસભામાં આતંકવાદનો ખાતમો કરવાની માંગણી ધારાસભ્યોએ કરી

ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન વખતે જ કોંગ્રેસના ધારાસભ્યોએ આતંકવાદનો ખાતમો કરો,અમે તમારી સાથે છીએ તેવા સૂત્રો પોકારી ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. ગૃહમાં ભારે સૂત્રોચ્ચાર થતા રાજ્યપાલે માત્ર પાંચ જ મિનીટમાં પ્રવચન ટૂંકાવવુ પડયુ હતું.

વિધાનસભા સત્રનો પ્રથમ દિવસ તોફાની બની રહ્યો હતો કેમકે,પ્રથમ બેઠકમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ પ્રવચન શરુ કર્યુ ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાની બેઠક પરથી ઉભા થઇ ગયા હતાં. તેમણે આતંકવાદનો ખાતમો કરો,અમે તમારી સાથે છીએ તેવા સૂત્રો પોકારી ગૃહમાં હોબાળો મચાવી દીધો હતો. એટલુ જ નહીં.કોંગ્રેસી ધારાસભ્યો છેક વેલ સુધી ધસી ગયા હતાં. વિપક્ષના ધારાસભ્યોએ ખેડૂતોના દેવા માફ કરો,જય જવાન કિસાનના નારાં પણ લગાવ્યા હતાં.

આંખે ઉડીને વળગે તેવી વાત તો એ છેકે, જયારે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો આતંકવાદનો ખાતમો કરવા ભાજપ સરકારને સમર્થન આપી રહ્યાં હતાં ત્યાર દેશદાઝની વાતો કરનારાં ભાજપના ધારાસભ્યોએ આ વાતમાં સૂર જ પૂરાવ્યો ન હતો.બલ્કે સરકારની સિધ્ધિઓ વર્ણવતા રાજ્યપાલના પ્રવચનને વખાણી પાટલીઓ થપથપાવી હતી.ઘણાં ભાજપના ધારાસભ્યો તો મૌન ધારણ કરીને બેસી રહ્યા હતાં.

ગૃહમાં શહીદ જવાનોને શ્રધ્ધાજંલિ અર્પવાની હોવાથી કોંગ્રેસના બધાય આદિવાસી ધારાસભ્યો સફેદ ફાળીયા પહેરીને આવ્યા હતાં જયારે આદિવાસી મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા પણ સફેદ ચાદર ઓઢીને ગૃહમાં આવ્યા હતાં. આમ,સત્રના પ્રથમ દિવસે પ્રથમ બેઠકમાં હોબાળો મચ્યો હતો.૧૫ મિનીટના વિરામ બાદ બીજી બેઠકમાં શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયા હતાં.