-શૈલેશ રાઠોડ, ૯૮૨૫૪૪૨૯૯૧, april 26, 2017
૧. ગાંધીજીઃ સાબરમતીના સંત
ગુજરાતના સર્વકાલિન બ્રાન્ડ એમ્બેસેડર ગાંધીજી છે. ગુજરાતનું પાટનગર જેમના નામે રચાયુ છે એ મહાત્માએ જગતને હથિયાર વગર પણ જંગ જીતી શકાય એવું સાબિત કરી અચંબિત કરી દીધા. કોઈ એક વ્યક્તિ પર સૌથી વધુ પુસ્તકો લખાયા હોય તો એ ગાંધીજી છે, લગભગ ૪૦ હજાર! ગાંધીજી ભારતમાં ક્યારે ક્યાં હોય એ નક્કી ન રહેતું માટે તેમના નામે આવતા પત્રો પર મોહનદાસ ગાંધી, ઈન્ડિયા એટલું જ લખાતું, છતાં તે જ્યાં હોય ત્યાં તેમને પત્ર મળી જતો. ગુજરાતી ભાષાને જોડીણીકોષ આપવાનું કામ પણ તેમણે જ કરેલું. જવાહરલાલે તેમના વિશે લખ્યું છેઃ ગાંધીજી જ્યાં ચાલ્યા ત્યાં યાત્રા બની, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું. એ હિસાબે, આપણે એ પાવનભૂમિના રહેવાસી તરીકે ગૌરવ અનુભવીએ એ સ્વાભાવિક છે.
૨. સરદારઃ એવરગ્રીન આયર્ન મેન
ગાંધીજી જેટલું જ બીજું ખ્યાત વ્યકિત્વ સરદારનું છે. ગાંધીજીની દાંડીયાત્રા સફળ થઈ તેમાં પડદા પાછળના શિલ્પી સરદાર હતા. તેમના નામે સૌથી મોટી સિદ્ધિ ગણાય છે આઝાદ ભારતના ૫૬૨ રજવાડાંઓના એકીકરણની. બાહ્ય રીતે અતિ રૃક્ષ હોવાની છાપ ધરાવતા સરદાર આંતરિક રીતે એકદમ ઋજુ અને સાલસ હતા. કડવું છતાં સત્ય બોલવાની આદત ધરાવતા સરદાર જો દેશના પ્રથમ વડાપ્રધાન બની શક્યા હોત તો કદાચ આજે દેશના ઈતિહાસ સાથે ભૂગોળ પણ કદાચ અલગ હોત.
૩. સામ પિત્રોડાઃ વન મેન ક્રાંતકારી
ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેનો ફોન રિસિવ કે ડાયલ કરી શકાય એ માટે સામ પિત્રોડાનો આભાર માનવો રહ્યો. સરકારી રગશિયા ગાડાંમાં પણ તેમણે સી-ડોટ જેવી સિસ્ટમ લાગુ કરીને તેમણે સંપર્કક્રાંતિ સર્જી દીધી. ઓરિસ્સામાં જન્મેલા સત્યનારાયણ ગંગારામ પિત્રોડા હવે નેશનલ નોલેજ કમિશનના ચેરમેન છે. એવું કહેવાય છે, કે સામ ન હોત તો દેશ ૨૦-૨૫ વર્ષ પછાત હોત!
૪. એનઆરજીઃ જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં હાજરી
જગતના પોણા બસ્સો કરતાં વધુ દેશો છે અને સવાસો કરતાં વધુ દેશોમાં ગુજરાતીઓ હાજર છે. લંડન હોય કે લક્ઝમબર્ગ ત્યાં ગુજરાતી હશે એટલું જ નહીં, ગુજરાતી સમાજ પણ હશે. ક્યાંક મંદિર હશે તો ક્યાંક ગુજરાતીઓ સત્તામાં પણ હશે. ઓબામાની ટીમમાં ગુજરાતીઓ છે. પટેલ શબ્દ અમેરિકામાં મોટેલ ઉદ્યોગનો પર્યાય બની ગયો છે. અને હવે તો ઈમિગ્રેશન અધિકારીઓ પણ પટેલ શબ્દ યાદ રાખતા થઈ ગયા છ
૫. સિંહ – ગીરઃ કાઠિયાવાડ ભગવાનને પણ ભૂલો પાડે
સોરઠના સાવજ માત્ર ગુજરાતની જ નહીં, પણ ભારતભરની શાન છે. એક સમયે ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશોથી લઈને ભારતીય ઉપખંડના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વિહરતા આ વનરાજનું સામ્રાજ્ય આજે ગીર પૂરતું સિમિત થઈ ગયું છે. ૨૦૦૫માં અહીં સિંહોની વસ્તી ૩૫૯ થઈ હતી અને સિંહોના સંવર્ધન માટેના પ્રયાસો સતત ચાલુ છે. તેમ છતાં, જંગલવિસ્તાર ઘટવાને કારણે સિંહ જંગલમાંથી બહાર નીકળી આવતા હોવાના કિસ્સાઓ વધ્યા છે. જોકે સિંહોની હત્યા થઈ પહેલા તે આંતરરાષ્ટ્રીય ‘સેલિબ્રિટી’ ન હતા. હવે સિંહોનો વાળ પણ વાંકો થાય તો આખા દેશનું ધ્યાન ગીરમાં કેન્દ્રીત થાય છે.
૬. અમુલ ડેરીઃ પૃથ્વી પરની દૂધગંગા
લાખો આમ આદમી કોઈ બ્રાન્ડના સર્જક, માલિક અને સંવર્ધક હોય તો એ લાખેણી બ્રાન્ડ અમૂલ જ હોય. આણંદની અમુલ ડેરીએ આણંદ અને ગુજરાતને વિશ્વના નકશા પર ચમકાવી દીધું છે. અમુલે આખા જગતમાં સહકારી સંગઠનનું ઉત્તમ ઉદાહરણ પુુરુ પાડયું છે. અમુલ વિશ્વની સૌથી મોટી કો-ઓપરેટિવ સંસ્થા અને સૌથી મોટી બ્રાન્ડ છે. અમૂલની બીજી ફૂડ બ્રાન્ડ રસોડે-રસોડે પહોંચી ગઈ છે. ગુજરાતના ૧૩ હજાર કરતાં વધુ ગામો અમુલ સાથે સંકળાયેલા છે.
૭. મોઢેરા સૂર્ય મંદિર, સીદી સૈયદની જાળીઃ વારસો જતન માગે છે
ગુજરાતના ઐતિહાસિક સ્થાપત્યોની યાદીમાં મોઢેરાના સૂર્યમંદિરનું નામ પહેલી હરોળમાં મૂકવું પડે. શ્રેષ્ઠ સ્થાપત્યકળા, શિલ્પાકૃતિઓ અને ચિત્રાંકનો ઇ.સ. ૧૦૨૬-૨૭માં રાજા ભીમદેવના શાસનમાં બંધાયેલા આ મંદિરની ભવ્યતાની સાક્ષી પૂરે છે. વળી, મંદિરની રચના એવી વિશિષ્ટ કરવામાં આવી છે, કે જેના કારણે સૂર્યોદય સમયે સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહમાં પડે છે. સીદી સૈયદની જાળીને કોણ ન ઓળખે? અમદાવાદને વિખ્યાત બનાવવામાં કેટલાંક મુસ્લિમ સ્થાપત્યોનો મહત્ત્વનો ફાળો છે. સીદી સૈયદની મસ્જિદની એક દીવાલ પર આ જાળી કોતરવામાં આવી છે અને તેની પબ્લિસિટી કરવામાં અંશતઃ ફાળો અમદાવાદ દૂરદર્શનનો પણ રહ્યો છે. જાળીને વિશિષ્ટ બનાવતી ખાસિયત એ છે કે એક જ પથ્થરમાંથી આ જાળી બનાવીને વૃક્ષ-વેલનું બારીક કોતરકામ કરવામાં આવ્યું છે.
૮. કાષ્ટકલાઃ અમારોય જમાનો હતો…
માંડવીમાં બનતા વહાણો હોય કે મહુવામાં બનતી ઓરણી હોય, તેની કળા દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. રમકડાં ખરીદવા હોય તો અંબાજીની તળેટીમાં ખાંખાળોખા કરવા પડે જ્યારે બળદ-ગાડાં બનાવવા હોય તો સૌરાષ્ટ્રમાં તપાસ કરવી પડે. અમદાવાદની પોળો અને રાજ્યમાં ઠેર ઠેર આવેલી પુરાણી હવેલીઓ પણ તેના કલાત્ત્મક ઝરૃખા માટે જાણીતી છે.
૯. હીરા ઉદ્યોગઃ હીરા હૈ સદા કે લીયે
આફ્રિકાની ખાણમાં પેદા થઈ અને અમેરિકાની સુંદરીઓના ગળામા શોભતા હિરાની પ્રોસેસ તો સુરતમાં જ થાય. ટૂંકમાં હીરો ગમે ત્યાંનો હોય, ગમે તેની પાસે હોય, તેનાં પર છાપ તો સુરતની જ હોવાની. સુરતનો પોણો લાખ કરોડનો હિરા ઉદ્યોગ ગુજરાતના અર્થતંત્રને પીઠબળ આપે છે. વિશ્વના ૭૫ ટકા હિરા સુરતમાં પ્રોસેસ થાય છે. ‘હીરા ઘસવા’ એ ગુજરાતમાં કારકિર્દીનો એક પ્રર્યાય છે.
૧૦. ઇસરો-પીઆરએલ-વિક્રમ સારાભાઈઃ જ્ઞાનવાન ગુજરાતના સર્જકો
વાણિજ્યમાં પાવરધા ગુજરાતને વિજ્ઞાન સાથે ખાસ મહોબ્બત નથી એવી એક છાપ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, દેશના વૈજ્ઞાનિક વિકાસમાં પણ ગુજરાતનો ખાસ્સો ફાળો છે. અવકાશક્ષેત્રે આજે દુનિયાભરમાં ભારતનું નામ આદર સાથે લેવાય છે તેમાં ડો. વિક્રમ સારાભાઈનું બહુમૂલ્ય પ્રદાન રહેલું છે. અમદાવાદ સ્થિત ઈસરો કેન્દ્ર અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (ઁઇન્) દેશની વૈજ્ઞાનિક ગતિવિધીની મુખ્ય ધરી છે. ચંદ્રયાનના મહત્ત્વનો સરંજામ અમદાવાદમાં બન્યો છે, તો ય્જીન્ફ રોકેટની કેટલીક સામગ્રી ગુજરાની કંપનીઓ બનાવે છે. વિક્રમ સારાભાઈએ દેશમાં અવકાશ વિજ્ઞાનની સંસ્થાઓ સ્થાપી વિજ્ઞાનીઓ પેદા કરવાની પ્રયોગશાળાઓ તૈયાર કરી આપી છે.
૧૧. સોમનાથ-દ્વારકાઃ તિરથ કરતાં ત્રેપન થયા..
ફરવા માટે ગુજરાત આવો, અને દ્વારકા કે સોમનાથ ન જાઓ, તો તમારી જાત્રા અધૂરી ગણાય. ચાર શક્તિપીઠોમાંની એક અને બાર જ્યોર્તિિલગ પૈકીના એક જ્યોર્તિિલગ હોવા ઉપરાંત પણ પૌરાણિક અને ઐતિહાસિક રીતે અનુક્રમે દ્વારકા અને સોમનાથનું ઘણું મહત્ત્વ છે. જો મહમદ ગઝનીએ અલ-બરૃનીએ લખેલું સોમનાથ મંદિરનું વર્ણન ન વાંચ્યુ ન હોત તો સોમનાથને લૂંટવા ગુજરાત સુધી ધક્કો ખાવાનું તેને મન ન થયું હોત. મહમદ ગઝનીએ અનેક વખત લૂંટયું હોવા છતાં સોમનાથનું મંદિર આજે પણ ભાવિકોેના હૃદયમાં શ્રદ્ધાની પતાકા લહેરાવતું ઊભું છે.દ્વારકાની આસપાસના અરબી સમુદ્રમાંથી મળી આવેલા પ્રાચીન અવશેષોએ અહીં નગર વસતું હોવાના પુરાવાને સમર્થન આપ્યું છે.
૧૨. ભવાઈઃ રાત થોડી અને વેશ પણ થોડા
ટીવી, ફિલ્મો અને ઇન્ટરનેટના આ જમાનામાં ભવાઈને તો કોણ ઓળખે કે પૂછે? પણ ગુજરાતના આ લોકનાટય સ્વરુપનો ચાર-પાંચ દાયકા પહેલાં દબદબો હતો. ખાસ કરીને ગામડાંના લોકો માટે મનોરંજનનું મુખ્ય માધ્યમ હતું. ગામેગામ ભવાઈ થતી અને ભૂંગળના નાદ ગામ આખાને ઘેલું કરતા. ક્યારેક આખી રાત ભવાઈ ચાલતી, તો ક્યારેક ભવૈયા એક રાતમાં ચાર ગામોમાં જઈને ખેલ ભજવતા. ‘રાત ટૂંકીને વેશ ઝાઝા’ કહેવત તેના પરથી જ પડી છે. ભવાઈના ખેલને વેશ કહેવાતા. હવે તો ભૂંગળ બનાવનારા કારીગરો પણ એકાદ-બે રહ્યા છે અને અસાઈત પંડિતે લોકભોગ્ય બનાવેલી આ કળા આજે અસ્તિત્વ માટે જંગ લડી રહી છે.
