ગૂજરાત વિદ્યાપીઠમાં ખાલી પડેલી રજિસ્ટ્રારની જગ્યા માટે નવેસરથી ભરતી પ્રક્રિયા

અમદાવાદ,તા.19

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ખાલી પડેલી રજિસ્ટ્રારની જગ્યા માટે થોડા સમય પહેલા જાહેરાત આપીને અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજીઓના આધારે ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. જોકે, કોઇ લાયક ઉમેદવાર ન મળતાં હવે ફરીવાર જાહેરાત આપવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

વિદ્યાપીઠના કાયમી રજિસ્ટ્રાર ખીમાણી નિવૃત્ત થયા બાદ આ જગ્યા ખાલી પડી હતી. નિયમ પ્રમાણે વિદ્યાપીઠ દ્વારા રજિસ્ટ્રારની જગ્યા ભરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. વિદ્યાપીઠ દ્વારા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી અરજીઓ  મંગાવવામાં આવી હતી. જે અરજીઓ આવી તેના આધારે ઇન્ટરવ્યુ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ રજિસ્ટ્રારની જગ્યા  માટે કોઇ લાયક ઉમેદવાર ન મળતાં સમગ્ર પ્રક્રિયા નવેસરથી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. સૂત્રો કહે છે વિદ્યાપીઠની એક્સપર્ટ કમિટીએ જે ધારાધોરણો નક્કી કર્યા તે પ્રમાણે કોઇ ઉમેદવાર ખરા ન ઉતરવાના કારણે કોઇની પસંદગી કરવામા આવી નથી. વિદ્યાપીઠમાં કામગીરી કરવાની હોવાથી ગાંધી મુલ્યોનુ જતન થાય અને વિદ્યાપીઠમાં નક્કી કરાયેલા ધારાધોરણો પ્રમાણે કામગીરી થાય તેવો કોઇ ઉમેદવાર મળી શકયો નહોતો. સામાન્ય રીતે વિદ્યાપીઠમાં કાયમી રજિસ્ટ્રાર નિવૃત્ત થયા બાદ ખાલી પડેલી રજિસ્ટ્રારની જગ્યા કાયમી ધોરણે ભરવાની હતી પરંતુ યુજીસી દ્વારા હવે આ જગ્યા પાંચ વર્ષ માટે જ ભરવાનો નિર્ણય કરવામાં આવતાં જે ઉમેદવારની પસંદગી થશે તે માત્ર પાંચ વર્ષ માટે થશે. આ મુદ્દે વિદ્યાપીઠના સત્તાધીશો કહે છે એક્સપર્ટ કમિટીએ જેટલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ કર્યા તે પૈકી કોઇ યોગ્ય ન લાગતાં પસંદગી કરવામાં આવી નથી. હવે આગામી દિવસોમાં નવેસરથી જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવામાં આવશે.