ઘાટલોડીયામાં ગેંગ રેપની ધમકીથી ડરીને યુવતિએ આપઘાતનો પ્રયાસ કર્યો

ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી યુવતિની સગાઈ થઈ જતા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે તેને ઉઠાવી જઈ ગેંગ રેપ કરવાની ધમકી આપી હતી. ધમકીથી ડરી ગયેલી યુવતિએ આપઘાતની કોશિષ કરતા સમગ્ર મામલો સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સોલા પોલીસે ચાણક્યપુરી રામદેવ ચોકમાં ફેશન કીંગ નામની દુકાન ચલાવતા કનુ સિંગાડીયા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

છેલ્લા ઘણા સમયથી ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા પરિવારની એક યુવતિ કાજલ (નામ બદલ્યું છે)ની બેએક વર્ષ અગાઉ સગાઈ થઈ ગઈ છે. કાજલના એક તરફી પ્રેમમાં પાગલ બનેલો અને અવારનવાર પરેશાન કરતો કનુ સિંગાડીયા નામનો યુવક ગત 30 જુલાઈના રોજ ઘરે આવી ગયો હતો. ઘરમાં તમામ સભ્યોની હાજરીમાં જે છોકરા સાથે કાજલની સગાઈ થઈ છે તેને કહીં દીધું છે કે, આ મારી મંગેતર છે. જે તમે કાજલના અન્ય કોઈની સાથે લગ્ન કરાવ્યા તો તેને ઉઠાવી જઈ ગેંગ રેપ કરવાની કનુ સિંગાડીયાએ ધમકી આપી હતી. કનુની ધમકીથી ડરી ગયેલી કાજલે મકાનના ધાબા પરથી પડતું મૂકી જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાજલને કમર અને બંને પગમાં ફ્રેકચર થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સોલા પોલીસે કનુ સિંગાડીયા સામે ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર ફરાર કનુ સિંગાડીયા (ઉ.36) ત્રણ સંતાનનો પિતા છે. યુવતિએ આપઘાતનો પ્રયાસ કરતા કનુ સિંગડીયા એવી શેખી મારતો હતો કે, મારી સામે 54 કેસ ચાલે છે. બીજો થશે તો શું ફેર પડશે. સોલા પોલીસે કનુ સિંગાડીયા સામે ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવી ના હોત તો આજે તે જેલના સળીયા ગણતો હોત.