૧૩. પટોળાઃ નમણી નારનું જાજરમાન સૌંદર્ય
લગભગ દરેક લગ્ન કેસેટમાં એક ગીત તો હોય જઃ છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો… પટોળા જીન્સ અને કેપ્રિના જમાનામાં પણ લોકપ્રિય છે. પાંચ-છ મીટરનું સામાન્ય પટોળું બનાવતાં ૪-૬ મહિના થાય છે. પટોળા બનાવવા માટે એકેએક દોરો હાથ વડે ગૂંથીને પેટર્ન પ્રમાણે તેને રંગવામાં આવે છે. તૈયાર થતી સાડીનો પાલવ અને બોર્ડર પર કરેલું ભરતકામ કારીગરીનો બેજોડ નમૂનો તૈયાર કરે છે. પટોળું બનાવનારા સાળવી કારીગરો ૧૨મી સદીમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકથી ગુજરાત આવી વસ્યા હશે. સોલંકી વંશના રાજા કુમારપાળ પણ પ્રસંગોચિત પટોળા સિલ્કમાંથી બનાવેલા વસ્ત્રો પહેરતા હોવાનું પણ કહેવાય છે.
૧૪. નર્મદા ડેમઃ નર્મદે સર્વદે, પહેલા ગુજરાતને પાણી દે
ઘણું ખરું ગુજરાત તરસ્યું છે, તો પણ ગુજરાતને પાણી મળતું થયું છે, થેંક્સ ટુ નર્મદા. દંભી પર્યાવરણવાદીઓને નર્મદા યોજના માફક આવતી નથી. પરિણામે છાશવારે નર્મદાને સાંકળતા વિવાદો વકરતા રહે છે. તેમ છતાં આજે નર્મદા ચાર રાજ્યોની જીવાદોરી બની છે એ હકીકતનો ઈનકાર થઈ શકે તેમ નથી. બધા પ્રકારના રોડાં વચ્ચે પણ નર્મદા ડેમની અને આડકતરી રીતે ગુજરાતની ‘ઊંચાઈ’ વધી રહી છે એ બાબત ગુજરાત માટે ગૌરવપ્રદ છે.
૧૫. ગિરનારઃ વાદળથી વાતું કરે ગઢ જુનો ગિરનાર
સોરઠ દેશ ન સંચર્યો, ન ચઢયો ગઢ ગિરનાર,
ન નાહ્યો દામો-રેવતી, એનો અફળ ગિયો અવતાર.
જોગીઓની ભૂમિ જૂનાગઢમાં અડીખમ ઊભેલા ગિરનાર પર હિંદુ અને જૈન તેમજ મુસ્લિમ ધર્મના ર્ધાિમક સ્થાનો આવેલા છે. ગિરનાર વિશે ઘણી લોકકથાઓ અને લોકવાયકાઓ પણ પ્રસિદ્ધ થયેલી છે. કવિઓએ જેને ગાયો છે અને વાર્તાકારોએ જેને વર્ણવ્યો છે, એવો હિમાલય કરતાં પણ પ્રાચીન ગીરનાર ગુજરાતના આકર્ષણ કેન્દ્રોમાં ટોચ પર છે. દેશ અને પરદેશથી લોકો ગીરનારના આરોહણ માટે ખાસ આવે છે. ગીરનાર પર ગણ્યા ગણાય નહીં અને ફર્યા ફરાય નહીં એટલા સ્થળો છે. અંબાજી, ગુજરાતનું સૌથી ઊંચુ શિખર દતાત્રેય, હિન્દુ-મુસ્લિમ બન્ને જ્યાં માથુ ટેકવે છે એ દાતાર, ભરતવન, સીતાવન, જૈન દેરાસર વગેરે સ્થળોએ યાત્રાળુઓનો ધસારો વધારે હોય છે. દર વર્ષે નિયમિત રીતે ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાય છે. દર વર્ષે દેવદીવાળીએ શરૃ થતી પરકમ્મા કરવા પણ ભક્તોના ટોળાં ઉમટે છે.
૧૬. ચાંપાનેરઃ વૈશ્વિક વારસો
ચાંપાનેર ગુજરાતની એકમાત્ર ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ છે. જોકે પાવાગઢ જતી વખતે ‘જય અંબે.. જય માડી…’ કરતાં જતા ભક્તો તળેટીમાં આવેલા ચાંપાનેરને બાયપાસ કરી દે છે. મહંમદ બેગડાએ આ નગરીને તેના શાસનકાળમાં ગુજરાતનું બીજું પાટનગર બનાવ્યું હતું. વનરાજ ચાવડાના મંત્રી ચાંપાએ આ નગર વસાવ્યું હતું. ચાંપાનેર સૌંદર્યવાન નગરી છે. એક તરફ તળાવ અને બીજી તરફ ભગ્ન અવશેષોનો અનોખો સંગમ ચાંપાનેરના પ્રેમમાં પાડવા માટે કાફી છે. ઠેર ઠેર કાચના વેરાયેલા ટુકડાની માફક ચાંપાનેરના અવશેષો પડયા છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ હોવાને કારણે અહીં એક પથ્થર પણ સત્તાની રજામંદી વગર હવાલી શકાતો નથી. એટલે હવે ચાંપાનેર વાસીઓને વર્લ્ડ હેરિટેજ સાઈટનું સ્ટેટસ ગળામાં ફસાયેલા હાડકા જેવું લાગે છે.
૧૭. ગોધરાકાંડ અને અન્ય દુર્ઘટનાઓઃ ન જાણ્યુ ગુજરાતના નાથે…b
નકારાત્મક છતાં દુષ્પ્રસંગો ગુજરાતની ઓળખ બન્યા છે. કારસેવકોને લઈ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબામાં કારસેવકોને ભૂંજી દેવાયા એ ઘટનાએ તણખલાનું કામ કર્યું અને ગુજરાતમાં ઠેર-ઠેર કોમી રમખાણોની આગ ચંપાઈ. શહેરોમાં જ્યાં જુઓ ત્યાં મોતનું તાંડવ સર્જાયું અને ભારતમાં રમખાણોના ઇતિહાસના કાળા પાનામાં વધુ એક પ્રકરણ ઉમેરાયું. આ ઘટનાને આઠ-આઠ વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં આ કલંકનું ભૂત હજીયે અવારનવાર ધૂણી ઊઠે છે. એ પૂર્વે નવનિર્માણ અને અનામત આંદોલને પણ ગુજરાતની ધરતી પર લોહીની ધારાઓ વહેવડાવી હતી.
૧૮. પ્રવાસી પક્ષીઓઃ પંછી નદિયાં પવનકે ઝોંકે, ગુજરાત ઉન્હે રોકે
પૃથ્વીના ઉત્તરે આવેલા બરફાચ્છાદિત વિસ્તારમાંથી દક્ષિણ તરફ શિયાળો ગાળવા જતા પક્ષીઓ દક્ષિણ એશિયાના ઘણા સ્થળોને પોતાનો વિસામો બનાવે છે તેમાંનું એક સ્થળ ગુજરાત છે. પોરબંદર, નળ સરોવર, ખીજડિયા, નારાયણ સરોવર, થોળ વગેરે અનેક સ્થળોએ પંખીઓ વેકેશન ગાળવા આવે છે. હવે ગુજરાતમાં પક્ષી પ્રવાસન પણ વિકસ્યું છે.
