ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેરમાં આજે આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવશે

અમદાવાદ,તા.૨૮
અમદાવાદ શહેરમાં વધી રહેલા હવાના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ૨૯ ઓગસ્ટના રોજ સવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવી દોડતી કરશે.આગામી સમયમાં વધુ ૫૦ ઈ-બસો શહેરના માર્ગો પર દોડતી કરાશે.અમપાના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદ શહેરના લોકોને હવાનુ પ્રદુષણ ઘટાડવાના આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે.

અમપાના કમિશનર વિજય નહેરાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ,કેન્દ્ર સરકારના અર્બન મિનિસ્ટ્રી વિભાગ તરફથી દેશના વિવિધ શહેરોમાં વધતા જતા પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઈ-બસોની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જે અંતર્ગત અમદાવાદ શહેરને તબકકાવાર કુલ ત્રણસો બસો મળવાની છે.પહેલા ચરણમાં આઠ બસો આવી ગઈ છે.આ બસોનું ગુરુવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.આવનારા સમયમાં વધુ ૫૦ બસો પણ સામેલ કરવામાં આવશે.ગૃહમંત્રી આ સાથે રાણીપ ખાતે તૈયાર કરવામાં આવેલા સ્વેપ ટેકનોલોજી આધારીત ચાર્જીંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે.