ઘરમાં ઘૂસી આવેલા શખ્સોએ યુવકને ડરાવી લૂંટ ચલાવી, એટીએમ કાર્ડમાંથી રૂપિયા ઉપાડી લીધા

અમદાવાદ, તા.28

શહેરના હિંમતલાલ પાર્ક બીઆરટીએસ પાસે આવેલા માલવ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને ચાર અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી આસાનીથી લૂંટી લીધો છે. ઘરમાંથી માત્ર 1 હજાર રોકડ, બે ઘડીયાળ અને પાવર બેંક લૂંટ્યા બાદ આરોપીઓએ યુવકને પોતાની પાસે બેગમાં રિવોલ્વર હોવાની બીક બતાવી બે એટીએમ કાર્ડના પાસવર્ડ મેળવી લઈ 50 હજાર રૂપિયા ઉપાડી લીધા છે. ઘરમાં ઘૂસીને સાગરીતોની મદદથી એટીએમ કાર્ડ વડે રૂપિયા ઉપાડી લઈને લૂંટ કરાઈ હોય તેવો આ કદાચ પ્રથમ કિસ્સો હશે.

27 વર્ષીય હર્ષિત વિરેન્દ્રભાઈ ખમેશરા (મૂળ રહે. પાલી, રાજસ્થાન) તેના ત્રણ મિત્રો સાથે હિંમતલાલ પાર્ક બીઆરટીએસ સામે આવેલા માલવ એપાર્ટમેન્ટમાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત સોમવારે રાતે પોણા આઠ વાગે હર્શિત ખમેશરા ઘરે હાજર હતા ત્યારે કોઈએ દરવાજો ખખડાવતા તેઓ મુખ્ય દરવાજા પાસે ગયા હતા. આ સમયે એક અજાણ્યો શખ્સ હર્ષિત ખમેશરાને ધક્કો મારી અંદર આવી ગયો હતો અને બૂમ પાડી તેના એક સાથીને બોલાવી લીધો હતો. ઘરમાં ઘૂસી આવેલા બંને શખ્સોએ યુવકને બેડ પર બેસાડી દઈ તેમનો મોબઈલ ફોન લઈ લીધો હતો. તિજોરી-કબાટનો સામાન ફેંદી એક હજાર રોકડા, બે કાંડા ઘડીયાળ અને એક પાવર બેંકની લૂંટ ચલાવ્યા બાદ હર્ષિત ખમેશરાના બે એટીએમ કાર્ડનો પાસવર્ડ

જાણવા લૂંટારૂઓએ પ્રયાસ કરતા યુવકે તે આપવાની ના પાડી હતી. જેથી એક શખ્સે બેગમાં રિવોલ્વર છે જો પાસવર્ડ નહીં આપે તો તેનો ઉપયોગ કરવો પડશે તેવી ધમકી આપી પાસવર્ડ મેળવી લીધા હતા. ઘરમાં ઘૂસી આવેલા બે શખ્સોએ તેમના અન્ય બે સાગરીતને બોલાવી બંને એટીએમ કાર્ડ અને પાસવર્ડ આપી રૂપિયા લઈ આવવા કહ્યું હતું. બંને જણા એટીએમમાંથી રૂપિયા કાઢી આવ્યા બાદ ચારેય શખ્સો હર્ષિત ખમેશરાને તેમનો મોબાઈલ ફોન પરત કરી ફરાર થઈ ગયા હતા. ફોનમાં જોતા યુવકને જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ બે એટીએમ કાર્ડમાંથી 36 હજાર અને 14 હજાર એમ કુલ 50 હજાર કાઢી લઈ લૂંટ ચલાવી છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે એટીએમ સેન્ટર તેમજ આસપાસના  વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓની તપાસ આરંભી છે.