ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓ પાસેથી પોલીસના ઉઘરાણા

અમદાવાદ, તા.26

દર વર્ષની જેમ આ વર્ષ પણ શહેરમાં ગેરકાયદેસર રીતે ફટાકડા વેચવાની હજારો હાટડીઓ ધમધમી રહી છે. પોલીસ કમિશનરના જાહેરનામા છતાં શહેર પોલીસ નામ પૂરતા કેસ નોંધી કામગીરીના આંકડા ચોપડે બતાવી રહી છે. બીજી તરફ ગેરકાયદેસર રીતે ફટાકડા વેચતા વેપારીઓ પાસે પોલીસ ખુલ્લેઆમ હપ્તા ઘરાવે છે. ક્યારેક રોકડમાં નહીં તો વિનામૂલ્યે ફટાકડા મેળવી લઈને પોલીસ સમગ્ર મામલે આંખ આડા કાન કરે છે. નરોડા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનનો વિડીયો વાઈરલ થતા પોલીસ ઈન્સ્પેક્ટર સામે પણ શંકાની આંગળી ચિંધાઈ છે.

ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને લાયસન્સ લેવા માટે બોચીએ આંખો આવી જાય છે તો બીજી તરફ પોલીસને મામૂલી હપ્તો આપી સેંકડો વેપારી ગેરકાયેદસર રીતે લારી-દુકાનોમાં ફટાકડા વેચે છે. ભૂતકાળમાં ગેરકાયેદસર ફટાકડા વેચાણના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓ બાદ પોલીસ કમિશનર દર વર્ષે આવી પ્રવૃત્તિને રોકવા માટે શહેર પોલીસને આદેશ આપે છે. જો કે, હપ્તાબાજીથી ટેવાઈ ગયેલી પોલીસ અને પોલીસ અધિકારીઓ દિવાળીનો ખર્ચ કાઢવાના નામે ગેરકાયેદસર ફટાકડાની હાટડીઓને વિના રોકટોક ચાલવા દે છે. નરોડા પોલીસ સ્ટેશનની 47 નંબરની પીસીઆર વાન દેવકીનંદન કોમ્પલેક્ષ પાસે ઉભી રાખી પોલીસ કર્મચારી લારીવાળા પાસેથી ફટાકડા મેળવતા કેમેરામાં કેદ થયા છે. આ વાઈરલ થયેલા વિડીયોમાં જે સ્થિતિ જોવા મળે છે તે માત્ર નરોડા વિસ્તાર પૂરતી સિમિત નથી. આખા શહેરમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી-અધિકારીઓ દિવાળીના નામે ભરપૂર હપ્તા ઉઘરાવે છે.