૧૯. પારસીઓઃ અરે ડિકરા ચેની છિંટા કરછ?
ઈરાનથી આવેલા પારસીઓ સૌ પહેલાં ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા. આ કોમે વાયા ગુજરાત થઈને દેશને ઘણું આપ્યું છે. દેશના ટોચના ઉદ્યોગપતિ રતન તાતાના મૂળિયા સંજાણમાં પડેલા છે. તો વળી વિશ્વકક્ષાના અણુવિજ્ઞાની હોમી જહાંગીર ભાભાનો છેડો પણ સંજાણ સુધી લંબાય છે. દેશના સોલિસિટર અને એડવોકેટ જનરલ રહી ચૂકેલા સોલી સોરાબજી હોય કે ક્રિકેટર નરિમાન કોન્ટ્રાક્ટર, એ બધા ગુજરાતની દેન છે. આજે જોકે આ પ્રજાતિ તેની વસતી ન વધારે તો વંશવેલો આગળ કેટલા વર્ષો સુધી ચાલશે એ કહેવું મુશ્કેલ છે.
૨૦. શાકાહારઃ ગુજરાતીઓ ગ્લોબલ ર્વોિમગ નથી ફેલાવતા
સરેરાશ ગુજરાતીઓ આજે પણ માંસાહારથી દૂર રહે છે. તેમાં કશું ખોટું નથી બીજી તરફ માંસાહાર ન કરનારાઓને પછાત ગણાનારો વર્ગ પણ છે. ગમે તે હોય પણ ગુજરાતી પરદેશ જાય કે દેશના કોઈ ખૂણે જાય પણ ત્યાં શાકાહારી ભોજન ન ઉપલબ્ધ હોય તો મુશ્કેલી પડે જ પડે. તેનો પરદેશ પ્રવાસે જતા ગુજરાતીઓને અનુભવ હશે જ. શાકાહારનો એક લાભ એ થયો કે ગુજરાતી ફૂડ પ્રખ્યાત થયું કેમ કે આપણે દેશ-પરદેશમાં ભેગું ભાતુ પણ લેતા જઈએ. એ રીતે થઈ ગુજરાતી થાળીની મફત પબ્લિસિટી!
૨૧. અશોકના શિલાલેખઃ સમ્રાટનાં હૃદય પરિવર્તનની સાહેદીb
કલિંગ સમ્રાટ અશોકને લોકો જ્યારે જ્યારે રાષ્ટ્રમુદ્રા પર દૃષ્ટિપાત કરશે ત્યારે ત્યારે યાદ કરશે. સારનાથમાં તેણે બંધાવેલો ચાર સિંહોવાળો સ્તંભ ભારતની રાજમુદ્રા છે. અશોકે પ્રજાને આપેલો ઉપદેશ શિલાલેખો પર કોતરાવેલો. જૂનાગઢમાંથી ખોદકામ દરિમયાન લગભગ ૭૦૦ની સાલમાં લખાયેલા એ શિલાલેખો મળી આવ્યા છે. પાલિ ભાષામાં લખાયેલા એ લેખો સચવાઈ રહે તે માટે તેને ફરતે મકાન બાંધી લેવાયું છે. આ લેખમાં અશોકે ૧૪ આજ્ઞાઓ કોતરાવી છે.
૨૨. કેરીઃ નામ જ કાફી છે!
આખુ જગત હવેે ગુજરાતની કેરી ખાતું થયું છે. પોર્ટુગિઝ વાઈસરોય આલ્ફોન્ઝો આલ્બુકર્કના નામે જાણીતી બનેલી આફૂસ કેરીને ગુજરાતના ગીરપંથકની કેસર કેરી મજબૂત હરીફાઈ આપતી રહી છે. કદમાં મોટી, આકારમાં આકર્ષક અને સ્વાદમાં ખટમધૂરી કેસર ગીર, વલસાડ ઉપરાંત હવે ઉત્તર ગુજરાતમાં પણ ઉપજે છે. કેરી ઉનાળામાં ગુજરાતીઓનો સ્વાદશોખ સંતોષવા ઉપરાંત હવે નિકાસના માધ્યમથી વિદેશી હુંડિયામણ કમાવી આપવામાં પણ કારગત નીવડી રહી છે. કેસર ઉપરાંત જમાદાર, લંગડો, રેશમ, તોતાપુરી જેવી કેરીની જાતો પણ ભારે લોકપ્રિય છે.
૨૩. ગુજરાતી થાળીઃ સ્વાદનો પરમ વૈભવ
ગુજરાતીને દિલથી માયાળુ અને ડીલ (શરીર)થી મજબૂત રાખનારી જો કોઈ ચીજ હોય તો એ છે ગુજરાતી ભોજન. લથબથ તેલમાં નીતરતા શાક, ખાંડનો ભભકો, લાલ મરચાંના વઘારમાં સાંતળેલી દાળ, ત્રણ જાતની ચટણી, ચાર જાતના પાકા અથાણાં અને ઘીથી લસલસતી રોટલી. જામો પડી જાય, બાપુ! ગુજરાતી સ્વાદની વાત હોય ત્યારે ઢોકળા અને હાંડવાના ઉલ્લેખ વગર ચાલે નહિ. આથેલા લોટમાંથી સ્વાદનો આવો ચટકો માત્ર ગુજરાત જ આપી શકે. પગે ભમરો અને જીભે ચટકો ધરાવતા ગુજરાતીઓના કારણે ગુજરાતી થાળી પણ હવે દેશવિદેશમાં એટલી લોકપ્રિય બની ચૂકી છે કે ચીનમાંય ક્યાંક ક્યાંક ગુજરાતી થાળી મળવા લાગી છે. એ હિસાબે, હવે, ચંદ્ર પર ગુજરાતી થાળી મળે એટલી જ વાર!
૨૪. મીઠું: ગુજરાતને મીઠાની તાણ નથી!
મીઠા વગર કોઈને ન ચાલે એ પછી રાષ્ટ્રપિતા હોય કે રાજકોટનો કોઈ રંક! દેશ દુનિયાને મીઠું પુરું પાડવાનું કામ ગુજરાતના અગરિયાઓ કરે છે. કચ્છના નાના રણ પાસે મોટા પાયે મીઠાનું ઉત્પાદન થાય છે. જોકે હવે સરકારને સામુહિક શ્રમથી ઉત્પન્ન થતાં મીઠામાં બહુ રસ રહ્યો ન હોય એવું લાગે છે એટલે અગરિયાઓના વિકાસ માટે કશું નોંધપાત્ર થતું નથી. ધોમ-ધખતા તાપ વચ્ચે પરસેવો પાડી મીઠું પેદા કરતા લોકોને મદદ કરવાને બદલે મસમોટી મલ્ટિનેશન કંપનીઓને આવકારવાનું વલણ વધુ માત્રામાં દેખાઈ રહ્યું છે.
