ગુજરાતમાં સૌથી વધું ઉનાળુ વાવેતર બાજરીનું થયું છે. કૂલ 2.28 લાખ હેક્ટર વાવેતર થયું છે. જેમાં સૌથી વધું બાજરીનું વાવેતર 1.63 લાખ હેક્ટર થયું છે. બાકીના સમગ્ર ગુજરાતમાં 65,000 હેક્ટર વાવેતર થયું છે. સમગ્ર રાજયમાં સૌથી વધુ બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થવા પામ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થયેલા ફેરફારોને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બાજરીનો પાક તૈયાર થયેલો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદને લીધે બાજરીના પાકને નુકશાન પણ થયું હતું. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં જીલ્લામાંનું હવામાન સૂકું રહેવાની શકયતાઓ દર્શવી છે. ગરમીનું પ્રમાણ પણ વધશે જેને લઈ બાજરી સહિત અન્ય પાકો માટે ખુબજ અનુકળ હવામાન બનવાની સંભાવના રહેલી છે.
ઉનાળુ બાજરીનો પાક તૈયાર થતાં ખેતરોમાં લહેરાતો જાવા મળે છે. ચાલુ વર્ષે બાજરીના ભાવો પણ ખુબ સારા જાવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પણ બાજરી ના પાકનું સારૂ ઉત્પાદનની આશા બંધાઈ છે. હવે બાજરીનો પાક કાપણીના આરે આવી જતા ટૂંક સમયમાં પાક લેવાની સિઝન પ્રારંભાશે.
આણંદ, ખેડા, મહેસાણામાં થોડું વાવેતર છે. પણ શ્રેષ્ઠ પાક તો બનાસકાંઠામાં જોવા મળી રહ્યો છે. તેના ડુંડા લીધા પછી તે સૂકા ચારા તરીકે પશુઓને આપવામાં આવે છે. તેથી ખેડૂતોને તેનું વળતર સારું મળે છે. આ વખતે ગયા વર્ષ કરતાં 8.65 ટકા ઓછું વાવેતર થયું છે. એવું કૃષિ વિભાગનું કહેવું છે. ગયા વર્ષે 2.45 લાખ હેક્ટરની સામે 2019માં 2.28 લાખ હેક્ટર વાવેતર થયું છે. 17 હજાર હેક્ટર ઓછું વાવેતર થવાનું કારણ પાણીની તંગી છે. બીજો પાક ઉગાડવાના બદલે બાજરી ઉગાડી છે. બાજરી એ ભારતનો મૂળ ખોરાક છે જ્યારે ઘઉં એ ગુજરાતના લોકોનો મૂળ કે પરંપરાગત ખોરાક નથી.
ખરીફ, રવિ અને ઉનાળુ મળીને કૂલ 4 લાખ હેક્ટરની આસપાસ વાવેતર રહેતું હોય છે. આ વર્ષે તે વાવેતર 50 હજાર હેક્ટર ઓછું થયું છે. તેથી 9.65 લાખ મેટ્રિક ટનના બદલે કૂલ 9 લાખ ટનની આસપાસ રહે એવી ધારણા છે. ઉનાળુ બાજરી 6 લાખ ટનની આસપાસ રહેશે. એવું ખેડૂતોનું તારણ છે. પણ કૃષિ વિભાગ તો તેના વધારે અંદાજો મૂકી રહ્યું છે. 2018-19નો જ તેમનો અંદાજ 8 લાખ ટનનો હતો. જે ખરેખર એટલું ઉત્પાદન થયું ન હતું. આ વખતે 7 લાખ ટનના વિભાગના અંદાજ કરતાં 6 લાખ ટન થવાની ધારણા છે. હેક્ટરે 1900 કિલોનાના બદલે 1600થી 1700 કિલો થઈ શકે છે. સાત-આઠ વર્ષ પહેલા બાજરી વાવેતર વધુ હતું. જે ક્રમશ ઘટ્યું છે.
આ વર્ષે બાજરીનો 20 કિલોનો ભાવ રૂ.400થી રૂ.450 પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં રૂ.300 ભાવ રહેતો હતો.
ઘઉંના સ્થાને શહેરી વિસ્તારોમાં બાજરીના રોટલા ખાવાનું પ્રમાણ વધ્યું હોવાથી ખપત વધી છે. બાજરીના વાવેતરમાં પાણી વધુ જોઇએ તેની સામે પાણીની અછત વચ્ચે ખેડૂતો માટે બાજરી પકવવી મુશ્કેલ બન્યું છે.