વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ઘર વિહોણાં લોકો માટે ઘરની યોજના બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તેનાં ભાગરૂપે જે તે સમયે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં સરકારી જમીન ઉપર રાજ્ય સરકારનાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મોટા પાયે મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું. આ મકાનો બનાવવા પાછળ કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કેમ કે, જે આવાસ યોજના તૈયાર કરાવવામાં આવી છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટર સાથેનાં મેળાપીપણાંમાં કરવામાં આવ્યો છે. આ યોજનાનાં બાંધકામમાં હલકી કક્ષાનું મટિરિયલ ઉપયોગમાં લેવામાં આવ્યું છે, સાથોસાથ મકાનની અંદરનાં ભાગમાં સિમેન્ટનું પ્રમાણ ઓછું અને માટીનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. આટલું ઓછું હોય એમ જે બોર કરવામાં આવ્યો છે તેનાં પાણી પણ એટલાં વધારે ટીડીએસનાં છે કે તેનાં કારણે લોકોને ચામડીનાં રોગો ઉપરાંત તેમનાં કપડાં અને વાસણો પણ ખરાબ થઈ જવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આ સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં રાજ્ય સરકાર દ્વારા લગભગ 2012-13માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી આવાસ યોજનાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી. આ જાહેરાત સમયે રાજ્ય સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઘર વિહોણાં લોકો માટે ઘરની યોજના છે અને રાજ્યનાં ઘણાં લોકો હજુ ઘર વગર જીવી રહ્યાં છે ત્યારે તમામનાં માથે છત હોય અને પોતાનું મકાન હોય એ માટે રાજ્ય સરકાર દ્વારા ઓછા ભાવમાં મકાનો બનાવીને લોકોને આપવામાં આવશે. કેમ કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતનાં અમદાવાદમાં ખાનગી બિલ્ડરો દ્વારા જે મકાનો તૈયાર કરવામાં આવે છે તેમાં મધ્યમવર્ગનાં લોકોને પોસાય એવી કિંમત નથી હોતી. જેનાં કારમે મધ્યમવર્ગીય પરિવારો ઘર વિહોણાં રહેતાં હતાં. આથી સામાન્ય પ્રજાની ચિંતા કરતી સરકારે આ યોજના અમલી બનાવી.
યોજના અમલી બન્યા બાદ રાજ્યનાં વિવિધ શહેરોમાં સરકારી જમીનો ઉપર આ આવાસ યોજનાની શરૂઆત થઈ. આવી જ એક આવાસ યોજના અમદાવાદ શહેરનાં શાસ્ત્રીનગર વિસ્તારમાં તૈયાર થઈ છે. જેમાં 28 જેટલાં બ્લોક અને 14 માળનાં ટાવર છે. અને દરેક ટાવરનાં દરેક ફ્લોર પર 4 ફ્લેટ એટલે કે આ યોજનામાં 1568 ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું. આ યોજનાનો જ્યારે પ્લાન મૂકવામાં આવ્યો ત્યારે તેમાં બેઝમેન્ટ બનાવવાની યોજના હતી અને એ રીતે જ પ્લાન અમદાવાદ મહાનગરપાલિકામાં પસાર કરવામાં આવ્યો હતો. જોકે જ્યારે ખરેખર આ યોજના તૈયાર થઈ ત્યારે તેનું બેઝમેન્ટ ગાયબ હતું અને આટલું ઓછું હોય એમ આ યોજનાનાં કેમ્પસમાં વાહનો પાર્ક કરવા માટે જોઈએ એવી સુવિધા પણ નથી. રાજ્ય સરકાર દ્વારા જેટલી યોજના તૈયાર કરાઈ છે તેમાં ડ્રો મારફતે તેનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે, નોકરી અને અભ્યાસમાં અનામત હોય એમ આ યોજનાઓમાં પણ અનામતની સિસ્ટમ હતી. જેનાં કારણે જે લોકો ખરેખર ઘર લેવા માંગતા હતાં તેઓને મળી ન શક્યું. આ યોજનાનો જ્યારે લકી ડ્રો તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનાં હસ્તે કરવામાં આવ્યો ત્યારે તેમાં અનેક ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદ થઈ હતી અને આ મામલે હાઈકોર્ટમાં પણ રિટ પિટીશન થતાં હાઈકોર્ટે ફરીવાર ડ્રો કરવાનો આદેશ આપ્યો હતો. જેનાં પગલે ફરીવાર ડ્રો થયો અને લોકોને મકાનની ફાળવણી કરવામાં આવી. ખાસ વાત તો એ છે કે રાજ્ય સરકારનાં પોતાનાં જ નિયમ ઘર વિહોણાં લોકો માટે ઘરની વાતનાં લીરે લીરાં પોતાનાં દ્વારા જ થયેલી ફાળવણી કરવામાં આવી તેમાં ઉડાડવામાં આવ્યાં. કેમ કે, શાસ્ત્રીનગર ખાતે તૈયાર બનેલાં આવાસમાં અમદાવાદ શહેરમાં પણ પોતાનાં બેથી ત્રણ મકાનો હોવા છતાં પણ આવા લોકોને ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારની વાતો માત્ર પોકળ જ હોવાનું અને ભ્રષ્ટાચાર કરવા માટેની મેલી મથરાવટી હોવાનું નકારી શકાય નહિ.