૨૫. પેટ્રોકેમિકલ્સઃ પાતાળમાંથી પ્રગટ થતી લક્ષ્મી
ગુજરાતના પેટાળમાં-દરિયાકાંઠે પેટ્રોલિયમનો સારો એવો જથ્થો છે. કરૃણતા એ વાતની કે ૧૯૫૮માં જ્યાંથી ગુજરાતમાં પહેલી વખત પેટ્રોલિયમ મળ્યું હતું એ ખંભાત પાસેના લુણેજ ગામની હાલત દયનિય છે. ખંભાત પાસે ઘણું તેલ છે, જે ગુજરાતને માલામાલ કરી શકે તેમ છે. હજીરા આખા દેશમાં પેટ્રોકેમિકલ્સ હબ બન્યું છે, કેમ કે અહીંથી મોટા પાયે પેટ્રોલિયમની આયાત-નિકાસ થાય છે.
૨૬. નેનો પ્લાન્ટઃ નેનો પણ તાતાનો દાણો
સાણંદ પાસે તાતા કંપનીના મહાત્વાકાંક્ષી નેનો કાર ઉત્પાદનના પ્લાન્ટે ભારે ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળની સરકાર તાતા જેવા ઉદ્યોગગૃહને સાચવી ન શકી તેનો લાભ ગુજરાતને થયો. જોકે સાણંદમાં જમીન ફાળવણી મુદ્દે ઘણા વિવાદો થયા અને સરકાર સામે સવાલો પણ ઉઠાવાયા. એ બધું હોવા છતાં ગુજરાત દિને સાણંદથી પહેલી નેનો કાર તૈયાર થઈ રવાના થશે. નેનો પ્લાન્ટે સાણંદ અને તેની આસપાસના વિસ્તારની જમીનના ભાવ પણ રાતોરાત વધારી દીધા છે. સરવાળે, અમદાવાદની હદ હવે સાણંદ સુધી અંકાવા લાગી છે.
૨૭. મોરબીઃ દિવાલથી છત સુધી વાગતો વટનો ડંકો
જગતમાં સૌથી વધુ કાંડા ઘડિયાળ સ્વિત્ઝરલેન્ડમાં બને છે, જ્યારે સૌથી વધુ દિવાલ ઘડિયાળ મોરબી બનાવે છે! ઘડિયાળો ઉપરાંત મોરબી સિરામિક પ્રોડક્ટ્સ, સિમેન્ટ અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્સ માટે પણ જાણીતું બન્યું છે. અહીં સિરામીકના ૬૦૦ જેટલા કારખાના છે. મોરબીની ઘડિયાળો દેશ-વિદેશમાં જાય છે, અહીં બનતી લાદી આખા દેશમાં વપરાય છે. સિરામિક સાથે હવે અહીં કાગળ ઉદ્યોગ પણ વિકસી રહ્યો છે. કુતુબુદ્દિન ઐબકથી લઈને લાખાજી ઠાકોર સુધી ઘણા સુરમાઓ મોરબી પર રાજ કરી ચૂક્યા છે. જોકે મોરબીનો સુવર્ણકાળ વાઘજી અને લાખાજી ઠાકોર વખતનો ગણાય છે. એવું કહેવાય છે, કે સરકારી સહાય ન હોય તો પણ મોરબી પોતાના પગ પર ઉભું રહી શકે તેટલી તેની આવક છે.
૨૮. ઊંઝાનું જીરું: સ્વાદમાં ચપટી’ક, સમૃદ્ધિમાં દરિયો
જીરું ઉત્પાદન ક્ષેત્રે ઊંઝા અજોડ છે. વિશ્વની કુલ જરૃરીયાતનું ૬૦ ટકા જીરુ ગુજરાતમાં પાકે છે. વર્ષે ગુજરાત ૨ લાખ ટન કરતા વધુ જીરુ પેદા કરે છે. વર્ષો પહેલા ઊંઝા પાસેના ઉનાવાના શિક્ષક મોહનલાલ ગુરુ જીરુ ઉગાડતા શિખવા ઇરાન ગયા હતા. જીરુના કારણે ખેડૂતો માલામાલ થયા છે અને હવે જીરુ ઉપરાંત ઈસબગુલ અને વરિયાળીના કારણે ઊંઝાનું માર્કેટ યાર્ડ આખા દેશમાં સૌથી મોટું માર્કેટ યાર્ડ બન્યું છે.
૨૯. મચ્છુ હોનારત અને ભૂકંપઃ વસુંધરાના વ્હાલાં-દવલાં
ગુજરાતે સ્વતંત્ર થયા પછી જોયેલી સૌથી મોટી હોનારત એટલે મચ્છુ હોનારત. મોરબી પાસે ઉપરવાસમાં મચ્છુ નદી પર આવેલો ડેમ અનરાધાર વરસાદથી તૂટી ગયો અને જોતજોતામાં આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું. ૧૧મી ઓગસ્ટ, ૧૯૭૯નો એ કાળમુખો દિવસ મોરબી સહિત આખા ગુજરાતના મનમાં અંકાઈ ગયો છે. એવી જ બીજી કરૃણ યાદગીરી ધરતીકંપની ગણવી પડે. આખું ગુજરાત પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મશગુલ હતું ત્યારે જ શબ્દશઃ પગ તળેથી ખસી ગયેલી ધરતીએ સમગ્ર ગુજરાતમાં કહેર મચાવી દીધો. કચ્છમાં ભારે જાનહાનિ નોંધાઈ જ્યારે કેટલીક બહુમાળી ઈમારતો ધસી જવાને કારણે અમદાવાદ જેવા શહેરમાં ફેલાયેલી દહેશત આજે દસ વર્ષે પણ ઘટી નથી.
૩૦. દાંડીયાત્રાઃ મહાત્માનું મેનેજમેન્ટ
મીઠા પર અંગ્રેજોએ નાખેલા વધુ પડતા કરનો વિરોધ કરવા ગાંધીજીએ અમદાવાદથી દક્ષિણ ગુજરાતના દાંડી સુધી પદયાત્રા કરી. ૧૨મી માર્ચે શરૃ થયેલી યાત્રા ૬ઠી એપ્રિલે પુરી થઈ ત્યારે ગાંધીજી અને તેમના સાથીદારોએ મીઠું ઉપાડી સવિનય કાનૂન ભંગ કર્યો. ૩૨ દિવસ સુધી ગાંધીજી અહીં રહ્યા બાદ અંગ્રેજોએ તેમની ધરપકડ કરી હતી. અમદાવાદથી દાંડી સુધી વચ્ચે આવતા ગામોમાં ઠેરઠેર ગાંધીજીની સભાઓ યોજાઈ અને ક્રાંતિની ગાથાઓ ગવાઈ. ચપટીક મીઠાંના પ્રતાપે ઊભી થયેલી જાગૃતિ છેવટે દેશને આઝાદી સુધી દોરી ગઈ.
૩૧. રજવાડાં: રાજ ગયું અને રજવાડાં પણ
આઝાદ થયાં પહેલા ભારતમાં ૫૬૨માંથી ૨૮૬ રજવાડાં એકલાં સૌરાષ્ટ્રના ૧,૨૭,૦૦૦ ચોરસ કિલોમીટરમાં હતા. તેમાંથી ગોંડલ, ભાવનગર વગેરેના રાજવીઓ તો એટલા સ્વપ્નદૃષ્ટા હતા કે તેના જેવું સુ-સાશન આજના શાસકો પણ નથી આપી શકયા એવી પ્રજાની ફરિયાદ છે. મોરબી, વાંકાનેર વગેરે રાજવીઓ પોતાના રાજમાં વળી રેલગાડી પણ લાવેલા. મોરબીમાં ટેલિફોન સુવિધા વિકસેલી. આજે આ ૨૮૬ પૈકી કેટલાક રજવાડાંના અવશેષો મહેલ સ્વરૃપે ઉભા છે. નાનાં રજવાડાઓની વિશાળ સંખ્યા અને લાંબા અંતરાલના વહિવટને કારણે આજે પણ ગુજરાતના લોકજીવન પર તેની વિશિષ્ટ અસર જોઈ શકાય છે.
૩૧. વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ ગુજરાતને જાણે દુનિયા
દેશ પરદેશના રોકાણકારો ભલે ગુજરાતમાં રોકાણ ન કરે પણ એટલિસ્ટ ગુજરાતની નોંધ લેતા થયા તેની ક્રેડિટ દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટને આપવી પડે. ભલે પ્રોમિસ થયા પ્રમાણેનું રોકાણ ન થયું હોય અને સમિટને લઈને જાતજાતના વિવાદો થયા હોય પણ રોકાણકારો ગુજરાતને રોકાણ વિકલ્પે જોતાં થયા છે. અલબત્ત, સમિટ જેટલી ભવ્યાતિભવ્ય બહારથી દેખાય છે, એટલી નક્કર સાબિત થવાનું હજુ બાકી છે.
૩૨. રણોત્સવઃ ઓપરેશન ડેઝર્ટ સ્ટ્રોમ
રણમાં વળી શું જોવાનું હોય એવો સવાલ થતો હોય તેમણે રણોત્સવમાં આંટો મારવો રહ્યો. કચ્છનું રણ દુનિયાભરમાં અજોડ છે. પાકિસ્તાન નજીક હોવાથી રણ ગુજરાતને સાવધ પણ રાખે છે. રણનું સૌેદર્ય અપ્રતિમ હોય છે, એ ખુદ ગુજરાતીઓ રણોત્સવના આરંભ બાદ જાણતા થયા છે. શિયાળામાં યોજાતા આ મહોત્ત્સવે ગુજરાતમાં ફરવા આવતા પરદેશી પ્રવાસીઓની સંખ્યા વધારી દીધી છે.
૩૩. પતંગોત્સવઃ પતંગ સાથે ઉડે છે, રાજ્યની ખ્યાતિ
આખા ને આખા શહેરો અને એવા શહેરોનું બનેલું આખું રાજ્ય કોઈ ચોક્કસ દિવસે ધાબે ચડયું હોય, રસ્તાઓ સુમસામ હોય, અગાસીએથી હાકોટા-પડકારા ગાજતા હોય અને આકાશ અનેકવિધ રંગોથી છવાઈ જાય એવું માત્ર ઉત્તરાયણમાં અને માત્ર ગુજરાતમાં જ સંભવે. વિશ્વ આખું પતંગને વિજ્ઞાન સાથે સાંકળે છે ત્યારે તેને મનોરંજનનું માધ્યમ બનાવવામાં ગુજરાતનો અનોખો મિજાજ વર્તાય છે.
૩૪. કેમિકલનો ગોલ્ડન કોરીડોરઃ ઔદ્યોગિક સમૃદ્ધિનો પાયો
ગુજરાત રાજ્યની સ્થાપના સાથે પેટ્રોલિયમની પ્રાપ્તિના પગલે વડોદરાથી વાપી સુધી કેમિકલ ઝોનની સ્થાપના કરવામાં આવી. આજે ગુજરાતની ઔદ્યોગિક ઓળખના પાયામાં ગોલ્ડન કોરિડોર તરીકે ઓળખાતો એ કેમિકલ ઝોન રહેલો છે. એ કેમિકલ ઝોનના પ્રતાપે આજે ગુજરાત ફાર્માસ્યુટિકલ કેમિકલ ક્ષેત્રે દેશભરમાં ટોચનું સ્થાન ભોગવે છે. અલબત્ત, કેમિકલ્સ ઉદ્યોગમાંથી પ્રદુષણ ન ફેલાય એવું જગતમાં ક્યાંય બન્યું નથી. પરિણામે ગઈકાલ સુધી જેને અછો અછો વાના થતાં હતા એ કેમિકલ કોરિડોર આજે ભારે પ્રદુષણ માટે બદનામ પણ થઈ રહ્યો છે.
૩૫. રાજકોટઃ મિજાજની રંગત એ જ ખરી ઓળખ
ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ ક્ષેત્રે નેશનલ હબ ગણાતું રાજકોટ ૧૯૬૦ પછી પ્રગતિની હરણફાળ ભરીને ભાવનગર પછી હવે વડોદરાને ય પાછળ છોડી રહ્યું છે. રાજકોટના ડિઝલ એન્જિન જગતભરમાં નિકાસ પામે છે. અહીંના બેરિંગ પણ ઠેર ઠેર મશીનોને સ્મૂધલી ચલાવવાનું કામ કરે છે. અહીં ફાઉન્ડ્રીના ૫૦૦ કરતા વધુ એકમો છે. સૌરાષ્ટ્રની પહેલી ઔદ્યોગિક વસાહત પણ રાજકોટના ભક્તિનગરમાં સ્થપાયેલી. રાજકોટના સોના-ચાંદી કારીગરો પણ વિશ્વભરમાં વિખ્યાત છે. આ ઉપરાંત રંગીલા મિજાજ અને સ્વાદના શોખીન તરીકે પણ રાજકોટની શાખ છે.
૩૬. સેવાઃ સેવા એજ સર્વસ્વ
સેવા એટલે ‘સેલ્ફ એમ્પ્લોઈડ વિમેન એસોસિએશન’. ગુજરાતની આ સંસ્થાએ માત્ર ગુજરાતી જ નહીં જગતના ખૂણે ખૂણે જ્યાં જ્યાં મહિલાઓને જરૃર પડી ત્યાં મદદ પહોંચાડી છે. તેના સ્થાપક ઈલા ભટ્ટ મેગ્સેસે એવોર્ડ મેળવનારા પહેલાં ગુજરાતી બન્યા છે. ૧૯૭૨માં સ્થપાયેલી આ સંસ્થા આજે દસ લાખ જેટલી સભ્યસંખ્યા ધરાવે છે. સેવાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પોતાની રીતે કમાતી કરવાનો છે. નાણાકિય મદદ માટે સેવા બેંક પણ કામ કરે છે.
