ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે શખ્સો સવા બે લાખની સોનાની ચેઈન ચોરી ગયા

અમદાવાદ, તા.26

ચાંદખેડામાં આવેલા જાણીતા તનિષ્ક જવેલર્સમાં ખરીદીના બહાને આવેલા બે શખ્સો 2.16 લાખની કિંમતની સોનાની ચેઈન ચોરીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જવેલર્સ શોપના સીસીટીવી ફૂટેજના આધારે ચાંદખેડા પોલીસે આરોપીઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

તેજસ મનુભાઈ પટેલ (ઉ.34 રહે. આદર્શનગર, પ્રગતિનગર ગાર્ડન પાસે, નારણપુરા) ચાંદખેડા ખાતે આવેલા તનિષ્ક જવેલર્સમાં નોકરી કરે છે. ગત ગુરૂવારના રોજ બપોરના ત્રણેક વાગે બે ગ્રાહકોએ ચેઈન કાઉન્ટર પર સોનાની ચેઈન ખરીદવા જુદીજુદી ડિઝાઈન જોઈ હતી. જો કે, ચેઈન ખરીદ્યા વિના જઈ રહેલા બંને અજાણ્યા શખ્સોના નામ-સરનામું અને ફોન નંબર કર્મચારી રંજનબહેને માંગ્યો હતો. બંને શખ્સોએ અમે કોઈ નંબર આપીશું નહીં નંબર આપ્યા બાદ ઘણા મેસેજો આવે છે તેમ કહી ચાલ્યા ગયા હતા.

રાતના સમયે સ્ટોકની ગણતરી કરતા 47.237 ગ્રામ વજનની સોનાની ચેઈન મળી આવી ન હતી. ચેઈનનું વેચાણ નહીં થયું હોવાથી શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા ગ્રાહક બનીને આવેલા બે શખ્સોએ કર્મચારી રંજનબહેનની નજરચૂકવીને એકબીજાની મદદથી ચેઈન ચોરી હોવાનું સામે આવ્યું હતું.