ગ્રાન્ટેડ સાયન્સ કોલેજોમાં ખાલી બેઠકો પર મેરિટના નામે પ્રવેશ નહી અપાતો હોવાની ફરિયાદ

અમદાવાદ, તા.૨૧

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી સાયન્સ કોલેજોમાં ત્રણ ઓનલાઇન રાઉન્ડ પછી ખાલી પડેલી ૯૫૦૦ બેઠકો માટે હાલમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં એક મેરિટ નક્કી કરવામાં આવ્યુ છે. આ મેરિટથી નીચે કોઇ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે આવે તો તેમને પ્રવેશ આપવામાં આવતો નથી. આ મુદ્દે કેટલાક સભ્યોએ યુનિવર્સિટીમાં રજૂઆત કરી છે. બીજીબાજુ પ્રવેશ સમિતિના સભ્યો કહે છે સાયન્સમાં સરકારી-ગ્રાન્ટેડ કોલેજોમાં મેરિટની અવગણના કરીને પ્રવેશ આપવામાં આવે તો આરટીઆઇમાં કોલેજ સંચાલકોએ જવાબ આપવામાં ભારે મુશ્કેલી ઉભી થાય તેમ છે.

સાયન્સ કોલેજોમાં હાલ ૯૫૦૦ બેઠકો ખાલી પડી છે. ચાલુવર્ષે નવી સાત કોલેજોનો મંજુરી આપાતા ખાલી બેઠકોનો આંકડો વધ્યો છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પણ પાંચ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને સીધા કોલેજમાં પ્રવેશ લેવા આદેશ કરાયો છે. હાલ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે જે તે કોલેજમાં જઇ રહ્યા છે. જેમાં સરકારી-ગ્રાન્ટેડ કોલેજોમાં અગાઉ જયાં મેરિટ અટકયુ હતુ તેની અવગણના કરીને બેઠકો ખાલી પડી હોય તો પણ પ્રવેશ આપવા સંચાલકો-પ્રિન્સિપાલ દ્વારા ઇન્કાર કરી દેવામાં આવી રહ્યો છે. જેના કારણે આ કોલેજોમાં બેઠકો ખાલી હોવાછતાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ શકતાં નથી. આ મુદ્દે સેનેટ સભ્ય દ્વારા કુલપતિ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો ખાલી હોવા છતાં વિદ્યાર્થીઓએ સ્વનિર્ભર કોલેજોમાં ફરજિયાત પ્રવેશ લેવો પડતો હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. આ મુદ્દે પ્રવેશ સમિતિના સભ્યો કહે છે. અગાઉ જે કોલેજમાં માઇક્રોબાયોલોજીમાં ૬૬ ટકાએ પ્રવેશ અટકયો હોય ત્યારે ૬૫ ટકા ધરાવતાં વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો નથી. જેના કારણએ ૬૫ ટકા ધરાવતાં વિદ્યાર્થીઓએ હાલમાં અન્ય કોલેજોમાં અથવા ગ્રુપમાં પ્રવેશ લેવો પડયો છે. હાલમાં જે વિદ્યાર્થીઓ બે માર્કશીટ અથ‌વા તો ૫૦-૫૫ ટકા ધરાવતાં હોય તેવા વિદ્યાર્થીઓ આ ખાલી બેઠકો પર પ્રવેશ માટે આગ્રહ રાખી રહ્યા છે. નિયમ પ્રમાણે આ પ્રવેશ ફાળવવામાં આવે તો અગાઉ જે વિદ્યાર્થીને ૬૫ ટકાએ પ્રવેશ અપાયો નથી તેમને અન્યાય થાય તેમ છે. જો આરટીઆઇમાં આ વિદ્યાર્થી દ્વારા વિગતો માંગવામાં આવે અને પોતાને ૬૫ ટકાએ પ્રવેશ આપવામાં આવ્યો નથી પણ છેવટે ૫૫ ટકાના વિદ્યાર્થીને પ્રવેશ અપાયો તેવુ સાબિત થાય તો મોટી મુશ્કેલી ઉભી થાય તેમ છે. આમ, પ્રવેશના મુદ્દે હવે નવો વિવાદ ઉભો થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.