૩૭. અક્ષરધામઃ જ્ઞાન સાથે વિજ્ઞાનનું ધામ
અયોધ્યા પાસેના છપૈયા પાસેથી નીકળેલા સહજાનંદ સ્વામીનો સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વભરમાં પ્રસર્યો છે અને તેનાં પાયામાં ગુજરાત છે. મંદિરોની ભવ્ય પરંપરા માટે જાણીતા આ સંપ્રદાયની બી.એ.પી.એસ. શાખા દ્વારા ગાંધીનગર ખાતે નિર્માણ પામેલું અક્ષરધામ તેના સૌેદર્ય માટે દેશાવરમાં જાણીતું છે. ૨૦૦૧માં જોકે અહીં થયેલા આતંકવાદી હુમલા બાદ તેની સુરક્ષા મજબૂત કરાઈ છે. હાલમાં જ અહીં લેસર સંચાલિત ભવ્ય વોટર શો ખુલ્લો મુકાયો છે.
૩૮. લોથલ-ધોળાવિરાઃ પાતાળમાં રહેલી પ્રભુતા
અમદાવાદ પાસે આવેલું લોથલ અને કચ્છમાં આવેલું ધોળાવિરા પુરાતત્ત્વિય ખજાનો સંઘરીને બેઠા છે. લોથલ એક સમયે બંદર હતું. સિંધુ સભ્યતાનું મહત્ત્વપૂર્ણ શહેર હતું. ૧૯૫૬માં ખોદકામ કરતાં તે મળી આવ્યું છે. અહીં સિયામિઝ ટ્વિન્સ પ્રકારના હાડપિંજરો મળી આવ્યા છે, જેની બધે નોંધ લેવાઈ છે. દરેક પુરાત્ત્વિય વારસાના નામે અહીં પણ જાળવણીના નામે મીંડુ છે. ધોળાવિરા દેશની સૌથી મોટી પુરાતત્ત્વિય સાઈટ છે. આ શહેર પણ સિંધુ સંસ્કૃતિના વખતનું જ છે.
૩૯. ગરબાઃ સૂર અને તાલમાં છલકાતો ગુજરાતી મિજાજ
ગુજરાત અને ગરબો એ વિશ્વભરમાં એકમેકના પર્યાય ગણાય છે. નવ-નવ રાત સુધી આખું રાજ્ય સજીધજીને હોંશભેર ગરબે ઘૂમતું હોય તેની જગતભરમાં ‘લોન્ગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ’ તરીકે નોંધ લેવાય છે. ભાગ્યે જ કોઈ એવો હતભાગી ગુજરાતી હશે જેને ગરબાના સૂર અને તાલ, હલક અને લયના કેફ હેઠળ પાનો ન ચડતો હોય. પરિણામે દુનિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતી ગયો છે ત્યાં ત્યાં ગરબા થવા લાગ્યા છે.
૪૦. દરિયો અને દરિયાખેડૂં: દરિયામાં પણ દરિયાદીલી
ગુજરાત પાસે ૧૬૬૦ કિલોમીટર લાંબો દરિયો છે અને દેશમાં સૌથી વધુ ૪૧ બંદરો પણ છે. મધ્યયુગમાં પણ ગુજરાતના દરિયાખેડૂ આખા જગમાં જાણીતા હતા. આજે ગુજરાતમાં જહાજો ભંગાવવા આવે છે, પણ એક સમયે ગુજરાત દેશમાં જ નહીં દરિયાપાર પણ જહાજના બાંધકામ માટે જાણીતું હતું. ૨૦મી સદીના પ્રારંભે સુરત પાસે આવેલા દરિયાકાંઠે રોજનું એક જહાજ તૈયાર થઈ જતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુજરાતના વિવિધ ૩ જહાજવાડામાં કુલ ૮૦૦ જહાજ બનેલા. દરિયો ખેડવા નીકળી પડતી ખારવા કોમ પણ સામી છાતીએ તરવા માટે જાણીતી છે.
૪૧. ગુજરાતી ફિલ્મોઃ કચકડે મઢાયેલો વારસો
દેશમાં બનતી અન્ય પ્રાદેશિક ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મો ભલે પછાત ગણાતી હોય પણ ગુજરાતનો ઘણો સાંસ્કૃતિક વારસો આ ફિલ્મો સાચવીને બેઠી છે. આજે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે દાટ વાળ્યો છે, એ પણ એટલી જ સાચી હકીકત છે. ૧૯૭૧થી ૧૯૯૦ સુધી બે દાયકાનો સમય ગુજરાતી ફિલ્મો માટે સૂવર્ણકાળ હતો. હવે તો બે-ચાર વર્ષે એકાદ ફિલ્મનેે બાદ કરતાં સારી ગુજરાતી ફિલ્મ પણ નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘોર ખોદવામાં નિર્માતાઓનો ઘણો ફાળો છે. સબસીડી મેળવવા નિર્માતાઓ ક્વોલિટીને તડકે મૂકી પાંચ લાખથી ઓછા બજેટમાં ફિલ્મ બનાવી નાખે છે. પણ તે ફિલ્મોમાં કસબના નામે મસમોટું મીંડું જ હોય છે. પરિણામે ગુજરાતી દર્શક ગુજરાતી ફિલ્મોથી સદંતર વિમુખ થઈ ચૂક્યો છે.
૪૨. લોકડાયરાઃ પરથમ સમરું ગણપતિ…
આધુનિકતાના ઓચ્છવ વચ્ચે પણ ગુજરાતે પરંપરાનો મહિમા જાળવી રાખ્યો છે. સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના શહેરોમાં એક તરફ હિન્દી ફિલ્મગીતોનો કાર્યક્રમ હોય અને બીજી તરફ લોકડાયરો હોય તો ડાયરો જ ભરચક જવાનો. દુલા ભાયા કાગથી માંડીને કાનજી ભૂટા બારોટ અને ભીખુદાનથી માંડીને નારાયણ સ્વામી સુધીના લોકકલાકારોનું મહત્વ અને મહાત્મ્ય ગુજરાતમાં સચીન તેંડુલકર કે અમિતાભ બચ્ચનથી સહેજ પણ ઓછું નથી. ઢળતી સાંજે વાળુ કરીને (ડીનર લઈને) ગામના ચોરે હાર્મોનિયમ, મંજીરા, તબલાં અને ઢોલના સૂર-તાલમાં દુહા-છંદ, લોકગીત અને લોકવાર્તાનો માહોલ એવો જામે કે ક્યારે પ્હો ફાટે તેનો ય ખ્યાલ ન રહે એવો ડાયરાનો જાદુ આજે સાજસંગીત અને પ્રસ્તુતિના આધુનિક રંગઢંગ છતાં ઝાંખો જરૃર પડયો છે પણ વિસરાયો નથી.
