રાજકોટ તા. ૧૭: રાજકોટના અવધ રેસિડેન્સીમાં બે બહેનો વચ્ચે ઘરકામ જેવી નાનીનાની બાબતોમાં ઝઘડો થતો હતો. ત્યારે ફરી બે બહેનો વચ્ચે ચડભડ થતાં મોટી બહેનને લાગી આવતાં તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે નાની બહેને પહેલા માળની બાલ્કનીમાંથી પડતું મુક્યું હતું. જો કે તેનો ઇજાઓ થઇ હતી. અવધ રેસિડેન્સી શેરી નં. ૪ બ્લોક નં. ૧૩૧માં રહેતી સેજલ નૈયા (ઉ.૨૯) નામની વાલ્મિકી યુવતિએ સાંજે ઘરમાં પંખાના પાઇપમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં નાની બહેન કાજલ જોઇ જતાં તેણીએ બાલ્કનીમાંથી છલાંગ મારી દેતાં ઇજા થઇ હતી. બનાવની જાણ લક્ષમણભાઇ કેશુભાઇ ઝાલાએ ૧૦૮ને કરતાં ઇએમટી અલ્પાબેન ઝાલાએ પહોંચી તપાસ કરતાં સેજલનું મૃત્યુ થયાનું જણાતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો લઇને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ તપાસમાં મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું કે તેણી બે બહેન અને બે ભાઇમાં મોટી અને અપરિણીત હતી. તેના પિતા રેલ કર્મચારી હતાં. જે હાલ હયાત નથી. ભાઇ રેલ્વેમાં નોકરી કરે છે. સેજલને નાની બહેન કાજલ સાથે ઘરકામ બાબતે ઝઘડો થતાં સેજલને માઠુ લાગી ગયું હતું અને તેણે રૂમમાં જઇ પગલુ ભરી લીધું હતું. કાજલને પહેલા તો મજાક લાગી હતી. પણ તેણે થોડીવાર બાદ રૂમમાં જઇ જોતાં મોટી બહેન લટકતી જોવા મળતાં તે ગભરાઇ ગઇ હતી અને તેણે બાલ્કનીમાંથી ભૂસકો મારી લેતાં તેને પગમાં ઇજા થઇ હતી