પાલનપુર, તા.૦૩
ત્રિશુળિયા ઘાટ પર પલટી ગયેલી લક્ઝરી બસના માલિક અને ભાડે ફેરવનાર જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. આરટીઓએ જણાવ્યું હતું કે તપાસમાં જેમની લાપરવાહી સામે આવશે તેમની વિરુદ્ધ ગુનો દાખલ થઈ શકે છે. હાલ ડ્રાઈવર અમદાવાદ સારવાર હેઠળ છે.
ત્રિશૂળિયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બસ હંકારનારનો વિડીયો મંગળવાર રાત્રે વાયરલ થયો હતો. જેમાં જણાવાયું હતું કે, ‘વિડિયો ઉતારતો હતો જેથી અકસ્માત સર્જાયો છે. જેની તપાસ દરમ્યાન દાંતા પોલીસે લેખિત જાહેર કરીને ખુલાસો કર્યો હતો કે “મુનિર વોરા નામના ડ્રાઇવરે સવારે હિમતનગર-ખેડબ્રહ્મા વચ્ચે વિડીયો ઉતારી આ વિડીયો વ્હોટ્સએપ સ્ટેટસ પર મૂક્યો હતો. ત્રિશૂળીયા ઘાટ પર જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે વરસાદ ચાલી રહ્યો હતો.’
બીજીતરફ મામલાની તપાસ કરી રહેલા દાંતા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ “જીજે-1-ઝેડ-9795 નંબરની બસનું એફએસએલની ટીમ દ્વારા પંચનામું કરાયું છે. જેનો સપ્તાહમાં રિપોર્ટ આવ્યેથી ખ્યાલ આવશે કે અકસ્માત ખરેખર કેવી રીતે થયો હતો.’ દરમિયાન મામલાની આનુસંગિક તપાસ કરી રહેલા આરટીઓ અધિકારી વિપુલ ગામેતીએ બસના ખેડાના માલિકનો સમ્પર્ક કરતા લક્ઝરી બસના માલિકે કહ્યું હતું કે “મેં બસ વેચી દીધી છે, જ્યારે જેને વેચવામાં આવી તેની તપાસ કરાવતા ગફુરભાઇ વોરાએ જણાવ્યું હતું કે “હું બસ ભાડે ફેરવુ છું. મારો દીકરો જ બસ હકારતો હતો. જે મુનિર અકસ્માતમાં ઘાયલ થયો છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.’
મૃતકોને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનો લાભ નહીં મળી શકે કારણ કે, માર્ચ મહિનામાં જ બસનો વીમો પૂરો થઈ ગયો હતો. બસના માલિકે બસ વેચી દીધી હોવાથી જેણે બસ રાખી હતી તેણે પ્રીમિયમ ભર્યું નથી.