૪૩. અલંગઃ અંતિમ વિસામો
અલંગ જહાજોના અંતિમ સંસ્કાર માટે દુનિયાનું સૌથી મોટું ‘કબ્રસ્તાન’ છે. સમુદ્રની છાતી ચિરતા ભલભલા જહાજો કાયમ માટે કબરશિન થવા તો અહીં જ આવે. ભાવનગરથી પચાસેક કિલોમીટર દૂર આવેલા અલંગનો દરિયો પ્રમાણમાં શાંત હોઈ જહાજોના ‘હાડકાં-પાંસળાં’ નોંખા કરવા માટે શ્રેષ્ઠ જગ્યા છે. ભંગાયેલા જહાજોમાંથી નીકળતી ચીજોનો અહીં મોટો વેપાર ખિલ્યો છે. એલ્યૂમિનિયમ, કાચ, પ્લાસ્ટિક, લાકડું વગેરે ચીજોની ગુજરાતભરમાં ‘અલંગના માલ’ તરીકે ઊંચી માંગ છે. રાજ્યના દરેક મોટા શહેરમાં ‘અલંગ સ્ક્રેપ’ વેચતી દુકાનો બની છે. તો વળી પાણીમાં પણ ન સડતું અને વજનમાં એકદમ હળવું દેવદારનું લાકડું વાપરવાનો ક્રેઝ પણ અલંગની દેન છે.
૪૪. કચ્છનું રણઃ રણ નથી, રમમાણ છે
કચ્છ દેશનો બીજા નંબરનો મોટો જિલ્લો છે અને એ મોટા જિલ્લાનો મોટો ભાગ રણ પ્રદેશ છે. કચ્છનું રણ જોકે સહારા કે કલહરી જેવા રણ કરતાં અલગ પડે છે. કચ્છનું રણ દઝાડનારું નહીં પણ શિતળતા આપનારું છે. કચ્છનું રણ નાના અને મોટા રણ એમ બે વિભાગોમાં વહેંચાયેલું છે. એશિયામાં ઘૂડખર માત્ર અહીં જ જોવા મળે છે. કચ્છમાં અભ્યારણ્ય પણ છે અને બન્ની ઘાસના મેદાનો પણ છે. આ મેદાનો હવે કદાચ આગામી દિવસોમાં ચિત્તાઓ માટે ‘ગેસ્ટ હાઉસ’ બને તો નવાઈ નહીં. એશિયામાં બહુ ઓછા સ્થળોએ જોવા મળતું ઘોરાડ પક્ષી અહીં જોવા મળે છે.
૪૫. શિક્ષણઃ સરનામાં બદલાયા, શાખ યથાવત
ગાંધીજીએ શરૃ કરાવેલું બુનિયાદી શિક્ષણ સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જ ટકી રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ ઉપરાંત વેડછી, સણોસરા જેવા સ્થળોએ આજે પણ બુનિયાદી શિક્ષણ લેતાં ગ્રામિણ વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘણું ઊંચું છે. સામા પક્ષે, ગુજરાત યુનિ. અને વડોદરાની વિશ્વપ્રસિદ્ધ એમ. એસ. યુનિ.ની પ્રતિષ્ઠા ઘસાઈને તળિયે પહોંચી છે. પરંતુ આઈઆઈએમ, એનઆઈડી, નિરમા, ઈરમા, કૃષિ વિશ્વવિદ્યાલયો, આયુર્વેદ યુનિર્વિસટી વગેરે સંસ્થાઓ આજે ગુજરાતની આધુનિક ઓળખ તરીકે વૈશ્વિક સ્તરે કાઠું કાઢી ચૂકી છે.
૪૬. ફાર્મા ઉદ્યોગઃ મ્હેણું મારવાની હવે કોની મજાલ?
અમદાવાદથી શરૃ કરીને છેક વાપી સુધી વિસ્તરેલા ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગે છેલ્લા થોડા વર્ષોમાં ખાસ્સી પ્રગતિ કરી છે. પ્રગતિ ભલે છેલ્લા થોડા વર્ષોથી થઈ હોય ુપણ ગુજરાતનો ફાર્મા ઉદ્યોગ ૧૦૩ વર્ષ પુરાણો છે. ૧૯૦૭માં એલ્બેલિકની સ્થાપના સાથે ફાર્મા ઉદ્યોગની શરૃઆત થયેલી. આજે ગુજરાતના ૩ હજાર નોંધાયેલા એકમો દેશની ૪૦ ટકા ફાર્મા પ્રોડક્ટ પુરી પાડે છે. સાથે સાથે ૨ લાખ કરતાં વધુ લોકોને રોજી પણ મળે છે. એલોપેથિક દવાઓ તો પરદેશમાં જ બને એવું મ્હેણું ગુજરાતે ભાંગી બતાવ્યું છે.
૪૭. દારૃબંધીઃ પડદા પાછળનું સત્ય
લિકર બેરન વિજય માલ્યા ભલે કહે કે ગુજરાત દારૃબંધીના કારણે ર્વાિષક અઢી હજાર કરોડનો વેપાર ગુમાવે છે, તો પણ ગુજરાતે દારૃબંધીની બંધી યથાવત્ રાખી છે. ગેરકાયદેસર રીતે અને લાઈસન્સ દ્વારા ગુજરાતમાં દારૃની નદીઓ વહી શકે એટલો જથ્થો હોવા છતાં ગુજરાત કાયદાની પરિભાષામાં તો ડ્રાય સ્ટેટ જ ગણાય છે. દારૃબંધી હળવી કરવી, ચાલુ રાખવી કે સદંતર નાબુદ કરવી એ ગુજરાતના જન્મથી જ ચર્ચાતા રહેતા મુદ્દા છે.
૪૯. કચકડામાં ગુજરાતીઓઃ થોડોક હરખ, થોડીક હાંસી
બોલિવૂડ અને ટેલિવૂડમાં ગુજરાતીઓની બોલબાલા છે. ફિલ્મ નિર્માણ હોય કે ટેકનીક, સંગીત હોય કે સન્નિવેશ, દરેક મામલે ગુજરાતીની ઓળખ હંમેશાં ગૌરવવંતી રહી છે. અલબત્ત, હાલમાં ટીવી પર ગુજરાતીઓની હાંસી ઊડાવતી સિરિયલોની પણ ભરમાર છે. પરંતુ ગુજરાતીઓ પોતાની હાંસીની પણ હાંસી ઊડાવવા જેટલું મોટું દિલ ધરાવે છે.
૫૦. મેઘાણીઃ સાહિત્યમાં શિરમોર
ઝવેરચંદ મેઘાણી વગર પણ ગુજરાતની વાત ન થઈ શકે. લોકના હૈયામાં રહેલું સાહિત્ય બે પુંઠા વચ્ચે ગંઠીત કરવાનું કામ મેઘાણીએ કર્યું. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયર બનાવ્યા એ યથાર્થ સાબિત થાય છે. તેણે પણ પત્રકારત્વ, લેખન, સંશોધન, રિર્પોિટગં.. વગેરે અનેક કામો તેમણે એકલા હાથે કર્યાં. આજે પણ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પત્રકાત્વની વાત મેઘાણી વગર કરી શકાય તેમ નથી. -શૈલેશ રાઠોડ, ૯૮૨૫૪૪૨૯૯૧, april 26, 2017