ગૂજરાત વિદ્યાપીઠના સત્તાધીશોનો આખરે બહારનાં તત્ત્વો પર પ્રતિબંધ

અમદાવાદ,તા:૦૫  ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ દ્વારા સત્તાધીશોને તાજેતરમાં આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં 12 પ્રશ્નોના ઉકેલ માટે માગણી કરવામાં આવી હતી. જે માગણીને ગંભીરતાથી લઈ ગૂજરાત વિદ્યાપીઠની કેન્ટીનમાં બહારની વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

સામાન્ય રીતે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સત્તાધીશો સામે અવાજ ઉઠાવતા નથી, પણ પહેલી વખત વિદ્યાર્થીઓ ખૂલીને બહાર આવતાં સત્તાધીશો હચમચી ગયા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે હાલમાં વિદ્યાપીઠના સત્તાધીશોએ જુદાજુદા ગ્રૂપમાં બેઠક યોજીને કોઈપણ પ્રકારની માહિતી વિદ્યાપીઠની બહાર ન જાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓને કોઈપણ રીતે દબાવવા અને ડરાવવાનો પ્રયાસ કરીને ભવિષ્યમાં આ પ્રકારે અવાજ ન ઉઠાવવા ચીમકી પણ આપવામાં આવી હતી. આ પ્રકારની સ્થિતિ વચ્ચે વિદ્યાપીઠની કેન્ટીનમાં બહારની ગમે તે વ્યક્તિ જમવા કે નાસ્તો કરવા માટે આવી જતી હતી. આ સિસ્ટમ બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. વિદ્યાપીઠના સત્તાધીશોએ જાહેરમાં બોર્ડ મારીને એવી સૂચના જાહેર કરી છે કે હવે પછી વિદ્યાપીઠની કેન્ટીનમાં બહારની કોઈપણ વ્યક્તિએ જમવા કે અન્ય કોઈપણ રીતે બેસવા માટે આવવું નહીં. સૂત્રો કહે છે વિદ્યાપીઠની સ્થાપના પછી પહેલી વખત આ પ્રકારે બહારની વ્યક્તિઓ માટે કેન્ટીનમાં પ્રવેશ કરવા અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ કહે છે અમે જે માગણી રજૂ કરી છે તેનો ઉકેલ ન આવે તો આગામી દિવસોમાં વિદ્યાપીઠના અન્ય વિદ્યાર્થીઓ પણ જાહેરમાં આવશે.