ગ્રીનહાઉસે ખેતીને નવી દિશા આપી

વનસ્પતિ હોય, ફળ હોય કે ફૂલ દરેકને ચોક્કસ પ્રકારનું વાતાવરણ જોઇએ છે. જો અનુકૂળ વાતાવરણ ન હોય તો ફળ અને ફૂલ વિકાસ પામતાં નથી અને મૂરઝાઇ જતાં હોય છે. વાતાવરણને ચેન્જ કરી પાકનું વધુ ઉત્પાદન મેળવવાનો પ્રયાસ એટલે ગ્રીનહાઉસ. પાકને લીલુંછમ રાખતં ઘર એટલે ગ્રીનહાઉસ. વિશ્વમાં ઇઝરાયલ, તાઇવાન, હોલેન્ડ, નેધરલેન્ડ તેમજ સ્પેન જેવા દેશોમાં ગ્રીનહાઉસે ખેતીને એક નવી દિશા આપી છે. ગુજરાતમાં ગ્રીનહાઉસનો વ્યાપ વધતો જાય છે. બે વર્ષ પૂર્વે જ્યાં રાજ્યમાં ગ્રીનહાઉસનો કુલ આંક ૪૦૦થી ૪૫૦ હતો ત્યાં આ વર્ષે એક માત્ર રાષ્ટ્રીય મિશન થકી જ ૪૨૫ ગ્રીનહાઉસ બન્યા છે. હવે રાજ્યનો કુલ આંક એક હજારને પહોંચવા આવ્યો છે. દેશમાં ગુજરાત હવે ગ્રીનહાઉસમાં અગ્રીમ હરોળમાં આવી ગયું છે. દેશમાં સૌથી વધુ ગ્રીનહાઉસ ધરાવતા રાજ્યમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. બાદમાં કર્ણાટક પછી ગુજરાતનો નંબર આવે છે. ગુજરાતે કૃષિ વિકાસદર જાળવી રાખવો હશે અને ખેડૂતોને સધ્ધરતા અપાવવી હશે તો ગ્રીનહાઉસની સંખ્યા વધારવી પડશે, કારણ કે આગામી દિવસો ગ્રીનહાઉસની ખેતીના હશે. હવામાન, નિકાસની સારી તકો અને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાથી ગુજરાતમાં ગ્રીનહાઉસનો વ્યાપ વધારવાની તકો ઘણી છે.
રતમાં ચાર દાયકાથી ગ્રીનહાઉસનો ઉપયોગ શરૃ થયો છે. પ્રારંભિક તબક્કામાં માત્ર સંશોધનના હેતુ અને કમોસમી વાતાવરણથી અગત્યના પાકોને બચાવવા માટે થતો હતો, પરંતુ કૃષિ ક્ષેત્રે વ્યાવસાયિક સ્તરે ગ્રીનહાઉસનો ઉપયોગ ૧૯૮૮થી શરૃ થયો. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધે તે હેતુથી ગ્રીનહાઉસ ટેકનોલોજીનો વ્યાપ વધારવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. સરકારના આ પ્રયાસોથી દેશમાં ગ્રીનહાઉસનો ઉપયોગ વ્યાપક બન્યા બાદ ગુજરાતમાં પણ છેલ્લા એક દાયકાથી ગ્રીનહાઉસ પ્રચલિત બન્યા છે.
ગ્રીનહાઉસ એક એવી વ્યવસ્થા છે, જેમાં પાકને અનુરૃપ વાતાવરણ કૃત્રિમ રીતે ઊભું કરવામાં આવે છે. ગ્રીનહાઉસ વધારે પડતા વરસાદ-પવન કે ઠંડી, ગરમીથી પાકને બચાવે છે. ઉપરાંત ગ્રીનહાઉસમાં ઉત્પાદિત પાકમાં રોગનું પ્રમાણ પણ ઓછું હોય છે. ટૂંકમાં ગ્રીન હાઉસમાં ૧૦થી ૧૫ ડિગ્રી તાપમાન મેઇન્ટેઇન કરી શકાય છે. ગ્રીનહાઉસમાં ફોગર, સ્પ્રિંકલર, ડ્રિપ ઇરિગેશન અને પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરીને વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
ગ્રીનહાઉસ એટલે શં
ગ્રીનહાઉસના બાંધકામમાં પારદર્શક પ્લાસ્ટિકના આવરણવાળી રચના કરવામાં આવે છે. જેથી વનસ્પતિના વિકાસ માટે તેને કુદરતી સૂર્યપ્રકાશ મળી રહે છે. ગ્રીનહાઉસમાં ઉષ્ણતામાન, પ્રકાશ, ભેજ અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને નિયંત્રિત કરી શકાય છે. ગ્રીનહાઉસ નિષ્ણાતના અનુમાન અનુસાર ખુલ્લાં ખેતર કરતાં ગ્રીનહાઉસમાં બમણું ઉત્પાદન લઇ શકાય છે. ગ્રીનહાઉસના બાંધકામમાં જે તે સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીનહાઉસ મુખ્યત્વે પાંચ પ્રકારના હોય છે. જેમાં ટનલ પાઇપ, ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પાઇપ, ઇવન સ્પાન અને ગેબલ ટાઇપ, ક્યુઓનસેટ ટાઇપ તેમજ રીઝ એન્ડ ફેરો ટાઇપનો સમાવેશ થાય છે.
ગ્રીનહાઉસમાં સરકારી સબસિડી ખેડૂતોના લાભનું કારણ
રાજ્યમાં ગ્રીનહાઉસમાં ૧૮ લાખ જ્યારે નેટહાઉસમાં ૧૨ લાખ જેટલી રકમ સબસિડીરૃપે મળતી હોય છે. જે ખેડૂતો માટે લોભનું કારણ પણ બની રહી છે, કારણ કે સબસિડીની મસમોટી રકમ મેળવવાના ઇરાદે ખેડૂતો કેટલીક કંપનીઓ સાથે મળીને સસ્તામાં ગ્રીનહાઉસ અને નેટહાઉસ બનાવી સબસીડીની રકમ ખિસ્સાંમાં સેરવી લેતા હોય છે.
જે ગ્રીનહાઉસ બે વર્ષમાં જ તૂટી જતાં હોવાથી ખેડૂતો આખરે દોષનો ટોપલો ગ્રીનહાઉસની કંપનીઓને માથે ઢોળતા હોય છે. આ સાથે આ વાત એટલી પણ સાચી છે જેમાં કેટલીક ખાનગી કંપનીઓ ગ્રીનહાઉસના મટીરિયલમાં ચેડાં કરતી હોવાના કેટલાક આક્ષેપો ખેડૂતો દ્વારા થયા છે. હાલમાં રાજ્યમાં ધીમેધીમે નેટહાઉસની હાલત ખસ્તા થઇ રહી છે.
જેનું મુખ્ય કારણ આપતાં ગ્રીનહાઉસ એસો.ના પ્રમુખ ભીમજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, નેટહાઉસમાં ૧૨ લાખની સબસિડી મળી રહી છે. પરિણામે સસ્તા નેટહાઉસની લાલચમાં ખેડૂતો પોતાની કબરો ખોદી રહ્યા છે, માટે રાજ્ય સરકારે પણ સજાગ બની આ અંગે તાત્કાલિક સચેત બનવાની જરૃર રહે છે.

