શિયાળો આવતાં જ ગેસનો વપરાશ વધી જાય છે. તેમાં હમણાંથી ગુજરાતના દર 20 ઘરમાંથી એક ઘરમાં ગેસ ગિઝર વાપરે છે. ગેસ ગિઝર સાયલંટ કિલર સાબિત થઈ રહ્યું છે. બાથરૂમમાં રાખેલા ગેસમાંથી ઝેરી વાયુ નિકળતાં હોવાથી અનેક લોકો બેભાન થઈ રહ્યાં હોવાના કિસ્સા ગુજરાતમાં બહાર આવી રહ્યાં છે. તેથી ફાયર બ્રિગેડના અધિકારીઓ ચેતવણી આપે છે કે ગંધ અને રંગ વગરના આ ઝેરી ગેસથી સાવચેત રહીને બાથરૂમની બહાર ગેસ ગિઝર મૂકવા કહી રહ્યાં છે.
પાણી કેમ ગરમ થાય છે
ગેસ ગિઝરમાં નહાવાના હેતુ માટે પાણી ગરમ કરવાની એક સરળ પદ્ધતિ છે. ગેસ વોટર હીટર એક ગરમ બર્નરમાં ગેસ સળગાવી પાણી ગરમ કરે છે. બાથરૂમમાં ગેસ ગિઝરને કારણે ગુજરાતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગેસ ગીઝરને કારણે કાર્બન ડાયોક્સાઇડ અને મોનો ડાયોક્સાઇડ નામના ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે. અને બાથરૂમમાં ગેસ ગીઝર ફીટ કરેલું હોય તો આ તત્વો બાથરૂમની અંદર જ રહે છે. તેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પાટણમાં એક ઘરમાં બાથરૂમમાં નહાવા ગયા અને બેભાન થઈ ગયા હતા. તેમને જાન્યુઆરી 2020માં તુરંત હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.
શા માટે ગિઝર વાપરે છે
વીજળી મોંઘી હોવાથી બચત માટે ગેસ ગિઝર વાપરે છે. તેથી વીજળીનું બિલ ઘટે છે. ગેસ ગિઝરમાં એલપીજી ગેસ આઉટલેટ એક બંધ બર્નર સાથે જોડાયેલું હોય છે જે ઇનલેટ પાણીને ગરમ કરે છે, અને થોડીકજ સેકંડમાં ગરમ પાણી આપે છે.
જીવનું જોખમ
અમદાવાદના ફાયર બ્રિગેડના અધિકારી રાજેશ ભટ્ટ કહે છે કે, ગેસ ગિઝર કયારેક જીવનું જોખમ નોતરી શકે છે. ગુજરાત, દિલ્હી તથા બેંગ્લોરમાં દર વર્ષે 10-12 દર્દીઓને હોસ્પિટલમાં ઈમર્જન્સીમાં લાવવામાં આવે છે કે જે બાથરૂમમાં જ બેભાન હાલતમાં મળ્યા હોય. જ્યાં ગેસ ગિઝરનો વપરાશ કરતા હોય. ખાસ કરીને શિયાળામાં આવા દર્દીઓ વધુ જોવા મળે છે. ગેસ ગીઝરથી દરવર્ષે કોઈને કોઈ દુર્ઘટના થાય છે, તેમ છતાં લોકો તેનાથી શીખતા નથી.
કાર્બન મોનોક્સાઈડ
ઓક્સિજન ના મળે તો એલપીજી-બળતણ ગેસનું આંશિક દહન થાય છે, જેથી ઝેરી ગેસ રંગ કે ગંધ વગરનો ઝેરી કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે. તેથી સાઇલન્ટ કિલર કહે છે. મિનિટમાં વ્યક્તિને તેની અસર થવા લાગે છે અને તે બેભાન થઈ જાય છે.
બેભાન કેમ થઈ જવાય
શરૂઆતમાં, કાર્બન મોનોક્સાઈડના સંપર્કમાં આવતા સામાન્ય લક્ષણો જેવા કે માથાનો દુખાવો, ચક્કર, શ્વાસની તકલીફ, થાક જોવા મળે છે અને ત્યારબાદ તરત જ મૂંઝવણ થાય છે. કાર્બન મોનો ઓક્સાઈડ શરીરમાં જતા વ્યક્તિને બેભાન કરે છે. કાર્બન મોનોક્સાઈડ શરીરમાં ઓક્સિજન પહોંચાડનારા રેડ બ્લડ સેલ્સ પર હુમલો કરે છે. કાર્બન મોનોક્સાઈડ શ્વાસમાં લેવાથી હીમોગ્લોબિન મોલિક્યૂલ બ્લોક થઈ જાય છે અને શરીરની ઓક્સિજન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્રભાવિત થાય છે. એવામાં માથાનો દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, ગભરાટ, વિચારવાની ક્ષમતા પર અસર પડવી, હાથ અને આંખના કો-ર્ડિનેશનમાં ગરબડ થવી, હાર્ટ રેડ વધવી, શરીરનું તાપમાન ઓછું થવું, લો બ્લડ પ્રેશર જેવી થઈ શકે છે.
ઉપાય
સિલિન્ડર બાથરૂમની અંદર રાખવાના બદલે બહાર બાલ્કની અથવા ખુલ્લી જગ્યાએ રાખવો વધારે સલામત છે. પ્રારંભિક જોખમી લક્ષણો જોવા મળે તો તરતજ કાર્બન મોનોક્સાઇડ લીક શોધી કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ. કાર્બન મોનોક્સાઈડ ઝેર માટે કોઈ ઘરગથ્થું ઉપચાર ઉપલબ્ધ નથી. એક્ઝોસ્ટ ફેન જરૂર હોવો જોઈએ. જેથી અંદરની ગેસ અને વરાળ બહાર નીકળી શકે.
બાથરૂમમાં પહેલા પાણી ગરમ કરો
બાથરૂમનું બારણું બંધ કરતાં પહેલાં ગિઝર ચાલુ કરી પાણી ગરમ કરીને ડોલ કે બકેટમાં ગરમ પાણી ભરીને પછી ગિઝરની સ્વીચ બંધ કરીને પછી જ બાથરૂમનું બારણું બંધ કરવું સલામત છે. બાથરૂમમાં ખુલ્લું વેન્ટિલેશન રાખો. ગેસ ગિઝર યુનિટ બાથરૂમની બહાર રાખવું સલામત છે અંદર નહીં.