ગૌરવ લિવઈનમાં ત્રીજી મહિલા સાથે રહે છે, મારો અને મારી પુત્રીનો કાંટો કાઢવા માગે છે

અમદાવાદ, તા. 23

સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયા કેસમાં આજે વધુ એક નવો વળાંક આવ્યો છે. ગુરુવારે સસ્પેન્ડેડ આઈએએસ દહિયાએ લીનુ સિંહ દ્વારા તેમની પાસે રૂ. 20 કરોડની માગણી કરાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો તો આજે તેમની કથિત પત્ની લીનુ સિંહે આરોપ કર્યો કે ગૌરવ દહિયા ત્રીજી મહિલા સાથે લિવ ઈન  રિલેશનશિપમાં રહે છે તથા તેને અને તેની પુત્રીને રસ્તામાંથી હટાવી પણ શકે છે. આ પ્રકારના આરોપ સાથે લીનુ સિંહે દહિયા ઉપર ચોંકાવનારા નિવેદનો કર્યા હતા.

ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર

ગઈકાલે મોડી સાંજે ગૌરવ દહિયાએ પોતાના વકીલ સાથે પત્રકાર પરિષદ યોજી હતી તો તેના જવાબમાં આજે સવારે લીનુ સિંહે એક પરિષદ યોજીને પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે કહ્યું કે, જો ગૌરવ ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર હોય તો હું પણ ડીએનએ ટેસ્ટ માટે તૈયાર છું. તેણે આરોપ કર્યો કે, ગૌરવ જે ફોટો મોર્ફ કર્યા હોવાની વાતો કરે છે, તો એ ફોટા તેણે જ જાતે મને મોકલ્યા હતા. જો એ સાચી વ્યક્તિ હોય તો શા માટે વકીલને સાથે રાખીને ફરે છે. એના કારણે પોલીસનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે.  પણ, હું છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છું. જો દિલ્હીમાં તપાસ કરાવવી હોય તો તેના માટે પણ હું તૈયાર છું  હું દિલ્હીમાં હાયર ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવા જઈશ.  જો ફોટો મોર્ફ હોય તો તેની પણ ફોરોન્સિક તપાસની લીનુ સિંહે માગણી કરી હતી.

દહિયાના આક્ષેપનો જવાબ

ગૌરવ દહિયાએ લીનુ સિંહે રૂ. 20 કરોડની માગણી કરી હોવાના કરેલા આક્ષેપનો જવાબ આપતા લીનુ સિંહે જણાવ્યું કે, આ વ્યક્તિએ સામેથી રૂપિયા આપી જિંદગીમાંથી હટી જવાનું કહ્યું હતું. મેં તો માત્ર તેની પર તેની પત્ની સાથે છૂટાછેડા લેવાની માગણી કરી હતી  મેં તેમની પાસે માગણી કરી હતી કે તેઓ મને ગાંધીનગર લઈ જાય.

ગુજરાત સરકારની તપાસ સમિતિથી સંતોષ છે

તેણે વધુમાં ઉમેર્યું કે, દહિયાએ થોડા જ મેસેજ જાહેર કર્યા છે. જ્યારે મેં મારા સંતાનને તેની પાસે રાખવાની માગનીં મેસેજ જાહેર કર્યા નથી. દહિયાએ પોતે છૂટાછેડા લીધેલા હોવાનું કહીને મારી સાથે લગ્ન કર્યા હતા. હું ખુશ છું કે તે ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર છે. લીનુ સિંહે કહ્યું કે, તેણે પીએમઓ, ગુજરાતના મુખ્યપ્રધાન અને રાજ્યના પોલીસ વડા સુધી આ અંગે ફરિયાદ કરી છે. રાજ્ય સરકારે બનાવેલી સમિતિની તપાસથી સંતોષ છે. તેણે જણાવ્યું કે, જો મેં રૂપિયાની માગણી કરી હતી તો ગૌરવે તે માહિતી સમિતિ સમક્ષ કેમ રજૂ ન કરી.

મોબાઈલમાં રજૂ કર્યા વધુ ફોટા

લીનુ સિંહે મીડિયા સમક્ષ મોબાઈલમાં રહેલા ફોટો રજૂ કર્યા હતા.  તેણે કહ્યું કે, મેં હજુ માત્ર ૧૦ ટકા પુરાવા જ રજૂ કર્યા છે. ગૌરવના પિતા ઘણી વાર મને મળ્યા હતા અને ગૌરવને છોડી દેવા દબાણ કર્યું હતું. મને સેંકડો વાર તેણે મેસેજ કર્યા હતા. ગૌરવ દહિયા  હાલમાં ત્રીજી મહિલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે. દહિયાએ એવી માગણી કરી હતી કે, તે, હું અને ત્રીજી મહિલા સાથે રહીએ. હું એ માટે તૈયાર નહોતી.  જો પહેલી પત્ની સાથે મને એ ઓફર મળી હોત તો મેં વિચાર કર્યો હોત.  કેમ કે પહેલી પત્ની પાસે દીકરો છે અને મારી પાસે દીકરી છે.  અમારા સંતાનો નાના છે.

જાનથી મારી નાંખવાનો પ્રયાસ

તેણે એમ પણ જણાવ્યું હતું કે, ગૌરવ દહિયાએ મને જાનથી મારવાનો પ્રયત્ન કર્યો હતો. તે મને નર્સ મારફતે ઝોલ્ફીડમ ટેબ્લેટ આપતો હતો.  મને બળજબરી ટેબ્લેટ લેવા માટે કહેતો હતો.  મને બ્લેકમેઈલ કરી નિવેદન પોલીસ સમક્ષ અપાવ્યા.  તે ઊંઘની ગોળીઓ આપી મને સૂવડાવી દેતો હતો.  મારે દુનિયા સામે માત્ર એ દર્શાવવું છે કે આ પુત્રી દહિયાની જ છે.  આ વ્યક્તિ કોઈપણ હદે જઈ શકે છે.  તે મને અને મારી પુત્રીને રસ્તામાંથી હટાવી પણ શકે છે.  આ વ્યક્તિ સાથે રહેવું સેફ નથી.  મને મારા માતા પિતા તરફથી પણ કોઇ સહયોગ મળતો નથી.  આ લડાઇની હવે શરૂઆત થઇ છે.  હું કોઇ પણ ભોગે આ લડાઈ અટકાવીશ નહિ.  ગૌરવ મને દર મહિને રૂપિયા આપતો હતો. એ રૂપિયાથી લડાઈ ચાલે છે.  મને જે ઘરેણા આપ્યા હતા એ વેચીને પણ લડાઈ લડીશ. અને સાથે સાથે દિલ્હીમાં ન્યાયિક તપાસ માટે ગુહાર લગાવીશ.