સંકલ્પપત્ર યોજના હેઠળ વર્ષવાર બનેલાં ગ્રીનહાઉસ
સંકલ્પપત્ર યોજનાને ખેડૂતો તરફથી ઘણો આવકાર મળવાની સાથે આ યોજના હેઠળ બનતાં ગ્રીનહાઉસ રૃપિયા ૨૬ લાખના ખર્ચે તૈયાર થતા હોવાથી ખેડૂતો આ યોજનાનો વધુ લાભ ઉઠાવી રહ્યા છે. રાજ્યમાં ૨૦૦૮-૦૯માં બાવન ગ્રીનહાઉસ સંકલ્પપત્ર યોજના હેઠળ બન્યાં હતાં. જેમાં સુરતમાં ૪૦ ગ્રીનહાઉસ બન્યાં હતાં. જ્યારે ૨૦૦૯-૧૦માં આ અંક વધીને ૧૧૩ પર પહોંચ્યો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાએ મેદાન માર્યું હતું. ૨૦૦૯-૧૦માં સાબરકાંઠા જિલ્લામાં ૫૫ ગ્રીનહાઉસ બન્યાં હતાં.જ્યારે સુરતના ખેડૂતોએ ૩૫ ગ્રીનહાઉસ બનાવવાનું સાહસ કર્યું હતું. આ જ પ્રકારે ૨૦૧૦-૧૧માં ૧૦૨ ગ્રીનહાઉસ બન્યાં હતાં. ૨૦૧૧-૧૨માં પણ રાજ્યમાં અત્યાર સુધી ૧૨૫ ગ્રીનહાઉસ બન્યાં છે. જેમાં સાબરકાંઠામાં ૭૩ અને સુરતમાં ૨૫ ગ્રીનહાઉસ બન્યાં છે. જ્યારે મિશન યોજનામાં ૪૨૫ ગ્રીનહાઉસ બન્યાં છે. આમ આ જ વર્ષે ૫૫૦ ગ્રીનહાઉસ બન્યાં છે.
ખેડૂતોને ચૂકવાયેલી સહાય
૨૦૦૮-૦૯ ૨૦૦૯-૧૦ ૨૦૧૦-૧૧ ૨૦૧૧-૧૨
સંકલ્પપત્ર યોજના ૪.૧૯ કરોડ ૧૧.૮૧ કરોડ ૧૧.૦૭ કરોડ ૧૬.૧૮ કરોડ

મિશન યોજના ૨૨.૯૨ લાખ ૩૩.૫૫ લાખ ૩.૪૯ કરોડ ૧૮.૦૫ કરોડ – કરણરાજપુત