હિંમતનગર, તા.18
હિંમતનગર આરટીઓ કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ખેંગારભાઇ કાનાભાઇ વાણીયા વિરુદ્ધ ગેરરિતી અને ભ્રષ્ટાચારની ગંભીર આક્ષેપોવાળી ફરિયાદ મળ્યા બાદ કમિશ્નર કચેરીના અધિકારીએ ત્રણેક સપ્તાહ અગાઉ રૂબરૂ હિંમતનગર આવી તપાસ કરતા સિનિયર ક્લાર્ક દ્વારા આચરવામાં આવતી ગેરરિતીઓ બહાર આવ્યા બાદ વાહન વ્યવહાર કમિશ્નરે સસ્પેન્ડ કરી વલસાડ આરટીઓ કચેરીમાં બદલી કરતાં ખળભળાટ મચી ગયો હતો.
હિંમતનગર આરટીઓ કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ખેંગારભાઇ કાનાભાઇ વાણીયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો વાળી ફરિયાદ મળતાં વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા ખાસ અધિકારી આરડી ઝાલાને આક્ષેપોની તપાસ કરવા તા. 25-09-19 ના રોજ રૂબરૂ મોકલવામાં આવ્યા હતા. તેમણે ટેસ્ટ ટ્રેક પર ફોર વ્હીલરના ટેસ્ટ માટે ભાડાની ગાડીનુ પૂછતાં “ વાણીયા સાહેબ ” ને મળો તેવો જવાબ મળતા સિનિયર ક્લાર્કને પૂછતાં તેમના નાના ભાઇ ડ્રાયવીંગ સ્કૂલ ચલાવતા હોવાનું નિવેદન આપ્યુ હતું.
તે દરમિયાન કે.કે. વાણીયાની રૂમમાં ટેબલ પરથી વિવિધ કામગીરીના 32 દસ્તાવેજ મળી આવ્યા હતા. જેની પર એજન્ટોના ટૂંકા નામ અને નિશાન જોવા મળ્યા હતા અને હાજર ત્રણ એજન્ટ અબ્દુલકાદર મોડાસીયા, અમિતકુમાર મહેન્દ્રભાઇ રાવલ અને હિતેશકુમાર એમ દવેએ આરટીઓ એજન્ટની કામગીરી કરતાં હોવાનુ નિવેદન આપ્યુ હતું. આ સમયે એક વ્યક્તિ કે.કે. વાણીયાની વર્કશીટની કામગીરી કરતો મળી આવતા તેણે જણાવ્યુ કે છેલ્લા સાત વર્ષથી માનદ સેવા આપે છે અને કે.કે.વાણીયાએ તેમના પગારમાંથી રૂ.1200 મહેનતાણા રૂપે ચૂકવતા હોવાનુ લેખિતમાં નિવેદન આપ્યુ હતું.
તપાસ અધિકારીએ અહેવાલમાં નોંધ્યુ હતુ કે મોટાભાગના આક્ષેપોમાં તથ્ય હોવાનુ જણાય છે. હોદ્દાનો દૂરૂપયોગ, ગેરરિતી કચેરીમાં આવતા લોકોને હેરાન કરવા, ખાનગી માણસોને કામ પર રાખી ગેરરીતી આચરતા હતા. આ અહેવાલને ટાંકીને વાહન વ્યવહાર કમિશ્નર રાજેશ માંજુએ ખેંગારભાઇ વાણીયાને સસ્પેન્ડ કર્યા હતા.