ગુજરાતની સ્થાપના થઈ તેની સાથે જ ગુજરાત વિધાનસભામાં પ્રથમ કાયદો ગુજરાતી ભાષાને ગુજરાતની ભાષા જાહેર કરીને સરકારી તમામ કામકાજ ગુજરાતીમાં કરવા અંગે બનાવાયો હતો. જેનો આજ સુધી રાજનેતાઓએ અમલ ન કરતાં ગુજરાતમાં ગુજરાતી ભાષાનો પ્રભાવ ઘટી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થતી ઘણી બધી બાબતો માત્ર અંગ્રેજીમાં જ હોય છે. જે ગુજરાત વિધાનસભાએ અમદાવાદ સિવિલ હોસ્ટિલમાં પહેલી બેઠક મળી ત્યારે ગુજરાતનો આ પ્રથમ કાયદો પસાર કરાયો હતો. જે અંગ્રેજીમાં હતો. હવે આ કાયદાનો અમલ આજ સુધી કરાયો નથી.
કાયદાની અવહેલનાના કારણે 40 ટકા વિદ્યાર્થીઓને ગુજરાતી આવડતું નથી
ખરેખર તો ગુજરાતની પોતાના ભાષા તરીકે હિન્દીને મંજૂરી આપવમાં આવી છે. તેમ છતાં સરકારી મંત્રીઓ અને IAS અધિકારીઓ હવે માત્ર અંગ્રેજીને જ પ્રાધાન્ય આપે છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થતી વિગતોમાં ગુજરાતી ન હોય એવા શબ્દો વાપરવામાં આવી રહ્યાં છે. જેમાં અંગ્રેજી ભાષાના શબ્દોનો ઉપયોગ કરે છે. તેની સીધી અસર શાળા પર પડે છે. શાળામાં ભણતાં 40 ટકા બાળકોને ગુજરાતી આવડતું નથી. ગુજરાતના લોકોને ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ નથી. તેઓ અંગ્રેજીના પ્રભાવમાં છે. મુંબઈમાં ગુજરાતી શાળાઓ મરવા પડી છે. વિદેશમાં વસતા એક કરોડ ગુજરાતીઓને ગુજરાતી ભાષા લખતા આવડતી નથી.
ગુજરાતનો પ્રથમ કાયદો જેનો અમલ ક્યારેય ન કર્યો
કાયદાનું નામ છે- 1960નો ગુજરાતનો રાજ્ય વહીવટની ભાષાઓ બાબતનો અધિનિયમ – જેમાં સ્પષ્ટ જોગવાઈ કરાઈ છે કે, વિધેયક, વટહુકમ, નિયમ, વિનિયમ વગેરે બાબતો અને સરકારી અધિકૃત પત્ર ગુજરાતી અથવા જ્યાં ગુજરાતી શક્ય ન હોય ત્યાં હિન્દીમાં કરવા કાયદો સ્પષ્ટ કરે છે. 11 ઓગસ્ટ 1960ના રોજ તે ગેજેટમાં હિતેન્દ્ર દેસાઈની સહીથી પ્રસિદ્ધ કરાયો હતો. રાજ્યપાલની મંજૂરી બાદ 15 ફેબ્રુઆરી 1961માં ગુજરાત રાજ્ય પત્રમાં તેની પ્રસિધ્ધિ પણ થઈ હતી. તેના અમલ માટે ભાષા નિયમકની કચેરી અસ્તિત્વમાં આવી હતી અને પ્રથમ ભાષા નિયામક તરીકે નંદશંકર રા. ત્રિવેદીને 9 ઓગષ્ટે નિમણૂક આપી હતી.
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં ભાજપ ભાન ભૂલ્યો
આમ ભાજપની ગુજરાત સરકાર પોતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા પર 22 વર્ષથી વહીવટ કરી રહી છે. તેમ છતાં ગુજરાતની અસ્મિતા સમાન ગુજરાતી ભાષાથી જ વહીવટ કરાયો નથી. હવે સરકારના પરિપત્રો, આદેશો, પત્રો, કાયદાઓ, કેન્દ્ર સરકાર સાથેના પત્ર વ્યવહારો વગેરે અંગ્રેજીમાં જ કરે છે. વિધાનસભા સચિવાલય દ્વારા ગૃહમાં રજૂ થતાં કાગળોમાં ભરપુર અંગ્રેજી શબ્દો વાપરવામાં આવી રહ્યાં છે. ગુજરાત સરકારની તમામ 452 વેબસાઈટ અંગ્રેજીમાં છે. ખરેખર તો ગુજરાતી પછી હિન્દીમાં હોવી જોઈએ. પણ તે અંગ્રેજીમાં જ રાખવામાં આવી રહી છે. નાણાં વિભાગની વેબસાઈટ તો માત્ર અંગ્રેજીમાં છે તે ગુજરાતી કે હિન્દીમાં નથી. આમ સરકારી કામકાજ હવે અંગ્રેજીમાં જ થઈ રહ્યું છે. જે કાયદા વિરૂધ્ધ છે.
ગુજરાતી ભાષાની શાળામાં નીતિ બની
ગુજરાત સરકાર ગુજરાતી ભાષા અંગે નીતિ ઘડવાની જાહેરાત કરે છે. તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાનો એક વિષય ફરજિયાત કરવાની વાતો વર્ષોથી કરતી આવી છે. પણ ગુજરાતી ભાષાની શાળાઓ હવે ઘટી રહી છે અને ગુજરાતી ભાષાના વિષયોમાં વિદ્યાર્થીઓ ઠોઠ બની રહ્યાં છે.
છેલ્લી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (ગુજરાતી શબ્દ) દ્વારા પરીક્ષા લેવામાં આવી ત્યારે ગુજરાતી ભાષામાં 2,35,302 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા એટલે કે 34 ટકા બાળકો ગુજરાતીમાં ઠોઠ જાહેર થયા હતા. તેની સામે અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.35 ટકા આવ્યું હતું અને તેમાં 4,429 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જે બતાવે છે કે અંગ્રેજી ઉપર લોકો વધારે ધ્યાન આપી રહ્યાં છે. ગુજરાતી પ્રત્યે બહુ ધ્યાન આપવામાં આવતું નથી. મોકોલેએ જે શિક્ષણ નીતિ નક્કી કરી હતી તે આજે ગુજરાતમાં ચાલુ છે.
ગુજરાતની ચારે બાજુ દેવનાગરી લીપી
ગુજરાતની ચારે બાજુના રાજ્યોમાં દેવનાગરી લિપિથી લખાઈ રહેલી હિન્દી ભાષા છે. જ્યારે ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાં ગુજરાતી લોકોએ પોતાની લિપિનો વિકાસ કર્યો છે. મહારાષ્ટ્રમાં પણ દેવનાગરી લિપિ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન દેવનાગરી લિપિ છે. ગુજરાતી લખવામાં એકદમ સરળ છે. સરળ ભાષા છે. જે વેપારી ભાષા તરીકે વિકસી છે. બીજા રાજ્યો લખવામાં સમય વધારે લેતી દેવનાગરી લિપિ છોડી શક્યા નથી. પણ ગુજરાતી પ્રજાએ વધું સમય લેવી લિપિ છોડીને સરળ લિપિ વિકસાવી છે જે ઝડપથી લખી શકાય છે અને સરળતાથી લખી શકાય છે. આવા પ્રયાસ ઘણાં લોકો કરી રહ્યાં છે. પણ સાહિત્ય પરિષદ, સરકાર, ભાષા નિયામ, સાહિત્ય પરિષદ અને સમાચાર પત્ર જ્યાં સુધી તે સ્વિકારશે નહીં ત્યાં સુધી તેમાં સુધારા નહીં થઈ શકે.
700થી 300 વર્ષ જૂની ગુજરાતીને હજુ સરળ બનાવો
1100થી 1500 સુધીમાં ગુજરાતી વિકસી છે. હિન્દી અને સંસ્કૃત ભાષાની નબળાઈઓ દૂર કરીને પૂર્વજ ગુજરાતીઓએ ગુજરાતી ભાષા એકદમ સરળ બનાવી છે. હજુ નરસિંહ મહેતા, પ્રેમાનંદ, નર્મદ અને મહાત્મા ગાંધીજીએ તેને વધારે સરળ બનાવી છે. હજુ તેને વધારે સરળ નહીં બનાવાય અને કમ્પ્યુટર સાથે તેની સરળતા નહીં કરાય તો તે વધારે ખોવાઈ જશે. ગુજરાતી ભાષામાં દીર્ધ કાઢવાની આજના સમયમાં આવશ્યક છે. ત્રણ શ,ષ,સના સ્થાને એક જ સ રાખવાની જરૂર છે. જ અને ઝ માં માત્ર જ રાખવાની જરૂર છે. અંગ્રેજી શબ્દોના સ્થાને ગુજરાતી નવા શબ્દો શોધવા કામ કરવાની જરૂર છે. એવું સમાચાર પત્રોમાં કામ કરતાં પત્રકારો માની રહ્યાં છે.
(દિલીપ પટેલ)