ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશીપની ટાંકી ધડાકાભેર તૂટી પડતા અમપાની કામગીરી સામે અનેક સવાલ

અમદાવાદ,તા.18

અમદાવાદમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થવાનો સિલસીલો યથાવત રહ્યો છે. શહેરના ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશીપની ઓવરહેડ ટાંકી ધરાશાયી થઇ જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ટાંકીની મનપા દ્વારા ઉતારવાની કામગીરી થઇ રહી હતી ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. જોકે પાણીની ટાંકીનો કેટલોક ભાગ પડવાને કારણે એક મકાનને નુકસાન થયું હતું અને એક સ્કૂટર કાટમાળ તળે દબાઇ ગયું હતું. જોકે અગાઉ અમપાની નિષ્કાળજીના અહેવાલો પ્રગટ થઇ ચૂક્યાં હતા તેમછતા પણ મનપાની ધીમી  અને નબળી કામગીરીને કારણે આજે પણ આ દુર્ઘટના સર્જાઇ હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.  

આ અગાઉ અમદાવાદ શહેરમાં બોપલમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૬૫ ઓવરહેડ ટાંકીઓનો સરવે હાથ ધરાયો હતો. જેમા ૪૪ ટાંકીઓ જર્જરીત હાલતમાં છે. ગોતા વિસ્તારમાં આવેલી ૬૦ વર્ષ જુની ઓવરહેડ ટાંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વર્ષ-૨૦૦૮થી વર્ષ-૨૦૧૦ સુધીના સમયગાળામાં ૩૩ ગ્રામ પંચાયત અને ૧૧ નગરપાલિકાના વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવવામાં આવ્યા હતા

બોપલમાં બનેલી દુર્ઘટના બાદ એક સર્વે જર્જરીત ટાંકીને લઈને કરવામાં આવ્યો છે. આ પૈકી ઉત્તર-પશ્ચિમઝોનમાં ૧૪,પશ્ચિમઝોનમાં ૧૦,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આઠ,ઉત્તરઝોનમાં ત્રણ,પૂર્વઝોનમાં ત્રણ અને મધ્યઝોનમાં એક ટાંકીનો સમાવેશ થાય છે. અમદાવાદમાં જલપુર, જાધપુર, ગોતા, ઓગણજ, શેલા, મકરબા, હેબતપુર જેવા વિસ્તારોમાં જર્જરીત ટાંકીઓ હોવાછતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ ભયસુચક બોર્ડ કે બેરીકેટસ પણ સાવચેતી માટે મુકવામાં આવ્યા નથી.

ઘાટલોડીયામાં ટાંકી ધડાકાભેર તુટી પડી

ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગરની ૨૫ વર્ષ જુની પાણીની ટાંકી ધડાકાભેર તુટી પડી હતી. ૨૫ વર્ષની યુવતીને ઈજા થઈ હતી. ટાંકીની મરામત અંગે સ્થાનિક રહીશો દ્વારા સત્તાવાળાઓ સમક્ષ અવારનવાર રજુઆત કરાઈ હતી. છતાં તંત્રના બહેરાકાને આ રજુઆત સંભળાઈ નહતી. ટાંકી ક્ષતિગ્રસ્ત હોઈ રાત્રિના બે વાગ્યાથી જ તેમાંથી પાણી લીક થવા લાગ્યુ હતુ. 

નિકોલ ટાંકીની દુર્ઘટનામાં મોડી કાર્યવાહી કરાઈ

આ અગાઉ નિકોલ વિસ્તારમાં પણ બનેલી ટાંકીની દુર્ઘટનામાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા કામમાં ગેરરીતી આચરવામાં આવતી હોવા અંગેની ૨૭ વખત મ્યુનિસિપલ કમિશનરથી લઈને લાગતા-વળગતાઓ સમક્ષ ફરીયાદ કરવામાં આવી હતી.આમ છતાં તંત્ર તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરાઈ ન હતી.અંતે ટાંકીનો સ્લેબ તુટી પડતા તેમાં દટાઈ જવાના કારણે બે લોકોના મોત થયા હતા.

આ ઘટના બાદ અમપાના ઈજનેર પી.એ.પટેલ.ને મ્યુનિસિપલ કમિશનર દ્વારા બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા હતા.ઘટનાના ઘણા સમય બાદ ગત સપ્તાહે અમપાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કોન્ટ્રાકટર ભૂપતાણી એસોસિએટને ત્રણ વર્ષ માટે કોઈપણ કામ ન આપવા અને સ્મૃતિ મંદિર,ધોડાસર ખાતે પાણીની ટાંકી બનાવવા ભૂપતાણીને જે કામ સોંપવામાં આવ્યુ હતુ એ કામ પણ પરત લેવા નિર્ણય કરાયો છે.

૩૫થી ૪૦ વર્ષ જુની એવી કુલ ૯૯ જેટલી ટાંકીઓ આગામી દોઢ મહીનામાં તોડી પાડવા નિર્ણય કર્યો હતો. ૧૯૧ જેટલી ઓવરહેડ પાણીની ટાંકીઓ આવેલી છે. જે પૈકી ૧૧૮ ટાંકીઓ હાલ વપરાશમાં છે. જયારે ૭૩ ટાંકીઓ બિનવપરાશમાં છે. વપરાશમાં છે એમાં પણ ૨૬ જેટલી ટાંકીઓ ૩૫થી ૪૦ વર્ષ જુની છે.

ઝોન પ્રમાણે ઓવરહેડ પાણીની ટાંકીઓની પરિÂસ્થતિ

ઝોન                   ટાંકીની સંખ્યા      વપરાશમાં      બિનવપરાશમાં  તોડવાપાત્ર ટાંકી        તોડી પડાયેલ ટાંકી

પુર્વ                    ૩૩                 ૨૭         ૦૬         ૧૧                  ૦૫

દક્ષિણ                ૧૭                 ૧૨         ૦૫         ૦૬                  ૦૫

ઉત્તર                  ૧૭                 ૧૩         ૦૪         ૧૧                  ૦૭

મધ્ય                ૦૭                 ૦૭         ૦૦         ૦૦                  ૦૦

પશ્ચિમ              ૪૩                 ૨૬         ૧૭         ૧૮                  ૦૯

ઉ-પશ્ચિમ        ૪૨                 ૨૦         ૨૨         ૨૮                  ૧૨

દ-પશ્ચિમ       ૩૨                 ૧૩         ૧૯         ૨૫                  ૦૪