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત આ યોજનામાં ઓછા ભાવમાં મકાન મળતાં લોકોમાં હરખની હેલી ફેલાઈ ગઈ. આ યોજનામાં 2, 3, 3.5 અને 4 BH અને દરેકની કિંમત અનુક્રમે 12 લાખ, 22 લાખ, 32 લાખ અને 42 લાખ રાખવામાં આવી હતી. જોકે, રાજ્ય સરકાર અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ યોજનાઓમાં કેટલાંક નિયમો લાગુ કરવામાં આવ્યા હતાં. જેને મકાન મેળવનારા માલિકો ઘોળીને પી ગયાં છે. કેમ કે નિયમ પ્રમાણે આ યોજનામાં પોતાની માલિકીનું ઘર કોઈને ભાડે આપી ન શકાય કે તેને સાત વર્ષ સુધી વેચાણ પણ ન આપી શકાય. પરંતુ, આ નિયમોનો છેદ ઉડાવની મકાન માલિકોએ પોતાનાં મકાનો ભાડે આપ્યાં છે તથાં વેચાણ પણ કર્યાં છે અને વેચાણ પણ બમણી કિંમતે કરી દીધા છે.
આટલું ઓછું હોય એમ આ મકાનોનું કન્સ્ટ્રક્શનનું કામ વર્ષ 2012માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં ખાસ એવા બિલ્ડર પીએસપીને સોંપવામાં આવ્યું હતું. અને આ જ કંપનીએ જેટલી પણ સ્કીમ આ યોજના હેઠળ બનાવી છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે અને તેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં કર્મચારી, અધિકારીથી લઈને રાજ્યનાં મંત્રીમંડળનાં સભ્યો ઉપરાંત મુખ્યમંત્રી સુધીનાં રેલાં પહોંચેલાં છે. આ આવાસ યોજનાને તૈયાર થયાં બાદ પઝેશન આપ્યાંને હજુ એક વર્ષ જ પૂર્ણ થયું છે ત્યાં ઠેર ઠેર તિરાડો પડવાની તેમ જ દિવાલો ઉપર મોટાં ગાબડાં પડવાની ફરિયાદો ઉઠવા પામી છે. આટલું ઓછું હોય એમ હાઈરાઝ્ડ ટાવર હોવા છતાં અહીં ફાયર સેફ્ટી માટે જે સાધનો લગાવવામાં આવ્યાં છે તે પણ ખરાબ ક્વોલિટીનાં છે અને અવારનવાર તેની પાઈપલાઈનમાં ભંગાણ થવાનાં કારણે પાણીનો બગાડ પણ થઈ રહ્યો છે. આ ઉપરાંત બોરમાંથી આવતા પાણીમાં ક્ષાર એટલો જોવા મળ્યો છે કે લોકાનાં ઘરનાં વાસણો, નળ, કપડાં તેમજ ચામડીનાં રોગો થયાં છે. તથા પાણીનાં સપ્લાય માટેની પાઈપાલઈન પર પણ ક્ષારનાં થર બાઝી ગયેલાં જોવા મળે છે.
આ બાબતે શાસ્ત્રીનગરસ્થિત મુખ્યમંત્રી આવાસ યોજના જે સરદાર પટેલ નગર તરીકે ઓળખાય છે તે વસાહતમાં કમિટીનાં સબ્યોએ પણ ભારે રોષ સાથે સરકાર દ્વારા જે આવાસો બનાવવામાં આવ્યાં છે તેમાં નર્યો ભ્રષ્ટાચાર જ છે અને લોકોની સાથે સરકારે અને બિલ્ડરે છેતરપીંડી કરી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી લખૂડીની ઝૂંપડપટ્ટીનાં સ્થાને ગરીબ લોકો માટે આવાસ યોજનાં અમલી બનાવી છે તેમાં જરૂરિયાતમંદોને તો ફાળવણી નથી થઈ પરંતુ ભાજપનાં જ કેટલાંક હોદ્દેદારોનાં મળતિયાંઓને ફાળવણી કરી દેવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા તૈયાર થઈ રહેલી આવાસ યોજનાઓનું નામ હવે મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી બદલાઈને પ્રધાનમંત્રી આવાસ યોજના થઈ ગયું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે, આ આવાસ યોજનામાં થયેલાં ભ્રષ્ટાચારને રોકવા રાજ્ય સરકાર કે ભ્રષ્ટાચારનો સતત વિરોધ કરીને અવાજ ઉઠાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવાં પગલાં ભરે છે.