ગ્રામજનો જાત મહેનતે બનાવી રહ્યાં છે પોતાનાં ગામનો રસ્તો

“સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના”. આ પંક્તિને સાર્થક કરે છે છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડી તાલુકાનાં છેવાડાનાં ગ્રામજનો. આ તાલુકાનાં વાડિયા અને સાંકળ ગામને જોડતાં રસ્તા બાબત અનેકવાર રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર તેમ જ સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરી, પરંતુ આદિવાસીઓની આ રજૂઆતોને તમામ લોકોએ આંખ આડા કાન કરી લીધાં. છેવટે હારી થાકીને આ ગ્રામજનોએ એકજૂથ થઈને હાથમાં પાવડા-ત્રિકમ વગેરે ઉપાડીને જાતે રસ્તો બનાવવાનું શરૂ કરી દીધું.
સરકાર આદિવાસી વિસ્તારમાં  તમામ પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ કરી હોવાના દાવા  કરે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવાડાનો માનવીઓ આજે માંઝી બનીને સાંકળ ગામથી વાડિયા ગામને જોડતો રસ્તો જાતે જ હાથમાં પાવડો ત્રિકમ ઉપાડીને કાચો રસ્તો બનાવી રહ્યાં છે. છેવાડાના માનવીની ચિંતા કરનાર સરકાર હજુ ઘોર નિદ્રામાં હોય તેમ લાગે છે. સરકાર આદિવાસીના નામ ઉપર જાહેર મંચ ઉપર મોટા મોટા ભાષણો આપે છે તેને યુવાનોએ પડકાર આપ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સાંકળથી વાડિયા ગામને જોડતો કાચો રસ્તો વરસાદના કારણે  ધોવાઈ ગયો છે. આ રસ્તો પગદંડી તેને અગાઉ ગ્રામજનોએ ખોદીને સરખો કર્યો હતો. ચાર કિમીના કાચા રસ્તાને પાકો બનાવવા માટે સ્થાનિક લોકોએ અગાઉ સરકારમાં વારંવાર રજૂઆત કરી. પરંતુ તેનો કોઈ ઉકેલ ના આવ્યો. સરકારે કોઈ પણ પ્રકારનું ધ્યાન ના આપતા આ ગામોના યુવાનોએ સંગઠિત જાત મહેનતથી રસ્તાના ખાડાનું પુરાણ કરવાનું નક્કી કર્યું. આ ડુંગર ઉપરના જોખમી રસ્તામાં તેમાં માટી  નાખીને રસ્તો બનવવાનું કામ શરૂ કર્યું. સરકારે પાકો રસ્તો ના બનાવ્યો જેથી ઉપરના વિસ્તારમાં આવેલ સાત ગામના લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડે છે. આઝાદીના સાત દાયકાઓ પૂર્ણ થઇ ગયા, પરંતુ  સરકાર ચાર કિમીનો રસ્તો  બનવવામાં સરકાર  નિષ્ફળ રહી. આ  રસ્તા ઉપરથી સાત થી વધારે ગામના લોકો પસાર થાય છે. ગમે તેવી મુસીબત હોય જંગલના કાચા રસ્તાથી મુખ્ય માર્ગ સુધી પહોંચવા લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે. આ યુવાનોએ કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા વગર આ મુહિમ ઉપાડી છે. હાથમાં પાવડા ત્રિકમ જોઈને આપણને સરકારી યોજના મનરેગાનું કામ કરતા હોય તેવું લાગે છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરિત છે. આ યુવાનોએ પોતાને પડતી મુશ્કેલીનો જાતે જ ઉકેલ કાઢવાનું નક્કી કરી લીધું છે.
સરકાર આદિવાસી વિસ્તારના વિકાસ માટે વિવિધ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવે છે. આ ગ્રાન્ટ યોગ્ય જગ્યાએ  વાપરવામાં આવે તો આવી સમસ્યા દૂર થાય તેમ છે. અંતરિયાળ વિસ્તારોમાં આવેલા વાડિયા ગામની આસપાસ સાત ગામ આવેલાં છે. સ્થાનિક લોકોએ પાકો રસ્તો બનાવવા માટે સરકારમાં ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરી, પરંતુ અત્યાર સુધી તેઓની રજૂઆતને ગણકારવામાં આવી નથી. આ પહાડમાંથી ગ્રામજનો જીવના  જોખમે આ રસ્તો પસાર કરે છે. જેને લઈ લોકો પરેશાન  છે પણ અધિકારીઓ કે રાજકીય નેતાઓ તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. યુવાનોએ હિંમત દાખવીને જાતેજ રસ્તો બનવવાની એક મુહિમ ઉપાડી છે. દર ચોમાસામાં આ રસ્તો ધોવાઈ જાય છે અને યુવાનો આ રીતે તેને  સરખો કરે છે. ચૂંટણીઓ  આવતા જ નેતાઓ વોટબેન્ક માટે અહીંયા ઉમટી પડે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ પાંચ વર્ષ સુધી ફરકતા સુદ્ધાં નથી.ચોમાસામાં માર્ગો ધોવાઈ ગયા હોવાનાં કારણે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી 108ની સેવા પણ આ ગામોને પહોંચી શકતી નથી. પ્રાથમિક શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ આવા રસ્તા હોવાનાં કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નસવાડી આવવા આવવા માટે બીજા  રસ્તે જાય તો તેઓને 15 કિમીનું લાંબું અંતર કાપવું પડે છે.
દેશ ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યો  છે, ત્યારે આ ગતિશીલ ગુજરાતમાં વસવાટ કરતા છેવાડાના વિસ્તારના ગામડાઓના આદિવાસી લોકો આજે પણ પાક રસ્તાથી વંચિત છે. રાજ્ય સરકાર મોટા ઉપાડે ગતિશીલ ગુજરાતના દાવા કરે છે અને સ્માર્ટ  ગામડાઓને સ્માર્ટ વિલેજ બનાવી રાજ્યનો સતત વિકાસ થઈ રહ્યો છે એવાં બણગાં ફૂંકે છે ત્યારે નસવાડી તાલુકાનાં વાડિયા અને સાંકળ ગામનાં રહેવાસીઓ જાત મહેનત ઝિંદાબાદનાં નારા સાથે પોતાનાં ગામ માટે રસ્તો બનાવવાનું કામ કરી રહ્યાં છે ત્યારે એ સાબિત થાય છે કે રાજ્ય સરકારનાં વિકાસનાં દાવા કેટલાં પોકળ છે. શું આ છે આપણો વિકાસ? શું આ છે ગતિશીલ ગુજરાત?