અમદાવાદ,તા:૩૦ અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં રહેતા કોઈ પણ વ્યક્તિને જો પૂછવામાં આવે કે બાપ્પાની સારી મૂર્તિ જો જોઈએ તો ક્યાં જવાય. તો જવાબ હશે હોલીવુડ, ગુલબાઈ ટેકરા. નાનાથી લઈને મોટી સાઈઝના ગણપતિ દાદા અહીંયા મળી રહે તે વાતમાં કોઈ ના કહી શકે તેમ નથી. પરંતું વિવિધ દેવી દેવતાંઓની મૂર્તિ બનાવતી આ બાવરી જ્ઞાતિ શું પહેલાંથી જ આ કામ કરતી હતી, ના.
હોલીવૂડ એટલે બાવરી જ્ઞાતિ
આશરે 10 હજારની વસ્તી ધરાવતો બાવરી જ્ઞાતિનો આ વસવાટ તેમના વડીલોના કહેવા મુજબ દોઢસો વર્ષ પુરાણો છે. મૂળ રાજસ્થાનના પાલ જિલ્લા ના વતની આ લોકો કામકાજની શોઘમાં અમદાવાદ આવ્યા હતા. સૌ પ્રથમ આ વસ્તી અહીં આવીને વસી ત્યારે તેમનો મૂળ વ્યવસાય પશુપાલનનો હતો. ગાય, વાઢરડાને ઉછેરીને લક્કડીયા (પછી નો એલિસ બ્રીજ અને અત્યારનો વિવેકાનંદ પુલ) ક્રોસ કરીને દર રવિવારે એ ઢોરોને વેચવા જતાં. ઘરની સ્ત્રીઓ એ જ ઢોરોને બાંધવા માટેના રસ્સા, દોરડાં તૈયાર કરતી અને વેચતી પણ અને આમ ઘરનું ગુજરાન ચાલતું હતું.
“મારા પિતા મને કહેતા હતાં કે મારા દાદા ગોમદાસ મહારાજે લક્કડીયા પુલને જ્યારે અંગ્રેજોએ બાંધ્યો ત્યારે તેમા કામ કરવા જતાં. તેમને સ્ટીલનો સામાન ખસેડવાનું કામ આપવામાં આવ્યું હતું. મારા દાદા જેવા ધણા લોકો અહીંયાથી એ પુલના કામ માટે ત્યાં જતાં હતાં. ત્યાર પછીથી જે પેઢીઓ થઈ તેમને પશુઓને ઉછેરીને વેચવાનુ કામ કર્યું. મને યાદ છે હું પણ મારા પિતા સાથે લક્કડીયો પુલ ક્રોસ કરીને ખેતીને ઉપયોગ માટે ખરીદવા આવનારાને તે વેચતા હતા, કિશન સોલંકી જે ત્રણ પેઢીથી અહીંયા રહે છે તેમને કહ્યું.
સુરતમાં શિખ્યા મૂર્તિ બનાવવાનું
“ત્યાર પછી લગભગ 1980-1982માં અમે સુરતમાં ભાગોળ ગલી મંદિરમાં મૂતિર્ર્ બનાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. અમને ત્યાં મોટી મોટી મૂર્તિ બનાવાની તાલીમ મળી. ત્યાં મહારાષ્ટ્રથી કલાકારો અવતાં હતા. પછી પાછા આવીને અમે તે કામ અહીંયા શરૂ કયુર્ર્. રબરની ડાય બનાવીને તેમાં પીઓપીને ઓગાળીને આકાર આપવાની કળા અમને સુરતમાં શીખવા મળી. પછી ધીરે ધીરે બધાં લોકોએ મૂર્તિ બનાવવાનું શરૂ કરી દીધું”, કિશને કહ્યું. કિશનનો પરીવાર 12 માસ મૂર્તિ બનાવવાનું કામ કરે છે.
અત્યારે અહીંયાથી દર-વર્ષે – ઓછામાં ઓછી રૂપિયા દસ કરોડનો મૂર્તિઓનો વેપાર થાય છે.
તે વખતે અમારા લોકોની વસ્તી માંડ 500 જેટલી હતી. અત્યારે તેના કરતાં 10 ગણી વધી ગઈ છે. મોટાભાગના બધાં જ લોકો આ જ કામ કરે છે.